ઇનોવામાં નાસી રહેલા આરોપીએ મુલુંડ ચેકનાકા વટાવ્યું, પણ...

01 March, 2021 11:32 AM IST  |  Mumbai | Faizan Kha

ઇનોવામાં નાસી રહેલા આરોપીએ મુલુંડ ચેકનાકા વટાવ્યું, પણ...

અલમાઉન્ટ રોડની બહાર તહેનાત કરવામાં આવેલી સિક્યોરિટી (તસવીર: આશિષ રાજે)

મુકેશ અંબાણીના ઘર પાસે જિલેટિન ભરેલી સ્કૉર્પિયો પાર્ક કરીને ઇનોવા કારમાં નાસી ગયેલા આરોપીને ઝડપી લેવાના કેસમાં પોલીસને ભારે મહેનત કર્યા બાદ પણ કોઈ મજબૂત કડી હાથ લાગી નથી. સંખ્યાબંધ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચકાસાયા બાદ એ ઇનોવા કારે મુલુંડ ચેકનાકા વટાવ્યું હોવાનું જણાઈ આવ્યું છે, પણ તેણે નાશિક તરફ પડઘાનું ટોલનાકું વટાવ્યું નથી, એથી તે કાં તો અન્ય અંતરિયાળ માર્ગે નાશિક અથવા ગુજરાત તરફ નીકળી ગયો હોવાની અથવા પડઘા-મુલુંડ વચ્ચે જ ક્યાંક છુપાયો હોવાની શક્યતા પોલીસે દર્શાવી છે. વળી એ ઇનોવાનો રજિસ્ટ્રેશન-નંબર પણ ફેક હોવાનું તપાસમાં જણાયું છે. સીસીટીવી કૅમેરામાં એ વ્યક્તિ પણ ઝાંખી દેખાય છે, પણ તેણે માસ્ક પહેર્યો છે અને હુડી પણ પહેર્યું છે જેને કારણે તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી, એક જ સીસીટીવી કૅમેરામાં તેનો સાઇડ-ફેસ બહુ ઓછો દેખાઈ રહ્યો છે એથી તેની ઓળખ થઈ શકી નથી. આમ પોલીસ હજી અંધારામાં જ ફાંફાં મારી રહી છે.

એક ઑફિસરે કહ્યું કે તપાસમાં જણાઈ આવ્યા મુજબ ઇનોવાનો જે નંબર સામે આવ્યો છે એ નંબરની સિરીઝ સરકારી વાહનો માટે વપરાતી હોય છે. MH04AN નંબરની એ સિરીઝમાં ૪૫૦૦ સુધી જ નંબર અપાયા છે અને ઇનોવામાં લગાડવામાં આવેલી નંબર-પ્લેટમાં એથી આગળનો નંબર દર્શાવાયો છે. વળી એ નંબર-પ્લેટ પણ વારેઘડીએ બદલવામાં આવી છે.

એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે ‘આરોપીઓ પ્રોફેશનલ લાગી રહ્યા છે. તેમણે માત્ર રૅકી જ કરી છે એવું નથી. તેમણે ત્યાં સુધી આવવા માટે જે રૂટનો ઉપયોગ કર્યો અને પાછા જતી વખતે પણ સીસીટીવી કૅમેરામાં ઝડપાય નહીં એ રીતે બહાર નીકળી ગયા.’

mumbai mumbai news mukesh ambani faizan kha