અસાધ્ય બીમારીથી પીડાતા ૧૨ વર્ષના બાળકની અમિતાભ બચ્ચનને મળવાની ઇચ્છા આખરે ફળી

31 October, 2012 05:13 AM IST  | 

અસાધ્ય બીમારીથી પીડાતા ૧૨ વર્ષના બાળકની અમિતાભ બચ્ચનને મળવાની ઇચ્છા આખરે ફળી



સપના દેસાઈ

મુંબઈ, તા. ૩૧

મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવી અસાધ્ય બીમારીથી પીડાતા ૧૨ વર્ષના નિસર્ગ પંડ્યાની અદમ્ય ઇચ્છા હતી પોતાના સુપરહીરો અમિતાભ બચ્ચનને મળવાની, જે ચાર વર્ષ બાદ શનિવારે પૂરી થઈ. બૉલીવુડના બેતાજ બાદશાહ ગણાતા અમિતાભ બચ્ચન સાથેની મુલાકાત તેના માટે કદી ન ભૂલી શકાય એવો પ્રસંગ હતો. તેનાં તમામ અંગોની શક્તિને ભલે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામના રોગે છીનવી લીધી હોય, પરંતુ અદમ્ય ઇચ્છાએ ક્ષણવાર માટે જાણે તમામ અંગોમાં શક્તિનો સંચાર કર્યો હોય એમ લાગતું હતું. નિસર્ગ છેલ્લાં ચાર વર્ષથી પોતાની તમામ ક્ષમતા ગુમાવી બેઠો છે.

જીવવાનું બળ મળી ગયું

વિશ્વમાં ઘણા ઓછો લોકોને થતા મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામના રોગનો ભોગ અમદાવાદમાં સૅટેલાઇટ વિસ્તારમાં જિગર અને અમિતા પંડ્યાના એકના એક પુત્રને થયો છે. ચાર વર્ષ પહેલાં ધ્યાનમાં આવેલા આ રોગને કારણે નિસર્ગની તમામ શારીરિક પ્રવૃત્તિઓ ઘટી ગઈ છે, પણ બિગ બીને મળ્યાં બાદ અચાનક તેનામાં નવી શક્તિનો સંચાર થયો છે અને જીવવા માટે જાણે બળ મળી ગયું છે એવું કહેતાં તેની મમ્મી અમિતા થાકતી નથી. અમદાવાદથી ફોન પર અમિતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નિસર્ગ અમિતાભ બચ્ચન પાછળ જબરદસ્ત ગાંડો છે. તેમને એક વાર મળવાની નિસર્ગની નાનપણથી બહુ ઇચ્છા હતી અને એમાં પણ છેલ્લાં ચાર વર્ષથી તે સતત તેમને મળવાની જીદ કરતો રહેતો હતો એટલે અમે કોઈ પણ હિસાબે તેની જીદ પૂરી કરવા માગતા હતા. અનેક પ્રયત્નો કર્યા બાદ છેવટે શનિવારે અમે એમાં સફળ થયાં હતાં.’

આયુષ્યમાં વધારો કરી નાખ્યો

શનિવારે ગોરેગામમાં ફિલ્મના સેટ પર અમિતાભને મળી આવ્યા બાદ ખુશખુશાલ જણાતાં નિસર્ગ વિશે અમિતાએ કહ્યું હતું કે ‘અમિતાભ સાથેની પાંચ મિનિટની મુલાકાતે અમારા દીકરાના આયુષ્યમાં અનેક મિનિટોનો વધારો કરી નાખ્યો છે. નિસર્ગ બહુ ખુશ છે. તેમની સાથેની એક મુલાકાતથી તેના જીવનમાં ફરી ખુશીનો માહોલ સર્જાયો છે. શાંત રહેનારો નિસર્ગ અમિતજીને મળ્યાં બાદ જીવી ઊઠ્યો છે. થોડી ક્ષણો પૂરતું તે તેનું દુ:ખ ભૂલી ગયો છે અને તેની એ ખુશી અમારા માટે બહુ અણમોલ છે.’

કોઈ સાથે હાથ નહોતો મિલાવતો

અમિતાભ બચ્ચનને મળ્યાં બાદ નિસર્ગનાં રીઍક્શન કેવાં હતાં એ જણાવતાં અમિતાએ કહ્યું હતું કે ‘વર્ષોથી તે અમિતાભને મળવાની જીદ લઈને બેઠો હતો એટલે અમે તેમને મુંબઈ મળવા જવાનું છે એ બાબતે સરપ્રાઇઝ આપવાનું નક્કી કર્યું હતું. અમદાવાદથી રાતના નીકળ્યાં ત્યારે જ અમે તેને કહ્યું હતું કે આપણે અમિતાભ બચ્ચને મળવા જઈ રહ્યા છીએ. એટલે અમિતસર સામે આવશે તો આ બોલીશ, તે બોલીશ એવું વિચાર્યા કરતો હતો; પણ તેમને જોઈને જ ચૂપ થઈ ગયેલો નિસર્ગ તેમની સાથે હાથ મિલાવ્યા બાદ તો ગાંડો જ થઈ ગયેલો. જે હાથે તેણે અમિતાભ બચ્ચન સાથે શેક-હૅન્ડ કર્યું હતું એ હાથ કોઈની સાથે મિલાવવા સુધ્ધાં તૈયાર નહોતો. અમિતાભજીને મળીને અમે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નાં ટપુ, દયાભાભી અને જેઠાલાલને પણ મળવા ગયાં હતાં. ત્યાં નિસર્ગે બધા સાથે વાત કરી, ખુશ પણ બહુ થયો; પણ ત્યાં સુધ્ધાં કોઈની સાથે તે હાથ મિલાવવા તૈયાર નહોતો.’

અમિતાભે બીમારી વિશે પૂછ્યું


નિસર્ગને મળ્યાં બાદ અમિતાભ બચ્ચનનાં રીઍક્શન શું હતાં એ જણાવતાં નિસર્ગના કાકા પ્રણવ પંડ્યાએ કહ્યું હતું કે ‘છેલ્લાં ચારેક વર્ષના પ્રયત્નો બાદ અમારા મિત્ર જિતુ જાડેજાના અથાગ પ્રયત્નો લીધે અમે શનિવારે ગોરેગામ ફિલ્મસિટીમાં તેમને મળી શક્યા હતા. અમે જ્યારે અમિતજીને મળ્યાં ત્યારે તેમણે નિસર્ગ સાથે બહુ પ્રેમપૂર્વક વાત કરી, તેના વિશે પૂરી માહિતી મેળવી. તેને શું બીમારી છે, તેની શું સારવાર ચાલી રહી છે તથા તેની દવા વિશે પૂછપરછ કરી હતી. તેમને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી બીમારી વિશે ખાસ્સુંએવું નૉલેજ હતું. તેમણે પણ બહુ પૉઝિટિવ રિસ્પૉન્સ આપ્યો હતો.’

નિસર્ગને શું બીમારી છે?

નિસર્ગની મમ્મી અમિતાએ કહ્યું હતું કે ‘મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એક ટર્મિનલ ડિસીઝ છે જેની કોઈ દવા નથી. તેને ફક્ત દવા અને ફિઝિયોથેરપીથી કન્ટ્રોલમાં લાવી શકાય છે. આ બીમારી અમુક વખતે જન્મ પહેલાં એટલે કે બાળક જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે જ તેને થઈ જાય છે, પણ એ ખબર નથી પડતી અને બાળક આઠથી દસ વર્ષનું થાય ત્યારે એની અસર દેખાવા માંડે છે. આ બીમારીમાં મસલ્સ ડ્રાય થઈ જાય, મસલ્સના ટિશ્યુને ધીમે-ધીમે નુકસાન થતું જાય જેને પગલે શરીરના તમામ મસલ્સ એકદમ નબળા પડી જાય અને હલનચનલ તદ્દન બંધ પડી જાય છે. આ બીમારી ધરાવતાં બાળકો વધુમાં વધુ ૧૮ વર્ષ સુધી જીવે છે. બહુ ઓછા લોકોને સમસયર આ બીમારીની જાણ થાય છે અને જ્યારે ખબર પડે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. નિસર્ગને આ બીમારી હોવાની અમને ચાર વર્ષ પહેલાં તે આઠ વર્ષનો હતો ત્યારે ખબર પડી હતી. નિસર્ગ અત્યારે ચાલી નથી શકતો. છેલ્લાં બે વર્ષથી તે વ્હીલ-ચૅર પર છે. શરીરનું હલનચલન તદ્દન બંધ છે. હાથ-પગ હલાવી શકતો નથી. ફિઝિયોથેરપી પણ બંધ છે. તેનાં હાડકાં બહુ નબળાં પડી ગયાં છે. જમવાનું પણ મોઢામાં કોળિયા આપે ત્યારે ખાઈ શકે છે. સ્કૂલમાં તો જઈ શકતો નથી, પણ ઘેરબેઠાં કમ્પ્યુટર પર નવું-નવું શીખતો રહે છે અને દુનિયાભરમાં શું થાય છે એના પર નજર રાખે છે.’

એક વાતનો અફસોસ રહી ગયો

ચાર વર્ષ બાદ પોતાના સુપરહીરોને મળીને ખુશ-ખુશ થઈ ગયેલા નિસર્ગે ફોન પર ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું બહુ ખુશ છું કે મારું સપનું પૂરું થયું. અમિતસરે મારી સાથે વાત કરી, હાથ મિલાવ્યો અને મારી તબિયતની પૂછપરછ પણ કરી. જોકે તેમને મળ્યાં બાદ પણ મારી એક ઇચ્છા અધૂરી રહી ગઈ. ખાસ્સોએવો સમય તેમની સાથે ગાળ્યાં બાદ પણ હું તેમનો ઑટોગ્રાફ લઈ શક્યો નહીં એનું મને બહુ દુ:ખ છે.’