ગણેશ-વિસર્જનમાં 35000 પોલીસ-કર્મચારીઓ ખડેપગે, 5000 CCTV કૅમેરા રહેશે

01 September, 2020 06:54 AM IST  |  Mumbai | Mumbai correspondent

ગણેશ-વિસર્જનમાં 35000 પોલીસ-કર્મચારીઓ ખડેપગે, 5000 CCTV કૅમેરા રહેશે

મુંબઈમાં અનંતચતુર્દશીએ હજારોની સંખ્યામાં નાની-મોટી ગણેશમૂર્તિનું વિવિધ સ્થળોએ વિસર્જન થાય છે. કોરોનાને લીધે કોઈને પણ સમુદ્ર કે તળાવમાં મૂર્તિ પધરાવવાની મનાઈ કરવામાં આવી હોવાથી પાલિકા દ્વારા મૂર્તિ કલેક્ટ કરવા માટેનાં સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે. તસવીર : સુરેશ કરકેરા

મુંબઈમાં લાડકા દેવ ગણપતિનું આજે વિસર્જન છે ત્યારે મુંબઈ પોલીસના ૩૫,૦૦૦ પોલીસ-કર્મચારીઓ મુંબઈગરાનો આ પ્રસંગ શાંતિથી અને સુરક્ષિત રીતે પાર પડે એ માટે ખડેપગે ફરજ બજાવશે.

મુંબઈનાં દરેક પોલીસ-સ્ટેશનના કર્મચારીઓ સાથે ટ્રાફિક-પોલીસ, સશસ્ત્ર દળ, રૅપિડ ઍક્શન ફોર્સ, રાયટ કન્ટ્રોલ ફોર્સ, બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડ અને હોમગાર્ડ પણ બંદોબસ્તમાં તહેનાત રહેશે. એ સિવાય સ્વયંસેવી સંસ્થાના સ્વયંસેવકો પણ મદદ કરશે. વિસર્જન સંદર્ભે ૫૦૦૦ સીસીટીવી કૅમેરા બેસાડીને એના દ્વારા પણ લોકો પર નજર રાખવામાં આવશે, જેથી કોઈ અવ્યવસ્થા ન સર્જાય. એ ઉપરાંત કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ઉચ્ચ અધિકારીઓ પણ મહત્ત્વના પૉઇન્ટ પર જઈને નિરીક્ષણ કરી જરૂરી સૂચના આપશે.

દરેક વિસર્જન-સ્પૉટ પર સ્થાનિક પોલીસને મદદથી તરવૈયા, સાથે જ કોસ્ટગાર્ડ અને નૌસેનાની મદદથી બોટ અને લૉન્ચની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

આ વખતે કોરાનાને કારણે પરિસ્થિતિ સામાન્ય કરતાં અલગ છે એટલે ગણેશભક્તોને પણ કેટલાક નિયમો પાળવાનું કહેવાયું છે. જેમ કે ગણપતિની છેલ્લી આરતી વિસર્જન-સ્થળ પર ન કરતાં ઘરે જ કરવાનું કહેવાયું છે. વિસર્જન માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ૧૬૭ સ્થળે કૃત્રિમ તળાવ ઊભાં કરાયાં છે એનો ઉપયોગ કરવો. બની શકે તો બહુ ઓછા લોકોએ વિસર્જનમાં ભાગ લેવો. ત્કયાં ગિરદી કરવી નહીં. માસ્ક પહેરવો અને સોશ્યલ ડિસ્ટન્સિંગ પણ જાળવવું એમ પોલીસે નાગરિકોને કહ્યું છે.

જો કોઈને પોલીસ-મદદની જરૂર જણાય તો તરત જ ૧૦૦ નંબર પર ફોન કરવો અથવા મુંબઈ પોલીસના ટ્વિટર-હૅન્ડલ પર પણ સંપર્ક સાધી શકાશે. એ સિવાય 773813133 અને 7738144144 નંબર પર પણ એસએમએસ કરીને મદદ મેળવી શકાશે.

૪૪૫ સ્થળ, ૨૩,૦૦૦ કર્મચારી: આજે વિસર્જન માટે પાલિકાએ વ્યવસ્થા કરી

આજે અનંત ચતુર્દશીએ ગણપતિની મૂર્તિઓનું મોટા પાયે વિસર્જન કરાશે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ ગઈ કાલે શહેરભરમાં ૪૪૫ વિસર્જનનાં સ્થળોએ તૈયારીઓ પૂરી કરી લીધી હતી. કોવિડની મહામારીને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા ગણેશોત્સવના અંતિમ દિવસે ગણેશભક્તોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય એ માટે મુંબઈભરમાં સવારથી મોડી રાત સુધી ૨૩,૦૦૦ જેટલા કર્મચારીઓ તહેનાત કરાશે.

mumbai mumbai news ganpati