વિધાનપરિષદની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે પર બધાની નજર

18 April, 2026 11:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિધાનસભ્યોની બહુમતી હોવાથી મહાયુતિ ચૂંટણીપરિણામ પોતાની તરફ વાળી શકે એવી શક્યતા

ફાઇલ તસવીર

વિધાનપરિષદની ચૂંટણીનું રણશિંગું વાગી ગયું છે. ૧૨ મેએ ૯ બેઠકો માટે મતદાન થશે. વિધાનસભામાં સંખ્યાબળ જોતાં આ ચૂંટણીમાં મહાયુતિનો હાથ ઉપર રહેશે. ઉદ્ધવ ઠાકરે કદાચ આ ચૂંટણીમાં ન ઝુકાવે એવી વાતો વહેતી થઈ છે. જો એવું થશે તો મહાયુતિ મોટો ખેલ કરે એવી પ્રબળ શક્યતા છે. સંખ્યાબળ જોતાં મહાવિકાસ આઘાડીની સરખામણીએ મહાયુતિ હજી પણ બેઠકો જીતે એવી શક્યતા છે. જો ઉદ્ધવ ઠાકરે મેદાનમાં ઊતરે છે તો વિધાનપરિષદની ચૂંટણી બિનહરીફ થશે, પરંતુ જો ઉદ્ધવ ઠાકરે ઇનકાર કરશે તો મહાયુતિ મેદાન મારે એવી શક્યતા છે.
જો ઉદ્ધવ ઠાકરે ઉમેદવાર હોય તો વિધાનસભાની ચૂંટણી બિનહરીફ થવાની સંભાવના છે. મહાયુતિ વધારાનો ઉમેદવાર ઊભો રાખશે નહીં. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)એ ઉદ્ધવ ઠાકરેને ટેકો આપ્યો છે. ઉદ્ધવ ઠાકરેનું હાલનું વલણ પોતે ચૂંટણી ન લડે એવું જણાઈ રહ્યું છે. હવે મહાવિકાસ આઘાડીમાં કૉન્ગ્રેસની ભૂમિકા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કૉન્ગ્રેસના મહારાષ્ટ્રના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે કહ્યું હતું કે ‘જો ઉદ્ધવ ઠાકરે ઉમેદવારી નોંધાવશે તો અમે અમારો ઉમેદવાર નહીં ઊભો રાખીએ, પણ જો તેઓ ઉમેદવારી નથી નોંધાવતા તો અમે આ બાબતે અમારી લીડરશિપ અને સાથી પક્ષો સાથે ચર્ચા કરી નિર્ણય લઈશું.’

આમ કૉન્ગ્રેસ પણ રિંગમાં હૅટ ફેંકવાની તૈયારી કરી રહી હોવાનું જણાઈ આવ્યું છે.

ઠાકરેસેનામાં અંબાદાસ દાનવે, સુષમા અંધારે, વિનાયક રાઉતનાં નામોની ચર્ચા થઈ રહી છે.

મહાવિકાસ આઘાડીના મત વિભાજિત થશે?

જો ઉદ્ધવ ઠાકરે ચૂંટણીના મેદાનમાં નથી તો સૂત્રોએ મહાયુતિ વધારાનો ઉમેદવાર ઊભા રાખે એવી શક્યતાની આગાહી કરી છે. એવી પણ આગાહી કરવામાં આવી છે કે જો વિધાનપરિષદની ચૂંટણી થાય તો મહાવિકાસ આઘાડીના મત વિભાજિત થશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વધારાના મતોના આધારે મહાયુતિના ઉમેદવાર ચૂંટાઈ શકે છે. આ અંગેની માહિતી એક મહિના પછી બહાર આવશે.

shiv sena nationalist congress party uddhav thackeray maha vikas aghadi political news maharashtra news maharashtra mumbai mumbai news