ઑફિસમાં બૉસ અને વર્કરો માટે અલગ ટૉઇલેટ ન હોવાં જોઈએ : બીગ બી

07 November, 2014 03:29 AM IST  | 

ઑફિસમાં બૉસ અને વર્કરો માટે અલગ ટૉઇલેટ ન હોવાં જોઈએ : બીગ બી



ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને સપોર્ટ કરવા અમિતાભ બચ્ચન હજી એક ડગલું આગળ વધ્યા છે. તેમણે બુધવારે પોતાના ટ્વિટર અકાઉન્ટ દ્વારા મહિલાઓ માટે શૌચાલયો બનાવવાની અને બાળકોને સ્વચ્છતાના મુદ્દે શિક્ષણ દેવાની ઝુંબેશ ચલાવી છે એમ કહી શકાય. તેમણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર જણાવ્યું હતું કે ‘મહિલાઓ માટે ગામમાં, ઘરમાં, ઑફિસમાં ખાસ શૌચાલયો બનાવવાં જોઈએ અને બાળકોને સ્વચ્છતાના મુદ્દે શિક્ષણ આપવું જોઈએ. સ્વચ્છ ભારત મિશન વિશે જે લોકો બીજાને સાફસફાઈ માટે ઉપદેશ આપતા હોય છે તેમણે હવે જાતે, પોતાના હાથે આ કામ કરવું જોઈએ; જેમ કે હું કરું છું. આવુ કરવા સામે ટીકા પણ થશે, પરંતુ તમારા કામનું પરિણામ એ લોકોને તેમના સવાલનો જવાબ આપી દેશે. મને આવા અનુભવ ઘણી વાર થયા છે. પોલિયો કૅમ્પેન એમાનું એક છે.’

અમિતાભ બચ્ચને એક જ ઑફિસમાં કામ કરતા બૉસ અને વર્કરો માટે ટૉઇલેટ બનાવવામાં ભેદભાવ ન રાખવાની સલાહ પણ આપી છે. અમિતાભ દ્વારા આ રીતે લોકોમાં જાગરૂકતા ફેલાવવાના પગલે નરેન્દ્ર મોદીએ પણ તેમની પ્રશંસા કરી છે.