MP મનોજ કોટકના જેવું ફેસબુક અકાઉન્ટ બનાવી ઑનલાઇન ફ્રૉડનો પ્રયાસ

17 September, 2020 08:04 AM IST  |  Mumbai | Mehul Jethva

MP મનોજ કોટકના જેવું ફેસબુક અકાઉન્ટ બનાવી ઑનલાઇન ફ્રૉડનો પ્રયાસ

MP મનોજ કોટક

મેહુલ જેઠવા
મુંબઈ : ઈશાન મુંબઈના સંસદસભ્ય મનોજ કોટક જેવું જ ફેસબુક અકાઉન્ટ બનાવીને એના થકી લોકો સાથે ફ્રૉડ કરવાનો પ્રયાસ કરવાની ઘટના મુલુંડ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. મુલુંડ પોલીસ-સ્ટેશનના પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે તેમના બોગસ ફેસબુક અકાઉન્ટથી લોકો પાસે પૈસાની માગણી કરાઈ હોવાની ફરિયાદ અમારી પાસે આવી હતી જેના આધારે અમે ફરિયાદ નોંધી છે.
લૉકડાઉન થવાની સાથે ઑનલાઇન છેતરપિંડીની ઘટનાઓ વધી છે. ઈશાન મુંબઈના બીજેપીના સંસદસભ્ય મનોજ કોટકના નામના બોગસ ફેસબુક અકાઉન્ટ વિશે મંગળવારે સાંજે ખબર પડી હતી. આ અકાઉન્ટમાંથી તેમના નામનો ઉપયોગ કરીને લોકો પાસે પૈસાની માગણી કરતા મેસેજો આવ્યા હતા. મુલુંડમાં રહેતા એક નાગરિકને આવા હૅક થયેલા અકાઉન્ટથી મેસેજ આવ્યો હતો અને દસ હજાર રૂપિયાની માગણી કરી હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. મનોજ કોટકના પીએ તરફથી મુલુંડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.

મનોજ કોટકનું છે એવું સેમ બોગસ ફેસબુક અકાઉન્ટ બદમાશોએ બનાવ્યું હતું અને એના આધારે તેમણે અનેક લોકો પાસે પૈસાની માગણી કરી હતી. અમે આઇપીસી કલમ ૪૨૦ અને ૬૬ના આધારે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે

- અમિત ઉત્તેકર, મુલુંડના પોલીસ-ઇન્સ્પેક્ટર

આ ઘટના મંગળવારે પ્રકાશમાં આવી હતી જ્યારે મારા બેથી ત્રણ કાર્યકરનો મને ફોન આવ્યો હતો. તેમણે મને આ બોગસ અકાઉન્ટ વિશે માહિતી આપી હતી ત્યાર બાદ મેં મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ આગળની તપાસ કરી રહ્યા છે. - મનોજ કોટક

national news mehul jethva mumbai mumbai news facebook