ચેમ્બુરની એક સોસાયટીએ ખાલી પડેલા ફ્લૅટમાં તૈયાર કર્યું આઇસોલેશન સેન્ટર

07 June, 2020 09:16 AM IST  |  Mumbai Desk | Mehul Jethva

ચેમ્બુરની એક સોસાયટીએ ખાલી પડેલા ફ્લૅટમાં તૈયાર કર્યું આઇસોલેશન સેન્ટર

ચેમ્બુરની સોસાયટીનું આઇસોલેશન સેન્ટર.

કોરોના મહામારીમાં ઍમ્બ્યુલન્સની સાથે હૉસ્પિટલમાં બેડ મળવાની રાહમાં ઘણા દરદીઓ મરી જતા હોવાના કેટલાક અહેવાલ સામે આવતા હોય છે. ચેમ્બુરની બસંત પાર્ક સોસાયટીએ સોસાયટીમાં ખાલી પડેલા ફ્લૅટમાં ઑક્સિજન સિલિન્ડર, પલ્સ અક્સિમીટર્સ સાથે ઑક્સિજન કન્સેન્ટર્સથી સજ્જ કોવિડ - 19 સેન્ટર તૈયાર કર્યું છે. દરદીઓના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે ખાનગી ડૉક્ટરો પણ તૈયાર રાખ્યા છે.
બસંત પાર્ક સોસાયટીમાં તૈયાર કરેલા સેન્ટરમાં ૩ બેડ છે. એ સાથે સોસાયટીએ લૉકડાઉન ખુલ્યા બાદ પણ સોસાયટીનો ગેટ દિવસમાં ચાર કલાક ખુલ્લો રહેશે એવો આદેશ તમામને આપ્યો છે. એ સાથે મિલ્ક-વેન્ડર અને વેજિટેબલ-વેન્ડરને પણ સોસાયટીમાં પ્રવેશ પર પાબંદી ફરમાવવામાં આવી છે.
બસંત પાર્ક સોસાયટીના ચૅરમૅન મનીષ સિંધવાણીએ જણાવ્યું હતું કે ‘તેઓએ ભાડા પર ઑક્સિજન કન્સેન્ટર્સ મેળવ્યા છે. જો કોઈ રહેવાસી કોરોના પૉઝિટિવ આવ્યો અને ઑક્સિજન શરીરમાં ઓછાના સંકેતો બતાવે તો તેમને હૉસ્પિટલનો પલંગ ઉપલબ્ધ થાય અથવા ઍમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી રાહ જોવી ન પડે એથી અમે તેમને અહીં સહેલાઈથી તાત્કાલિક તબીબી સહાય આપી શકીએ છીએ. સિંધવાણીએ વધુમાં જણાવ્યું હતું કે ‘અમારી સોસાયટીમાં ૨૧૬ ફ્લૅટ છે અને ૮૦૦થી વધુ રહેવાસીઓ છે. જો આપણે જાગૃત બનશું તો જ કોરોનાને હરાવી શકશું એવા સંકલ્પથી આ કોરોના સેન્ટર અહીં તૈયાર કરવામાં આવ્યું છે.’

mumbai mumbai news coronavirus covid19 chembur mehul jethva