માથાનો દુખાવો વંદે ભારત ટ્રેન

25 November, 2022 08:23 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

વેસ્ટર્ન રેલવેની અતિ ઝડપી ગણાતી વંદે ભારત એક્સપ્રેસને કારણે બીજી બધી ટ્રેનોની સ્પીડ ધીમી પડે છે ને એ મોડી પડે છે : આને કારણે કંટાળેલા ખાસ કરીને વિરાર અને દહાણુ વચ્ચેના પ્રવાસીઓએ આ સમસ્યાનો ઉકેલ લાવવા સીએમને લેટર લખ્યો છે

માથાનો દુખાવો વંદે ભારત ટ્રેન


મુંબઈ : વિરારથી આગળના પ્રવાસીઓની ફરિયાદ છે કે હાઈ-પ્રોફાઇલ વંદે ભારત એક્સપ્રેસને કારણે અન્ય ટ્રેનો મોડી પડી રહી છે. એક સ્થાનિક વિધાનસભ્યએ મુસાફરોની પરેશાનીને ધ્યાનમાં લઈને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર પાઠવીને આ મામલે દરમ્યાનગીરી કરવાની માગણી કરી છે.
વિરાર-દહાણુ સબર્બન સેક્શનના પૅસેન્જર્સે આ ઉપરાંત પણ ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. દહાણુ-વૈતરણા પ્રવાસી સેવાભાવી સંસ્થાના પ્રથમેશ પ્રભુતેંડોલકરે જણાવ્યા પ્રમાણે ‘નવી શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસને કારણે વલસાડ-બાંદરા ડેઇલી પૅસેન્જર ટ્રેન દરરોજ અડધો કલાક પાલઘર થોભે છે અને એને કારણે નાઇટ ડ્યુટીમાં ફરજ બજાવનારા લોકો સમયસર શિફ્ટ પર હાજર નથી રહી શકતા. વિરાર-દહાણુ, ચર્ચગેટ-દહાણુ લોકલ ટ્રેન અને બોરીવલી-દહાણુ મેઇનલાઇન ઈએમયુ ટ્રેન પણ ઊભી રહે છે અને મોડી પડે છે. ટાઇમટેબલ ફરી ગોઠવવામાં આવે, એવી અમારી માગણી છે.’
સંગઠનના સભ્યો તાજેતરમાં આ સંદર્ભે મુંબઈ સેન્ટ્રલના ડિવિઝનલ રેલવે મૅનેજરને પણ મળ્યા હતા.
સમગ્ર પ્રકરણમાં મુખ્ય પ્રધાનની દરમ્યાનગીરીની માગણી કરનારા પાલઘરના વિધાનસભ્ય શ્રીનિવાસ વાંગાએ કહ્યું કે ‘મેં વેસ્ટર્ન રેલવે હેડક્વૉર્ટર અને મુંબઈ ડિવિઝનને વિરાર-દહાણુના પ્રવાસીઓએ વેઠવી પડતી મુશ્કેલી વિશે ઘણી વખત પત્ર લખ્યા છે, પણ વેસ્ટર્ન રેલવેએ હજી સુધી કોઈ ઉકેલ શોધ્યો નથી. નવું ટાઇમટેબલ મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે અને એક્સપ્રેસ ટ્રેનને રસ્તો આપવા માટે દરેક ઈએમયુ (ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ), મેમુ (મેઇનલાઇન ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ) અને શટલ ટ્રેનને ૧૦ મિનિટથી લઈને અડધો કલાક ઊભી રાખી દેવાય છે. વેસ્ટર્ન રેલવેને લાગે છે કે ફક્ત એક્સપ્રેસ ટ્રેનો જ મહત્ત્વની છે અને બીજી ટ્રેનોમાં મુસાફરી કરનારા લોકો પાસે ઘણો સમય હોય છે એથી તેમને રાહ જોવડાવાય છે. આને સાંખી નહીં લેવાય.’
બીજી તરફ વેસ્ટર્ન રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે ફક્ત બે લાઇન જ હોવાને કારણે વિરારથી આગળ મર્યાદા આવી જાય છે અને વિરાર તથા દહાણુ વચ્ચેનાં ૬૩ કિલોમીટરના સ્ટ્રેચ પર ચાર લાઇન કરવાનો પ્રોજેક્ટ હાલ પૂરઝડપે આગળ ધપી રહ્યો છે.
 એક વખત નવી લાઇન્સ નખાઈ ગયા પછી મેલ-એક્સપ્રેસ અને સબર્બન ટ્રેનોનું વર્ગીકરણ કરી શકાશે, વધુ ટ્રેનો ઉમેરી શકાશે અને ફ્રીક્વન્સી પણ વધારી શકાશે. હાલની લાઇન્સની પશ્ચિમ તરફ નવી લાઇન્સ નખાઈ રહી છે એવી માહિતી એક અધિકારીએ આપી હતી.

mumbai news indian railways