અંધેરી એમઆઈડીસી: વાયર બદલવાની ફાયરબ્રિગેડની ચેતવણીની ઉપેક્ષાથી લાગી આગ

30 December, 2011 08:57 AM IST  | 

અંધેરી એમઆઈડીસી: વાયર બદલવાની ફાયરબ્રિગેડની ચેતવણીની ઉપેક્ષાથી લાગી આગ

 

ચાર મહિના પહેલાં ઑફિસ બળી ગઈ હતી ત્યારે ફાયરબ્રિગેડે કંપનીને ઑફિસના ફૉલ્સ-સીલિંગના વાયર બદલવાની નોટિસ આપી હતી. ફાયરબ્રિગેડ છઠ્ઠા, સાતમા માળે લાગેલી આગનું કારણ શોધી રહી છે. ફાયરબ્રિગેડનાં સૂત્રોએ કહ્યું હતું કે જો શૉર્ટ-સર્કિટથી આગ લાગી હોય તો સંબંધિત બિલ્ડર્સે ફાયરબ્રિગેડે અગાઉ આપેલી નોટિસની પરવા કરી નથી એવું સાબિત થાય છે, એવું ચીફ ફાયર ઑફિસર હસન મુઝીવરે મિડ-ડે LOCALને જણાવ્યું હતું.

અંધેરી-ઈસ્ટમાં મહાકાલી કેવ્સ રોડ પરના એમઆઇડીસી-૧ વિસ્તારમાં આવેલા આકૃતિ ટ્રેડ સેન્ટરનો છઠ્ઠો અને સાતમો માળ ૨૩ ડિસેમ્બરે રાતે આગમાં લપેટાઈ ગયા હતા, જેમાં બે ફાયરમેન સોમનાથ ઝાઈબાઈ તથા દત્તાત્રય પારકર સામાન્ય દાઝી ગયા હતા. આ ઘટનામાં છઠ્ઠા અને સાતમા માળે રહેલો ઑફિસનો માલસામાન ખાખ થઈ ગયો હતો. પોલીસે શૉર્ટ-સર્કિટથી આગ લાગી હોવાની શંકા વ્યક્ત કરી હતી. આગમાં મોટે પાયે નુકસાન થયું હોવાનું કહેવાય છે.

ઘટનાની જાણ એમઆઇડીસી વિસ્તારના રહેવાસીઓ દ્વારા ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. જાણ થતાં ૧૬ ફાયર-એન્જિન, ૧૨ જમ્બો ટૅન્કર, ઍમ્બ્યુલન્સના કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચેલા ફાયરબ્રિગેડના જવાનોએ ૨૪ ડિસેમ્બરે સવારે ૮.૩૦ વાગ્યે એટલે કે નવ કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો. છઠ્ઠા, સાતમા માળે તથા બેઝમેન્ટમાં ૧૦૦ બાય ૧૦૦ એરિયામાં રખાયેલી ઑફિસની વસ્તુઓ, ઇલેક્ટ્રિક વાયર, ઇલેક્ટ્રિક ઇન્સ્ટૉલેશન, ફર્નિચર, ઍરકન્ડિશનર, પ્લાસ્ટિકનો જથ્થો, મોબાઇલ-ઍન્ટિના આગમાં ખાખ થઈ ગયાં હતાં. સુધરાઈના

ડિઝૅસ્ટર-મૅનેજમેન્ટ વિભાગનાં સૂત્રોએ કહ્યુંં હતું કે આકૃતિ ટ્રેડ સેન્ટર નીચે મોટે પાયે કાચનો જથ્થો પડેલો દેખાતો હતો.  જો આ ઘટના પીક-અવર્સમાં બની હોત તો મોટે પાયે જાનહાનિનો બનાવ નોંધાવાની શક્યતા હતી. એમઆઇડીસીમાં આવેલા આકૃતિ ટ્રેડ સેન્ટરમાં ઑફિસો આવેલી હોવાથી પીક-અવર્સમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઑફિસમાં હાજર હોય છે. આવા સમયે જો આગની ઘટના બની હોત તો તેમને માટે ઑફિસની બહાર નીકળવાનું મુશ્કેલ બની જાત અને મોટી સંખ્યામાં તેઓ મોતના મુખમાં ધકેલાઈ જાત, એવી શક્યતા એમઆઇડીસી પોલીસ-સૂત્રોએ વ્યક્ત કરી હતી.