થેપલા પાવર

07 June, 2020 02:08 PM IST  |  Mumbai Desk | Anju Maskeri

થેપલા પાવર

કેમ્પ્સ કૉર્નરથી રેશ્મા જૈન તેની ટીમ સાથે

મુંબઈમાં ફસાયેલા પરપ્રાંતીયોને મદદરૂપ થવાના હેતુથી કેમ્પ્સ કૉર્નરનાં રહેવાસી રેશ્મા જૈને તેની મિત્રો સાથે મળીને એક વૉટ્સઍપ ગ્રુપ બનાવ્યું. આ ગ્રુપ શરૂમાં નાનું હતું પણ તેનો હેતુ ઘણો મોટો અને મહાન હતો. જો કે તેણે પોતે પણ ક્યારેય કલ્પના નહોતી કરી કે આ નાનીશી પહેલ એક મોટા અભિયાનનું સ્વરૂપ લેશે. આ પહેલનો મૂળ હેતુ કોઈ પણ પરપ્રાંતીયો ભૂખ્યા ન રહી જાય તે જ હતો. 

છેલ્લા બે મહિનાથી આ જૂથના સભ્યોએ શહેરમાં ઝૂંપડપટ્ટી, રેલવે સ્ટેશન, બસ ડેપો અને હાઇવે જેવાં સ્થળોએ જરૂરતમંદોને થેપલા પહોંચાડ્યા છે. મજાની વાત એ છે કે ગ્રુપમાં કોઈ એક-બીજાને ઓળખતા નથી. બસ વૉટ્સઍપ ગ્રુપમાં થેપલા મેળવવાના સ્થળ અને તેને પહોંચાડવાના સ્થળની વિગતો મળતાં જ વોલિયન્ટર્સ થેપલા લેવા અને તેને પહોંચાડવાની સેવા કરવામાં જોડાઈ જાય છે. આ ગ્રુપમાં અનેક લોકો જોડાય છે અને છૂટા પણ પડે છે. રેશ્મા જૈનનું કહેવું છે કે તમે કોઈ એકને કાયમ માટે થેપલા બનાવવા માટે ન કહી શકો એથી અમે ચીરાબજાર, બોરીવલી અને પરાંના અન્ય વિસ્તારોમાં મહિલા ગૃહ ઉદ્યોગોને થેપલા બનાવવાનું કામ સોંપ્યું છે, જેથી મહિલાઓને લૉકડાઉનના સમયમાં થોડી આવક પણ થઈ શકે.
રેશ્મા જૈનનું કહેવું છે કે તેને માત્ર મુંબઈમાંથી જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાંથી પણ થેપલા માટે ફોન આવે છે. બોરીવલીના ગ્રુપ દ્વારા એક દિવસમાં લગભગ ૧૦,૦૦૦ થેપલા વહેંચાય છે.
મુરુડમાં હોટેલ અને રેસ્ટોરાં ધરાવતા આ ડિસ્ટ્રિબ્યુશન ટીમના આનંદ ભાટિયા જણાવે છે કે થેપલાથી પેટ ભરાઈ જાય છે અને તે લાંબો સમય સુધી ટકે પણ છે, આથી અમે થેપલા બનાવીને વિતરણ કરવાનો નિર્ણય કર્યો હતો. એક પૅકેટમાં ચાર થેપલા મૂકીને સિલ્વર ફોઇલમાં વીંટાળીને તેની કિનારે અથાણું મૂકવામાં આવે છે. ઘરમાં જ રહીને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને લોકોને ઉપયોગી થવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે.

mumbai mumbai news whatsapp