દિલ્હી ગેંગરેપ મુદ્દે બોલિવૂડ સિતારાઓના પ્રત્યાઘાતો

20 December, 2012 04:28 AM IST  | 

દિલ્હી ગેંગરેપ મુદ્દે બોલિવૂડ સિતારાઓના પ્રત્યાઘાતો



આવું તો પ્રાણીઓ પણ ન કરે : બિગ બી

દિલ્હીમાં રવિવારે રાત્રે ચાલુ બસમાં યુવતી પર કરવામાં આવેલા ગૅન્ગરેપની ઘટનાને વખોડીને અમિતાભ બચ્ચને ટ્વીટ કરતાં લખ્યું હતું કે આવું તો પ્રાણીઓ પણ ન કરે. તેમણે લખ્યું હતું કે ‘મારે ઘણુંબધું કહેવું છે, પણ દિલ્હીમાં બનેલી ગૅન્ગરેપની ઘટનાથી હું બહુ વ્યથિત છું. એ અધમ કૃત્ય ભૂલી શકાય એમ નથી. કાયદાનો ડર, સજા, ન્યાય બધું બહુ ઝડપથી અસર ગુમાવી રહ્યાં છે. શું આ માટે આપણા વડીલો આઝાદીની લડત લડ્યા હતા? ટ્વિટરના આ જાહેર પ્લૅટફૉર્મ પર મને એ ગૅન્ગરેપની ઘટનાઓની વિગત મૂકતાં પણ ડર લાગી રહ્યો છે. પશુઓ પણ આવું ન કરે. દુર્ગા, કાલી, લક્ષ્મી બધી દેવીઓ છે અને આપણે તેમને પૂજીએ છીએ; માન આપીએ છીએ. મહિલાઓને માન અને ગૌરવભર્યું સ્થાન આપવું જોઈએ.’બળાત્કારીને ફાંસીની સજા હોવી જોઈએ: સલમાન ખાન

બળાત્કારીને ફાંસીની સજા હોવી જોઈએ: સલમાન ખાન

દિલ્હીની ગેન્ગરેપની ઘટના વિશે આકરી પ્રતિક્રિયા આપતાં સલમાન ખાને કહ્યું હતું કે, ‘રેપ કરનારા આરોપીઓ માટે ફાંસીની સજા હોવી જોઈએ. આપણી જિંદગીમાં આવી બાબતોને સ્થાન નથી. આવી વાત સાંભળીને મને નફરત થઈ જાય છે. મારા માટે આ એક હીન કક્ષાનો થર્ડ ગ્રેડ ક્રાઇમ છે. એવો શિરસ્તો હોવો જોઈએ કે એક રેપિસ્ટ જેલમાં જાય એટલે તે મરી જાય ત્યાં સુધી તેને મારવો જોઈએ. ભારતીય સમાજે હવે થોડો દબંગ (બોલ્ડ) ટાઇપનો અભિગમ અપનાવવો પડશે. મેં હમણાં સાંભળ્યું કે એક છોકરીની છેડતી થઈ રહી હતી ત્યારે ત્યાં ઊભેલા લોકો પોતાના ફોન પર એનો વિડિયો ઉતારી રહ્યા હતા. આ સાચું ભારત નથી.’

ફરિયાદીને જલદી ન્યાય મળવો જોઈએ: કરીના કપૂર ખાન

ગૅન્ગરેપની ઘટના બાદ બખાળો કાઢતાં કરીના કપૂર ખાને પણ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે, ‘આપણા દેશમાં આવો કોઈ શૉકિંગ બનાવ બને પછી જ આપણે સલામતીનાં પગલાં લેતા હોઈએ છીએ. આપણા દેશના કાયદામાં સુધારાની જરૂર છે. લોકોને જલદી ન્યાય મળવો જોઈએ. મહિલાએ રાત્રે ઘરની બહાર ન જવું જોઈએ એ આ સમસ્યાનું નિરાકરણ નથી. આવા નિવેદનને હું સપોર્ટ કરતી નથી. હું આધુનિક જમાનાની મહિલા છું અને મોડી રાત સુધી પાર્ટી કરવામાં માનું છું. આ જે ઘટના બની છે એ ખરેખર શરમજનક છે.’