પાટામાં તિરાડ પડ્યા પછી કલ્યાણ સ્ટેશને ટ્રેન ખડી પડી

30 October, 2014 04:21 AM IST  | 

પાટામાં તિરાડ પડ્યા પછી કલ્યાણ સ્ટેશને ટ્રેન ખડી પડી





શશાંક રાવ

ટ્રેનના પાટામાં પડેલી તિરાડને કારણે કલ્યાણ રેલવે-સ્ટેશને પરોઢિયે ૪.૫૦ વાગ્યે મુંબઈ-અમરાવતી એક્સપ્રેસ ખડી પડતાં સેન્ટ્રલ રેલવેનો સબર્બન ટ્રેન-વ્યવહાર ખોરવાઈ ગયો હતો. પાટામાં આ રીતે તિરાડ પડવાની ઘટનાઓ જ્વલ્લે જ બનતી હોવાનું અને તિરાડો મોટે ભાગે પાટાના ટોચના ભાગમાં પડતી હોવાનું રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું. શિયાળામાં તાપમાન નીચું જવાને કારણે  પાટામાં તિરાડોનું પ્રમાણ વધવાની શક્યતા આ અધિકારીઓએ દર્શાવી હતી.

પરોઢિયે ૪.૫૦ વાગ્યે ૧૨૧૧૨/અમરાવતી-મુંબઈ એક્સપ્રેસ કલ્યાણ સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૪ પર પહોંચ્યા પછી એન્જિન અને ગાર્ડનો કોચ તથા જનરલ સેકન્ડ ક્લાસ ડબ્બો ખડી પડ્યાં હતાં. સવારે ૭.૨૦ વાગ્યા સુધીમાં ટ્રેન-વ્યવહાર ફરી થાળે પડ્યો હતો. નાશિક-કલ્યાણ સેક્શન પર સવારે ૮.૩૩ વાગ્યે ટ્રેન-વ્યવહાર પૂર્વવત્ થયો હતો.

સેન્ટ્રલ રેલવેમાં ગઈ કાલની ઘટના સહિત છેલ્લા કેટલાક મહિનામાં સાત વખત ટ્રેનો ખડી પડવાના બનાવો બન્યા છે. રેલવેતંત્રની દૃષ્ટિએ આ ડીરેલમેન્ટ ખૂબ અજુગતી ઘટના હતી. સેન્ટ્રલ રેલવેના જનરલ મૅનેજર એસ. કે. સૂદે ટ્રેન-સર્વિસના મેઇન્ટેનન્સ અને સલામત સંચાલનની કાર્યવાહી ખોરવાવા માટે ફન્ડનો અભાવ અને ભાડાવૃદ્ધિ પાછી ઠેલાવા જેવાં કારણો દર્શાવ્યા બાદ આ ડીરેલમેન્ટનો બનાવ બન્યો છે. અગાઉ આવાં ડીરેલમેન્ટ તથા ટેક્નિકલ ફેલ્યરના બનાવો માટે મેઇન્ટેનન્સ ઍક્ટિવિટીઝ માટે પૂરતા સમયના અભાવને કારણભૂત ગણાવાતો હતો.  

રેલવેના પાટાનું જટિલ ફૉર્મેશન ગણાતા ડાયમન્ડ ક્રૉસઓવર વિથ ડબલ સ્લિપ તરીકે ઓળખાતા સેક્શનમાં આ ડીરેલમેન્ટ થયું હતું. સેન્ટ્રલ રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘ગાડી આ ક્રૉસઓવર પર ૧૫ કિલોમીટરથી ઓછી ઝડપે આગળ વધતાં સ્ટેશન પર પ્રવેશી હતી. એ વખતે પાટાની ઉપરનો ભાગ સ્હેજ તૂટ્યો હતો. એથી આ ડીરેલમેન્ટ થયું હતું. આ ક્રૉસઓવર બે કે વધુ લાઇનોને જોડે છે અને એના પરથી ટ્રેનો પસાર થાય છે. આ પાટા વર્ષ ૨૦૦૫માં મૅન્યુફૅક્ચરિંગ બાદ આ જગ્યાએ ગોઠવવામાં આવ્યા હતા.’

અધિકારીઓ હવે આ પાટામાં મેટલર્જિકલ ડિફેક્ટ પણ તપાસી રહ્યા છે.

 આ સેક્શન વિશે માહિતી આપતાં સેન્ટ્રલ રેલવેના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘કલ્યાણ ખાતે યાર્ડ લેઆઉટ ઘણો જૂનો છે. સ્ટેશનની નજીક આવાં પાંચ ક્રૉસઓવર્સ હોવાથી એ મેઇન્ટેન કરવાં અઘરાં છે.’

આ સમસ્યા વિશે જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે શિયાળામાં તાપમાન ઘટવાને કારણે ધાતુના પાટા સંકોચાતાં એમાં તિરાડો પડવાને લીધે પરોઢિયે કલ્યાણ સ્ટેશનની ઉત્તર તરફ ડીરેલમેન્ટની શક્યતા વધારે હોય છે.

અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે આવા મોટા નેટવર્કનું મેન્ઇટેનન્સ મોટો ઇશ્યુ હોવાથી અમે એ બાબતમાં વધારે સાવચેત રહીશું. તાજેતરના વારંવારનાં ટેક્નિકલ ફેલ્યર્સને ધ્યાનમાં રાખતાં સેન્ટ્રલ રેલવે દર શનિવારે પણ મેગા બ્લૉક્સ હાથ ધરશે.

માત્ર ઑક્ટોબર મહિનામાં જ ડોમ્બિવલી અને કલ્યાણમાં ડીરેલમેન્ટ, સિગ્નલ ફેલ્યર્સ, લોકલ ટ્રેન અચાનક ઊભી રહેવી, ઍર-કન્ડિશન્ડ કોચમાં આગ લાગવી વગેરે સહિત ટેક્નિકલ ફેલ્યર્સના દસ બનાવો બન્યા હતા. કળવા કારશેડમાં પાવર ફેલ્યરને કારણે ત્યાં ટ્રેનો ઊભી રાખવામાં આવી હતી.

 આવી ઘટનાઓ માટે અધિકારીઓ મુસાફરોનું ટ્રેસ-પાસિંગ રોકવા માટે બે પાટા વચ્ચેના ફેન્સિંગને પણ જવાબદાર ગણે છે. આ ફેન્સિંગને કારણે પાટાનું મેન્ઇટેનન્સ સંભાળતા ગૅન્ગમેનો અંદર રહેલી તિરાડોને અને બગાડની શક્યતાઓને બરાબર ધ્યાનથી જોઈ અને તપાસી શકતા ન હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.