અક્ષયકુમારનો નાશિકનો હેલિકૉપ્ટર-પ્રવાસ વિવાદમાં

05 July, 2020 08:38 AM IST  |  Mumbai Desk | Agencies

અક્ષયકુમારનો નાશિકનો હેલિકૉપ્ટર-પ્રવાસ વિવાદમાં

અક્ષય કુમાર

કોરોના વાઇરસને પગલે લાગુ કરાયેલાં નિયંત્રણો વચ્ચે બૉલીવુડના સુપરસ્ટાર અક્ષયકુમારે હેલિકૉપ્ટરમાં લીધેલી નાશિકની મુલાકાત અને રિસૉર્ટમાં કરેલા રાત્રિરોકાણને કારણે તે વિવાદમાં સપડાયો છે. અક્ષયે નાશિકની મુલાકાત લીધી એના ચાર દિવસ બાદ નાશિકના ગાર્ડિયન પ્રધાન છગન ભુજબળે જિલ્લા પોલીસ તથા જિલ્લા કલેક્ટરને અભિનેતાને આપવામાં આવેલી પરવાનગી અને પ્રવાસ માર્ગદર્શિકાના ભંગ (જો થયો હોય તો) મામલે તપાસ હાથ ધરવાની તાકીદ કરી છે.
ભુજબળે શનિવારે નાશિકમાં જણાવ્યું હતું કે ‘હું પહેલી જુલાઈની અભિનેતાની મુલાકાત વિશે જાણતો નહોતો, પણ મને અભિનેતાનો પ્રવાસ વર્તમાન નિયમોનો ભંગ હોઈ શકે છે એ મુજબની ફરિયાદો મળી છે. કોઈ પણ અહીંની મુલાકાત લઈ શકે છે. જો માન્ય કારણ હોય અને તેમની પાસે પરવાનગી હોય તો એમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ, પણ મને ફરિયાદ મળી છે અને એમાં હેલિકૉપ્ટરના લૅન્ડિંગ માટે મળેલી પરવાનગી અને લક્ઝરી રિસૉર્ટમાં રોકાણની પરવાનગી વિશે પૂછવામાં આવ્યું છે. મેં પોલીસને તથા જિલ્લા કલેક્ટરને તપાસ કરીને ભંગ થયો છે કે નહીં એ જાણવાની સૂચના આપી છે.’
ભુજબળની નજીકની વ્યક્તિઓએ જણાવ્યું કે ભુજબળ જાણવા ઇચ્છતા હતા કે જ્યારે સીએમ અને પ્રધાનો મહામારીના સમયમાં બાય રોડ મુસાફરી કરે છે ત્યારે અભિનેતાને શા માટે વીઆઇપી ટ્રીટમેન્ટ આપવામાં આવી અને ખાનગી શૈક્ષણિક સંસ્થા સપકાળ નૉલેજ હબ ખાતે હેલિકૉપ્ટર લૅન્ડિંગની પરવાનગી આપવામાં આવી અને સાથે જ તેઓ એમ પણ જાણવા ઇચ્છે છે કે નાશિક શહેર પોલીસે શા માટે ગ્રામીણ પોલીસના અધિકારક્ષેત્રમાં અક્ષયકુમારને સુરક્ષા પૂરી પાડી.

akshay kumar bollywood mumbai nashik mumbai news bollywood gossips bollywood news