મુંબઈના ગણેશોત્સવમાં પહેલી વાર ડ્રેસ-કોડ, અંધેરીચા રાજા સામે નહીં ચાલે ટૂંકાં કપડાં

20 August, 2012 03:12 AM IST  | 

મુંબઈના ગણેશોત્સવમાં પહેલી વાર ડ્રેસ-કોડ, અંધેરીચા રાજા સામે નહીં ચાલે ટૂંકાં કપડાં

સપના દેસાઈ

મુંબઈ, તા. ૨૦

લોકોની ધાર્મિક ભાવનાને ધ્યાનમાં રાખીને અને ગણેશમંડપની પવિત્રતા જાળવવાના ઇરાદે અંધેરીમાં આવેલા મુંબઈના જાણીતા અંધેરીચા રાજાની આઝાદનગર સાર્વજનિક ઉત્સવ સમિતિએ ૧૩ વર્ષથી ઉપરની વયનાં છોકરા-છોકરીઓ માટે સ્ટ્રિક્લી ડ્રેસ-કોડ રાખીને એક અનોખો અને અનુકરણીય ચીલો ચાતર્યો છે. આ વર્ષે ગણેશોત્સવ દરમ્યાન શૉર્ટ કપડાં પહેરીને આવનારા ભક્તો અંધેરીચા રાજાનાં દર્શન નહીં કરી શકે.

અંધેરી (વેસ્ટ)માં વીરા દેસાઈ રોડ પર આવેલી આઝાદનગર સાર્વજનિક ઉત્સવ સમિતિના અંધેરીચા રાજા તરીકે ઓળખાતા ગણપતિબાપ્પાનાં દર્શને શૉર્ટ કપડાં પહેરીને આવવા પર પ્રતિબંધ મૂકવાનો આવો આવકારદાયક નિર્ણય લેવા બાબતે સમિતિના સ્પૉક્સપર્સન ઉદય સાલિયને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૩ વર્ષની ઉપરનાં છોકરા-છોકરીઓ ઘૂંટણની ઉપર રહેતાં હાફ પૅન્ટ, મિની સ્કર્ટ જેવાં કોઈ પણ પ્રકારનાં શૉર્ટ કપડાં પહેરીને આવે તો તેમને મંડપમાં પ્રવેશ આપવામાં નહીં આવે એવો નિર્ણય સમિતિએ લીધો છે. અમે જીન્સ વગેરે કપડાં પર પ્રતિબંધ નથી મૂકી રહ્યા. અંધેરીચા રાજા માનતા પૂરી કરનારા ગણપતિબાપ્પા તરીકે લોકોમાં પૂજાય છે ત્યારે તેમની સ્થાપના જ્યાં થાય છે એ મંદિર જેવા પવિત્ર સ્થળની માન્યતા જળવાય અને ભક્તોની ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચે એવું અમે ઇચ્છીએ છીએ અને એટલે જ ભક્તો શૉર્ટ કપડાંને બદલે ટ્રેડિશનલ કપડાં પહેરીને આવે તો વાતાવરણ વધુ પવિત્ર બની રહે એવું અમારું માનવું છે.’

૪૭મા વર્ષમાં પ્રવેશેલા આઝાદનગર સાર્વજનિક ઉત્સવ સમિતિના ચૅરમૅન કેશવ તોન્ડવલકરે સમિતિના આ નિર્ણયને યોગ્ય ઠરાવતાં કહ્યું હતું કે ‘અહીં મોટી હાઇ-ફાઇ સોસાયટીની છોકરીઓ અને બૉલીવુડની અભિનેત્રીઓ પણ દર્શને આવે છે. તેમણે ટૂંકાં કપડાં પહેર્યા હોય તો તેમને જોઈને મોટી ઉંમરના ભક્તિભાવ ધરાવતા ગણેશભક્તોને મનદુ:ખ થાય છે એટલું જ નહીં, અમુક વખત આવાં શૉર્ટ કપડાંને લીધે પવિત્ર સ્થળે અમુક ગંદી કમેન્ટ્સ પણ પાસ થાય છે. ક્યારેક સમિતિના વૉલન્ટિયરો માટે પરિસ્થિતિ સંભાળવી મુશ્કેલ બની જાય છે. અમે એટલે જ મંડપની બહાર ‘શૉર્ટ કપડાં પહેરીને દર્શને ન આવવું’ એ મુજબનાં ર્બોડ લગાવવાના છીએ.’

આ વખતે દેલવાડાના મંદિરની પ્રતિકૃતિ

આઝાદનગર સાર્વજનિક ઉત્સવ સમિતિના ચૅરમૅન કેશવ તોન્ડવલકરે કહ્યું હતું કે  ‘ગયા વર્ષે અમદાવાદના ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરની પ્રતિકૃતિ તેમ જ કેરળમાં આવેલા પદ્મનાભસ્વામી મંદિર પાસેના દરિયાની માટીથી પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. આ વર્ષે રાજસ્થાનના પ્રખ્યાત હિલ-સ્ટેશન માઉન્ટ આબુમાં આવેલા તેરમી સદીમાં બનેલા જૈન મંદિર દેલવાડાની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી રહ્યા છીએ. લગભગ ૪૫૦૦ સ્ક્વેરફૂટ જેટલી જગ્યામાં ફુલ્લી ઍરકન્ડિશન્ડ મંડપમાં ૨૦૦થી વધુ કામદારો દિવસ-રાત કામ કરી રહ્યા છે. લાકડું અને પ્લાસ્ટર ઑફ પૅરિસ વગેરેનો ઉપયોગ કરીને ઓરિજિનલ મંદિર જેવું અસ્સલ નકશીકામ અહીં કરવામાં આવશે. આખા મંડપની અંદર ૬૦ પિલર બાંધવામાં આવશે. મંદિરનો આખો સેટ જાણીતા આર્ટ-ડિરેક્ટર રાજુ સાવલા બનાવી રહ્યા છે.

ગુટકા કંપનીની સ્પૉન્સરશિપ નહીં

પર્યાવરણની સમતુલતાને ધ્યાનમાં રાખીને મંડપમાં કોઈ પણ જગ્યાએ પ્લાસ્ટિક નહીં વાપરવાનું અને ગુટકા બનાવતી કંપનીઓની કોઈ પણ પ્રકારની જાહેરખબર ન લેવાનું સમિતિએ નક્કી કર્યું છે.