બ્રિટિશ વાઇરલ સ્ટ્રેઇન સામે અલર્ટ

23 December, 2020 10:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રિટિશ વાઇરલ સ્ટ્રેઇન સામે અલર્ટ

પ્રતીકાત્મક તસવીર

બ્રિટનના કેન્ટ પ્રાન્તમાં સામાન્ય કરતાં ૭૦ ટકા વધારે ક્ષમતા ‘વાઇરલ સ્ટ્રેઇન’ ધરાવતા કોરોના વાઇરસના પ્રસારના અનુસંધાનમાં મહારાષ્ટ્રનું તંત્ર સાવધ બન્યું છે. રાજ્યના મુખ્ય પ્રધાને સૅમ્પલ્સ ટેસ્ટિંગનું પ્રમાણ વિસ્તારવા સહિત દક્ષતા વધારવાની સૂચના આરોગ્ય ક્ષેત્રને આપી છે. અગાઉ મુખ્ય પ્રધાને મંગળવાર ૨૨ ડિસેમ્બરથી પાંચમી જાન્યુઆરી સુધી રાતે ૧૧ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી નાઇટ કરફ્યુનો આદેશ બહાર પાડ્યો હતો.

મુખ્ય પ્રધાને ગઈ કાલે તમામ ડિવિઝનલ કમિશનર્સ, ડિસ્ટ્રિક્ટ કલેક્ટર્સ, મ્યુનિસિપલ કમિશનર્સ અને ડિસ્ટ્રિક્ટ પોલીસ ઑફિસર્સને સંબોધતાં માસ્ક પહેરવા અને ફિઝિકલ ડિસ્ટન્સ જાળવવાના નિયમોનું પાલન સખતાઈથી કરાવવાની સૂચના આપી હતી. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘અત્યાર સુધી રાજ્યના સરકારી તંત્ર અને આરોગ્ય ક્ષેત્રના કાર્યકરોએ રોગચાળાની નાબૂદી માટે ઘણી મહેનત કરી છે. હવે એ વાઇરસનો નવો પ્રકાર આવ્યો છે ત્યારે સહેજ પણ બેદરકાર રહેવું પરવડે એમ નથી. અત્યાર સુધીની મહેનત એળે ન જાય એ માટે વધારે પરિશ્રમ કરવાની જરૂર છે.’

માસ્ક ન પહેરે તેમની પાસેથી દંડ વસૂલ કરવાની સૂચના સાથે ફિઝિકલ ડિસ્ટન્સિંગ અને થોડા-થોડા સમયાંતરે હાથ ધોવાની અને હાથોમાં ગ્લવ્ઝ પહેરવાની સૂચનાઓનો પ્રચાર-પ્રસાર વધારવાના નિર્દેશો મુખ્ય પ્રધાને વરિષ્ઠ અમલદારોને આપ્યા હતા. મુખ્ય પ્રધાને ઑક્સિજન, વેન્ટિલેટર્સ અને દવાઓનો સ્ટૉક વધારવા સાથે આઇસોલેશન અને ક્વૉરન્ટીન ફેસિલિટિઝ વધારવાના નિર્દેશો પણ અમલદારોને આપ્યા હતા. ‘મારો પરિવાર મારી જવાબદારી’ અભિયાન હેઠળ ડાયાબિટિઝ, હાઇપર ટેન્શન કે બ્લડ પ્રેશર જેવી બીમારી ધરાવતા લોકો, ખાસ કરીને વૃદ્ધોની માહિતી એકઠી કરવા અને તેમના પર નિગરાણી રાખવાની પણ સૂચનાઓ મુખ્ય પ્રધાને આપી હતી.

mumbai mumbai news uddhav thackeray coronavirus covid19