પોલીસે ૭૫૦ કિલોમીટર પીછો કરીને ૭૨ કલાકે કરી બુકીની ધરપકડ

21 March, 2023 09:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાની સામે કેસ કાઢી નાખવા માટે અમૃતા ફડણવીસને લાંચ આપવાનો પ્રયાસ કરવાના મામલામાં મુંબઈ પોલીસે ગુજરાતના કલોલથી ઝડપ્યો

અનીષ્કા જયસિંઘાનીની ધરપકડ

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસને એક કરોડ રૂપિયાની લાંચ આપવાનો પ્રયાસ કરનાર અને ત્યાર બાદ તેમને ધમકાવીને ૧૦ કરોડ રૂપિયાની ખંડણી માગનાર ફૅશન ડિઝાઇનર અનીષ્કા જયસિંઘાનીની ધરપકડ કર્યા બાદ હવે તેના પિતા અને મોટા બુકી અનિલ જયસિંઘાનીની ગુજરાતથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીને ગુજરાતના કલોલ ટોલનાકા પાસેથી ઝડપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ૭૨ કલાકમાં ૭૫૦ કિલોમીટરનો પ્રવાસ કરીને આરોપીને ઝડપ્યો હતો.
કહેવાય છે કે ક્રિકેટ પર સટ્ટો લેતો અનિલ જયસિંઘાની ઉલ્હાસનગરનો નામચીન બુકી છે. ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરના કહેવા અનુસાર અનિલ જયસિંઘાની સામે પાંચ રાજ્યોમાં ૧૭ જેટલા કેસ નોંધાયા છે અને એમાંથી ૧૪થી ૧૫ કેસ પેન્ડિંગ છે.

મામલો શું છે?
અનિલ જયસિંઘાનીની દીકરી અનીષ્કાએ અમૃતા ફડણવીસ સાથે ઓળખાણ કરીને પોતે ડ્રેસ અને જ્વેલરી ડિઝાઇનર છે એમ જણાવ્યું અને કહ્યું હતું કે જો તેઓ તેણે ડિઝાઇન કરેલાં ડ્રેસ અને જ્વેલરી પહેરશે તો તેના માટે એ પ્રમોટ કરવું ઈઝી થઈ પડશે. ત્યાર બાદ અનીષ્કા અમૃતા ફડણવીસના સપર્કમાં રહેતી હતી. એ પછી તે ક્યારેક-ક્યારેક બુકીને લગતી પણ માહિતી આપતી હતી. એ પછી તેણે અમૃતા ફડણવીસને તેના પિતા અનિલ જયસિંઘાની સામે ચાલી રહેલા કેસમાંથી તેનું નામ પડતું મુકાવવા એક કરોડ રૂપિયાની ડાયરેક્ટ ઑફર કરી હતી. એ પછી અમૃત ફડણવીસે તેનો ફોન રિસીવ ન કરતાં તેણે બીજા ફોનથી તેમને મેસેજ અને ઑડિયો અને વિડિયો ક્લિપ મોકલીને અને બ્લૅકમેઇલ કરીને ૧૦ કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. એથી આખરે અમૃતા ફડણવીસે આ સંદર્ભે મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં અનીષ્કા સામે ફરિયાદ નોંધાવી હતી.  

ત્રણ વાર હાથતાળી આપી
મુંબઈ પોલીસની ટીમ તેને શોધી રહી છે એવી જાણ તો અનિલ જયસિંઘાનીને હતી જ અને એટલે તે તેનું લોકેશન બદલતો રહેતો હતો. એટલું જ નહીં, તે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ઘણાબધા લોકો સાથે સંપર્કમાં પણ હતો. તે લેટેસ્ટ ટેક્નૉલૉજીનાં મોબાઇલ ફોન અને ગૅજેટ્સ પણ વાપરતો હતો જે પોલીસે તેની પાસેથી જપ્ત કર્યાં છે. મુંબઈ પોલીસે તેને ઝડપી લેવા ઑપરેશન ‘એજે - અનિલ જયસિંઘાની’ હાથ ધર્યું હતું. જોકે તે સુરત નજીકના બારડોલીમાં હોવાની જાણ થતાં પોલીસ ટીમ ત્યાં પહોંચી હતી, પણ તે સુરત ભાગી ગયો હતો. જોકે મુંબઈ પોલીસે આ વખતે તેનો પીછો નહોતો છોડ્યો અને કલોલ ટોલનાકા પાસે હોવાની જાણ થતાં રવિવારે રાતે ૧૧.૪૫ વાગ્યે પોલીસે તેને ઝડપી લીધો હતો. આમ આઠ વર્ષથી પોલીસથી નાસતા ફરતા અનિલ જયસિંઘાનીને પકડવામાં મુંબઈ પોલીસ સફળ રહી હતી. 

 

mumbai mumbai news Crime News mumbai crime news devendra fadnavis amruta fadnavis mumbai police