19 October, 2026 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
IIT-બૉમ્બેના કૅમ્પસની બહાર ગઈ કાલે વિદ્યાર્થીઓએ કરેલું પ્રદર્શન.
સાહિલ વાકોડેના શંકાસ્પદ મોતના કેસમાં ન્યાયની માગણી સાથે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-બૉમ્બેના કૅમ્પસમાં આંદોલન કરી રહેલા બાવીસ વિદ્યાર્થીઓની રવિવારે પોલીસે કૅમ્પસમાંથી અટકાયત કરી છે. વિદ્યાર્થી-સંગઠનોના જણાવ્યા અનુસાર આમાંના ૮ વિદ્યાર્થીઓની એક જ દિવસમાં બે વખત અટકાયત કરવામાં આવી હતી.
દેખાવકારો અને સ્ટુડન્ટ્સ યુનિયનોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે કાર્યવાહી દરમ્યાન બેફામ બળપ્રયોગ કર્યો હતો. પોલીસે વિદ્યાર્થીઓનાં કપડાં ફાડી નાખ્યાં હતાં, લાતો મારી હતી અને ગળું દબાવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓને પવઈ પોલીસ-સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા.
બાવીસ વર્ષના સાહિલ વાકોડેના મોત પાછળ જાતિગત ભેદભાવ અને સંસ્થાની ઉદાસીનતાના આક્ષેપો સાથે પવઈ કૅમ્પસના ગેટ પાસે વિદ્યાર્થીઓ છેલ્લા એક મહિનાથી વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં ૧૫ દિવસની ભૂખહડતાળ પણ સામેલ છે. મિડ-સેમેસ્ટર પરીક્ષામાં કથિત રીતે ગેરરીતિ આચરતી વખતે પકડાયા બાદ ૧૮ સપ્ટેમ્બરે BTechના બીજા વર્ષના આ વિદ્યાર્થીનો મૃતદેહ તેની હૉસ્ટેલના રૂમમાંથી મળી આવ્યો હતો. રવિવારે તેના કથિત આપઘાતને એક મહિનો પૂરો થતાં વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ-સભા અને મશાલ-માર્ચનું આયોજન કર્યું હતું.
વિદ્યાર્થી-પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સવારે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો કૅમ્પસમાં ધસી આવ્યો હતો. પ્રથમ અટકાયત અને મુક્તિ બાદ વિદ્યાર્થીઓ સાહિલ વાકોડેનાં શોકગ્રસ્ત માતા-પિતા સાથે શ્રદ્ધાંજલિ આપવા ફરી ધરણાંના સ્થળે એકઠા થયા હતા. દેખાવકારોનો આરોપ છે કે કૅમ્પસ-સિક્યૉરિટી અને પોલીસે વિરોધસ્થળને તોડી પાડીને સહભાગીઓને બળજબરીપૂર્વક હટાવી દીધા હતા. વિદ્યાર્થિનીઓ સાથે અયોગ્ય વર્તન અને શારીરિક હુમલો કરવામાં આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓએ IIT-બૉમ્બેના તંત્ર સામે પણ સવાલ ઉઠાવ્યા હતા કે કૅમ્પસની અંદર પોલીસ બોલાવવાની મંજૂરી કોણે આપી હતી? આ ઘટનાની જાણ થતાં કૉન્ગ્રેસના સંસદસભ્ય વર્ષા ગાયકવાડ અને વિવિધ આંબેડકરવાદી સંગઠનોના પ્રતિનિધિઓ કૅમ્પસમાં પહોંચ્યાં હતાં અને બોર્ડ ઑફ ગવર્નર્સના ચૅરપર્સન તથા ડિરેક્ટર સાથે તાત્કાલિક બેઠકની માગણી સાથે વિરોધ નોંધાવ્યો હતો.
આઝાદ મેદાનમાં સાહિલનાં માતા-પિતાની ભૂખહડતાળ ચાલુ
બીજી તરફ સાહિલ વાકોડેનાં માતા-પિતાએ ઇન્સ્ટિટ્યૂટની જવાબદારી નક્કી કરવા અને આકરી કાર્યવાહીની માગણી સાથે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં ભૂખહડતાળ ચાલુ રાખી છે. તેમણે પ્રોફેસર સૂર્યનારાયણ ડુલ્લા પર માનસિક ત્રાસ અને જાતિગત ભેદભાવનો આક્ષેપ કર્યો છે. આ મહિનાની શરૂઆતમાં પોલીસે આ કથિત આપઘાત કેસ સંદર્ભે પ્રોફેસર ડુલ્લાની આશરે ૧૦ કલાક સુધી સઘન પૂછપરછ કરી હતી.