આરટીઓ લાઇસન્સની ટેસ્ટમાં યુવકે એક જણને કચડી નાખ્યો

31 October, 2012 05:03 AM IST  | 

આરટીઓ લાઇસન્સની ટેસ્ટમાં યુવકે એક જણને કચડી નાખ્યો



લાઇસન્સ મેળવવા માટેની ટેસ્ટડ્રાઇવ માટે આવેલા સૅન્ટ્રો કારના ડ્રાઇવરે કાર પરનો કાબૂ ગુમાવતાં આરટીઓ કમ્પાઉન્ડમાં લાઇસન્સ લેવા માટે આવેલા લોકોમાંથી એક જણનું મૃત્યુ થયું હતું, જ્યારે છ લોકો ઘાયલ થયા હતા. સોમવારે સાંજે પાંચ વાગ્યે સાકીનાકામાં રહેતો ૨૨ વર્ષનો કાનજી ભવન ચમારિયા પોતાના મિત્રની સૅન્ટ્રો કાર લઈને અંધેરી આરટીઓમાં આવ્યો હતો. તેને ફોર-વ્હીલરનું લર્નિંગ લાઇસન્સ આપવામાં આવ્યું હતું તેમ જ લાઇસન્સ માટેની ડ્રાઇવિંગ-ટેસ્ટ આપવાની હતી.

ટેસ્ટ શરૂ થવાની તે રાહ જોતો હતો ત્યારે તેણે પોતાની કારને સ્ટાર્ટ કરી હતી. જોકે અચાનક તેણે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને બ્રેકની જગ્યાએ ગભરાટમાં ઍક્સેલરેટર દબાવી દીધું હતું. કમ્પાઉન્ડમાં લાઇસન્સ લેવા માટે આવેલા ઘણા લોકો બચવા માટે આમતેમ દોડ્યા હતા છતાં ઘણા લોકોને ઈજા થઈ હતી.

આરટીઓ કમ્પાઉન્ડમાં ઊભેલો ૨૪ વર્ષનો દિલીપ નર્મિલ પણ આ બનાવમાં ઘાયલ થયો હતો અને તેને કૂપર હૉસ્પિટલમાં સારવાર માટે ઍડ્મિટ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં નાની-મોટી ઈજા પામેલા ચારથી પાંચ લોકોને એ જ દિવસે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, જ્યારે બે લોકોને ગંભીર ઈજા થઈ હતી. ગઈ કાલે બપોરે અંધેરી સાત બંગલામાં આવેલા સાગર કુટિરમાં રહેતા દીપક નર્મિલનું ઈજાને કારણે મૃત્યુ થયું હતું.

કમાનાર ગયો

૨૪ વર્ષનો દિલીપ નર્મિલ પરિવારમાં એકમાત્ર કમાનાર હતી. પોતાના બૉસના એક લાઇસન્સના કામ માટે તે આરટીઓ ઑફિસમાં આવ્યો હતો. તેના પરિવારના સભ્યોએ કહ્યું હતું કે છ મહિના પહેલાં જ તેનાં લગ્ન થયાં હતાં તેમ જ તેની પત્ની ત્રણ મહિનાની ગર્ભવતી છે. મરનારના પિતા રામશંકર નર્મિલે કહ્યું હતું કે ‘અકસ્માતની ઘટના બાદ તેને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ પોલીસકેસની બીકે કર્મચારીઓએ તેને ઍડ્મિટ કર્યો નહોતો. પોલીસ આવી ત્યારે તેને કૂપર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. તેની હાલત ખૂબ ગંભીર હતી. સવાર સુધી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો. ગઈ કાલે સવારે સાડાઅગિયાર વાગ્યે તેનું મૃત્યુ થયું હતું.’

આરટીઓ = રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ