‘આલ્કોહોલ કિલ્સ કોરોના’

28 October, 2020 09:45 AM IST  |  Mumbai | Mumbai correspondent

‘આલ્કોહોલ કિલ્સ કોરોના’

‘આલ્કોહોલ કિલ્સ કોરોના’

નવી મુંબઈ વાશીના પામ બીચ રોડ પર આવેલા એક મોલમાં ‘એજન્ટ જેક’ નામના બારના માલિકે ગ્રાહકોને આકર્ષવા માટે ‘આલ્કોહોલ કિલ્સ કોરોના’નાં પોસ્ટર લગાડ્યાં હતાં. દારૂ પીવા લોકોને પ્રોત્સાહન આપનાર બાર-માલિકના આ પ્રયાસની સ્થાનિક નાગરિકોએ પોલીસ ફરીયાદ કરી બાર-માલિક વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હોવાનું જાણવા મળ્યું હતું.
દેશમાં કોરોના મહામારીથી લોકો પરેશાન છે ત્યારે ‘એજન્ટ જેક’ નામના બારના માલિક દ્વારા દારૂ પીવાથી કોરોનાના વાઇરસ મરી જતા હોવાના પોસ્ટર દ્વારા ગ્રાહકોને દારૂ પીવા આકર્ષિત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. આટલું જ નહીં બાર-માલિકોએ બારમાં અનેક અશ્લીલ બૅનરો પ્રદર્શિત કર્યા હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
સ્થાનિક રહેવાસી અૅડ્વોકેટ ગણેશ દેશમુખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાર દ્વારા પોસ્ટરના માધ્યમથી ખોટો પ્રચાર કરીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અમે બારના માલિકને આ વાંધાજનક પોસ્ટર કાઢી નાખવાનું દબાણ કર્યું હતું. ત્યાર બાદ બાર-માલિક વિરુદ્ધ વાશી એપીએમસી પોલીસ સ્ટેશન અને તમામ સંબંધિત વિભાગોમાં ફરિયાદ કરી છે.’
એપીએમસી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સતીશ નિકમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એજન્ટ જેક’ બારની તપાસ હાથ ધરી, બારના ફોટો પાડી અમે નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનને મોકલી આપ્યા છે. આ સંબંધી તેઓ તપાસ કરશે. અમે બાર-માલિકને આવાં બેનર ન લગાડવાની વોર્નિંગ પણ આપી છે.

mumbai mumbai news coronavirus covid19