ઍમ્બ્યુલન્સની અંદર દારૂની પાર્ટી : ડ્રાઇવર સહિત છ જણ પર કેસ નોંધાયો

10 September, 2020 09:00 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

ઍમ્બ્યુલન્સની અંદર દારૂની પાર્ટી : ડ્રાઇવર સહિત છ જણ પર કેસ નોંધાયો

આ ઍમ્બ્યુલન્સની અંદર બેસીને દારૂની પાર્ટી કરવામાં આવી રહી હતી.

કોરોના મહામારીમાં ઍમ્બ્યુલન્સનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. અનેક ઠેકાણે પેશન્ટને ઍમ્બ્યુલન્સ માટે લાંબો સમય રાહ જોવી પડે છે અને કોઈક જગ્યાએ તો ઉપલબ્ધ પણ હોતી નથી. પરંતુ મીરા-ભાઈંદરમાં એનો ઉપયોગ પેશન્ટ માટે નહીં પણ દારૂની પાર્ટી કરવા થઈ રહ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ભાઈંદર (વેસ્ટ)માં શાસન સંચાલિત ભારતરત્ન ડૉ. પંડિત ભીમસેન જોશી (ટેંબા) નામની હૉસ્પિટલના કમ્પાઉન્ડમાં ઊભી રાખેલી સરકારી ઍમ્બ્યુલન્સમાં દારૂની પાર્ટી થઈ હોવાનો શૉકિંગ બનાવ સામે આવ્યો છે. જોકે પોલીસે આ પ્રકરણે ઍમ્બ્યુલન્સના ડ્રાઇવર સહિત છ જણની સામે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. જોકે આ કેસમાં પોલીસ પોતે જ ફરિયાદી છે. કોરોનાકાળમાં અતિઆવશ્યક સેવા માટે તહેનાત કરેલી ઍમ્બ્યુલન્સમાં બેસીને દારૂની પાર્ટી કરવા બદલ આશ્ચર્ય સાથે રોષ સુધ્ધાં વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ હૉસ્પિટલ રાજ્ય શાસનની છે, પરંતુ મીરા-ભાઈંદર મહાનગરપાલિકા હાલમાં એને ચલાવી રહી છે.
ભાઈંદર પોલીસ દ્વારા મળેલી માહિતી અનુસાર ‘એક સ્થાનિક સમાજસેવક દ્વારા ભાઈંદર પોલીસ સ્ટેશનના પોલીસ-અધિકારીને ફોન કરીને માહિતી આપી હતી કે પંડિત ભીમસેન જોશી હૉસ્પિટલના કમ્પાઉન્ડમાં ઊભી રહેલી એક એસી ઍમ્બ્યુલન્સમાં અમુક લોકો બેસીને દારૂ પી રહ્યા છે. પોલીસે એની સૂચના પોલીસ-અધિકારી મનીષા પાટીલને આપીને આ વાતની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. એથી મનીષા પાટીલે સોમનાથ મોરે, કોકાટે અને એક હોમગાર્ડની સાથે રવિવારે રાતે ૧૧.૪૫ વાગ્યે ઍમ્બ્યુલન્સ પર છાપો માર્યો હતો. છાપો મારીને છ જણને દારૂનું સેવન કરતાં રંગે હાથ પકડી પાડ્યા હતા. પોલીસે પકડેલા લોકોમાં ઍમ્બ્યુલન્સનો ડ્રાઇવર સમીર ઘાડગે, વિલાસ મંજાડે, અજય ખંદારે, રવિશંકર ગુપ્તા, બાળકૃષ્ણ માછી અને ગૌરવ પાસતેનો સમાવેશ હતો. ઍમ્બ્યુલન્સના ડ્રાઇવરને છોડીને અન્ય પાંચ દવા છાંટવાનું કામ કરતા હતા. આ બધા પર પોલીસ નાઈક સોમનાથ નારાયણ મોરેની ફરિયાદ પર મહારાષ્ટ્ર દારૂબંધી અધિનિયમ ૧૯૪૯ની કલમ ૮૫ અનુસાર કેસ નોંધ્યો છે.’

mumbai mumbai news preeti khuman-thakur