✕

અજિત પવારની પ્રતિમાના અનાવરણ પ્રસંગે અમિત શાહે કહ્યું...

17 November, 2026 09:13 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

અજિત પવારની કાર્યશૈલી ભાવિ નેતાઓ માટે એક યુનિવર્સિટી સમાન, અમિત શાહના હસ્તે પુણેમાં ભારત ટૅક્સી પણ સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી હતી.

ગઈ કાલે પુણેમાં અજિત પવારની અર્ધપ્રતિમાનું ઉદ્ઘાટન કર્યા પછી અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને સુનેત્રા પવાર.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે અજિત પવારના અવસાનને મહારાષ્ટ્ર માટે ‘ન પૂરી શકાય એવી ખોટ’ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના દિવંગત નેતાની કાર્યશૈલી રાજકીય નેતાઓની આવનારી પેઢીઓ માટે એક યુનિવર્સિટી સમાન બની રહેશે. પુણેમાં જિલ્લા પરિષદ કાર્યાલય-પરિસરમાં અજિત પવારની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ બોલતાં અમિત શાહે એમ પણ કહ્યું હતું કે તેમના મહાયુતિમાં જોડાવાથી રાજ્યમાં સત્તારૂઢ ગઠબંધનને સ્થિરતા મળી હતી. મહારાષ્ટ્રમાં અગાઉની મહા વિકાસ આઘાડી સરકારનું નેતૃત્વ કરનારા શિવસેના (UBT)ના ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતાં અમિત શાહે કહ્યું હતું કે ‘કોવિડ-19 મહામારી દરમ્યાન તત્કાલીન મુખ્ય પ્રધાન સાથે કોઈ સંપર્ક થઈ શકતો નહોતો, પરંતુ અજિત પવાર રાજ્ય સચિવાલયમાં લૅન્ડલાઇન ફોન પર ઉપલબ્ધ રહેતા હતા અને તેમણે સુનિશ્ચિત કર્યું હતું કે સરકારનાં રાહતકાર્યો સતત ચાલુ રહે.’ અમિત શાહે અજિત પવારને સહકારી ક્ષેત્રના એન્સાઇક્લોપીડિયા સમાન ગણાવતાં કહ્યું કે ‘તેમને શુગર મિલ, દૂધ સંઘો, પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ, સહકારી બૅન્કો અને એની વહીવટી સમસ્યાઓ વિશે ઊંડું જ્ઞાન હતું.’

અજિત પવારની યાદમાં કૉફી-ટેબલ બુકનું અનાવરણ

અજિત પવારની યાદમાં ‘કર્મયોગી દાદા’ નામની કૉફી-ટેબલ બુકનું પણ અનાવરણ કરાયું હતું. એ વખતે કેન્દ્રીય પ્રધાન અમિત શાહ, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અન્ય મહાનુભાવો મંચ પર હાજર રહ્યાં હતાં. 

pune pune news amit shah ajit pawar devendra fadnavis nationalist congress party sunetra pawar eknath shinde