કસબને ગુપચુપ ફાંસી કેમ આપવામાં આવી?

22 November, 2012 03:11 AM IST  | 

કસબને ગુપચુપ ફાંસી કેમ આપવામાં આવી?



આતંકવાદી અજમલ કસબની ફાંસી આપવા બાબતે રાખવામાં આવેલા સસ્પેન્સ બાબતે સિનિયર કૅબિનેટ પ્રધાને નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘ફાંસીની સજા આપવામાં આવવાની હોવાની જો પહેલેથી જાહેરાત કરવામાં આવી હોત તો એને લીધે ટેરરિસ્ટ ગ્રુપ તરફથી વળતું રીઍક્શન આવવાની શક્યતા હતી. ફાંસીનો સમય, તારીખ અને સ્થળ જાહેર કરવાથી ટેરરિસ્ટ ગ્રુપ તરફથી એને રોકવાની અથવા કોઈ પણ રીતે બદલો લેવાની કોશિશ કરવામાં આવી હોત એટલે જ પૂરા મિશનમાં ગુપ્તતા રાખવી અત્યંત જરૂરી હતી. એને કારણે ચુપકીદી વચ્ચે કસબને ફાંસીએ લટકાવ્યા બાદ મહારાષ્ટ્ર સરકારે સવારે વિધિવત ફાંસીની જાહેરાત કરી હતી.’

સવારે સાડાસાત વાગ્યે કસબને ફાંસીએ લટકાવ્યા બાદ ઑફિશ્યલી એની જાહેરાત કરનારા ગૃહપ્રધાન આર. આર. પાટીલે ગઈ કાલે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘મુંબઈ પર ૨૬/૧૧ના દિવસે આંતકવાદી હુમલો કરવા બદલ દેશના ગુનેગારને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. આ હુમલામાં મૃત્યુ પામેલા ૧૬૬ નાગરિકોને અને શહીદ થયેલા બહાદુર પોલીસ-અધિકારીઓને ખરા અર્થમાં હવે શ્રદ્ધાંજલિ મળી છે. ૮ નવેમ્બરે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ તેની દયાની અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ કેન્દ્રીય ગૃહખાતાએ અને મહારાષ્ટ્ર સરકારે કસબને ફાંસી આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. એ મુજબ સોમવારે મધરાતે ચૂપચાપ કસબને મુંબઈની આર્થર રોડ જેલમાંથી પુણેની યેરવડા જેલમાં લઈ જવામાં આવ્યો હતો અને ગઈ કાલે સવારે તેને ફાંસીએ ચડાવી દેવામાં આવ્યો હતો. ભારતની ન્યાયવ્યવસ્થા મજબૂત હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. તમામ ન્યાયપ્રક્રિયા પૂર્ણ કરીને આતંકવાદીને આપવામાં આવેલી સજાને લીધે દુનિયા સામે આપણે કાર્યવાહી કરી શકીએ છીએ એ સ્પષ્ટ થઈ ગયું છે. ’

યેરવડા જેલમાં અજમલ કસબને ફાંસી અપાયાના ન્યુઝ બહાર પડ્યા બાદ ગઈ કાલે સવારે શિવસૈનિકો જેલની બહાર પહોંચી ગયા હતા અને વન્દે માતરમના નારા લગાવી રહ્યા હતા. તેમણે સંસદ પર હુમલો કરનારા આરોપી અફઝલ ગુરુને પણ તરત ફાંસી આપવાની માગણી કરતા નારા પોકાર્યા હતા.