આકૃતિએ જેના આધારે ફ્લૅટોની ફાળવણી કરી હતી એ ફૉર્મ મળ્યાં

09 December, 2011 08:32 AM IST  | 

આકૃતિએ જેના આધારે ફ્લૅટોની ફાળવણી કરી હતી એ ફૉર્મ મળ્યાં



એમઆઇડીસી (મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન)એ ૧૯૯૯માં આકૃતિ (હાલ હબ ટાઉન તરીકે જાણીતા) બિલ્ડર દ્વારા નિર્મિત સ્લમ રીહૅબિલિટેશન સ્કીમમાં મોટો છબરડો વાળ્યો હતો. જાણવા મળેલી માહિતી અનુસાર એમઆઇડીસીનાં ખોવાઈ ગયેલાં ફૉર્મ ઑફિસમાંથી પાછાં

મળી આવ્યાં છે. નવેમ્બર મહિનામાં ‘મિડ-ડે’ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે એમઆઇડીસીની ઑફિસમાં કેવી અરાજકતા ફેલાયેલી છે અને સમગ્ર પ્રોજેક્ટ માટે ખૂબ જ મહત્વનાં એવાં ફૉર્મ જ ગુમ થયાં છે.

અંધેરી (ઈસ્ટ)માં ૩૯૬૦ જેટલા ઝૂંપડાવાસીઓને જેના આધાર પર  ફ્લૅટની ફાળવણી કરવામાં આવી હતી એ ફૉર્મ ક્યાં છે એની ખબર એમઆઇડીસીને ન્ાહોતી. આ ફ્લૅટ મેળવવા માટેની લાયકાત પૂરી કરવા માટે આ ફૉર્મ અત્યંત જરૂરી હતાં. વળી આ પેપરમાં જ સંબંધિત વ્યક્તિ ૧૯૯૫ પહેલાં ત્યાંના ઝૂંપડામાં વસવાટ કરતી હતી એવા પુરાવા પણ હતા. ‘મિડ-ડે’ના અહેવાલ બાદ એમઆઇડીસીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર કે. શિવાજીએ આ ફૉર્મ બાબતે રિપોર્ટ આપવા સંબંધિત કર્મર્ચારીઓને જણાવ્યું હતું. શોધખોળ બાદ આ ફૉર્મ મળ્યાં હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. આ બાબતે ચીફ એન્જિનિયર આર. વી. સોન્જેએ કહ્યું હતું કે ‘અમુક ડૉક્યુમેન્ટ્સ મળ્યાં છે જેને ઉપરી અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યાં છે. આ એક લાંબી પ્રક્રિયા હોવાથી અંતિમ રિપોર્ટ તૈયાર કરવામાં સમય જશે.’

આ સમગ્ર પ્રકરણ પર પ્રકાશ પાડનાર આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) ઍક્ટિવિસ્ટ અમિત મારુએ કહ્યું હતું કે આ ફૉર્મમાં આકૃતિ બિલ્ડરના ખોટી રીતે સ્લમ ડેવલપર્સ બતાવવામાં આવેલાં કુટુંબીજનોનાં નામો પણ હશે. એમઆઇડીસીએ આ ફૉર્મના આધારે જરૂરી પગલાં ભરવાં જોઈએ એવી માગણી પણ તેમણે કરી હતી.