અલર્ટ ટ્રાફિક કૉન્સ્ટેબલે ઘોડબંદર રોડ પાસેની ખાડીમાં પડતી મહિલાને બચાવી

21 January, 2021 10:13 AM IST  |  Mumbai | Mumbai correspondent

અલર્ટ ટ્રાફિક કૉન્સ્ટેબલે ઘોડબંદર રોડ પાસેની ખાડીમાં પડતી મહિલાને બચાવી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ફાઉન્ટન હોટેલ નજીકના વર્સોવા બ્રિજ પરથી આત્મહત્યા કરવા કૂદકો મારનારી ૪૨ વર્ષની મહિલાને અહીં ફરજ નિભાવી રહેલા સતર્ક ટ્રાફિક કૉન્સ્ટેબલે ઉગારી લીધી હોવાની ઘટના મંગળવારે બપોર બાદ બની હતી. બ્રિજ પરથી મહિલાએ કૂદકો મારતાં વાહનો થંભી જતાં ટ્રાફિક જૅમ થયા બાદ કોઈક મહિલા નદીમાં કૂદી હોવાનું જણાતા કૉન્સ્ટેબલ દોડીને બ્રિજની નીચે ગયો હતો અને અહીં કામ કરી રહેલા લોકોની મદદથી મહિલાને પાણીની બહાર કાઢી હતી. બાદમાં ઍમ્બ્યુલન્સ બોલાવીને અન્યોની મદદથી મહિલાને કાશીમીરામાં હાઇવે પર આવેલી એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાવી હતી. મહિલા અત્યારે આઇસીયુમાં સારવાર હેઠળ છે અને તે બચી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.
કૉન્સ્ટેબલ નરેશ ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થોડા સમય પહેલાં પુલ પરથી આત્મહત્યા કરવા નદીમાં કૂદેલી મહિલાને જો ગણતરીની મિનિટમાં બહાર કાઢવામાં આવે તો બચાવી શકાય છે
એવું મેં જોયું હતું. આથી મંગળવારે જ્યારે એક મહિલાએ અમુક મિનિટ પહેલાં જ પાણીમાં ઝંપલાવ્યું હોવાનું જણાતાં મેં તરત જ બ્રિજ નીચે કામ કરી રહેલા લોકોની મદદથી ડૂબતી મહિલાને બચાવવા દોટ મૂકી હતી. સદ્નસીબે સમયસર મહિલાને પાણીમાંથી બહાર કાઢવામાં આવતાં તે બચી ગઈ છે. આ કામ મેં એકલાએ નહીં પણ મારા સાથી કૉન્સ્ટેબલ રાઉત અને બ્રિજ નીચે કામ કરી રહેલા કર્મચારીઓની મદદથી થયું હતું.’
આત્મહત્યાનો પ્રયાસ કરનારી ૪૨ વર્ષની મહિલા વસઈમાં તેના પરિવાર સાથે રહે છે અને ઘરમાં કોઈ પ્રૉબ્લેમ હોવાને લીધે તેણે આ પગલું ભર્યું હોઈ શકે એવું પોલીસનું માનવું છે.

mumbai mumbai news