આતંકવાદી કસબે કરી દયાની માગણી

20 September, 2012 06:15 AM IST  | 

આતંકવાદી કસબે કરી દયાની માગણી


આ ટેરર અટૅકમાં જીવતા પકડાયેલા એકમાત્ર આતંકવાદી અજમલ કસબને દોષી ઠેરવી ફાંસીની સજા કરવામાં આવી હતી. ૨૯ ઑગસ્ટે સુપ્રીમ ર્કોટે પણ આ સજાને યથાવત્ રાખતાં હવે અજમલ કસબે છેલ્લા વિકલ્પ તરીકે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી છે. આર્થર રોડ જેલ પ્રશાસન દ્વારા આ અરજી રાષ્ટ્રપતિના કાર્યાલયમાં મોકલી આપવામાં આવી હતી. ફાંસીની સજા માફ કરવા માટે કરવામાં આવેલી અરજી પર ક્યારે અને કયો નર્ણિય લેવો એની પૂર્ણ સ્વતંત્રતા રાષ્ટ્રપતિને બંધારણે આપી છે. સંસદ પર થયેલા હુમલામાં દોષી ઠેરવવામાં આવેલા અફઝલ ગુરુ સહિત ૧૧ જણની અરજી પર હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

કસબની દયાની અરજીને રાષ્ટ્રપતિ નકારી કાઢે : શિવસેના

૨૦૦૮ની ૨૬ નવેમ્બરે મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાના દોષી અજમલ કસબે કરેલી દયાની અરજીને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ નકારી કાઢવી જોઈએ એમ શિવસેનાએ કહ્યું હતું. શિવસેનાના પ્રવક્તા નીલમ ગોરેએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ ૨૪ કલાકની અંદર જ કસબની દયાની અરજીને નકારી કાઢવી જોઈએ. ૨૯ ઑગસ્ટે મુંબઈ પર કરેલા આતંકવાદી હુમલામાં સુપ્રીમ ર્કોટે બૉમ્બે હાઈ ર્કોટે આપેલી ફાંસીની સજા યથાવત્ રાખતાં અજમલ કસબે દયાની અરજી કરી છે.

કસબને ફાંસીએ ચડાવવામાં સરકાર વિલંબ કરશે : બીજેપી

મુંબઈના આતંકવાદી હુમલામાં એકમાત્ર જીવતા પકડાયેલા અને ફાંસીની સજા પામેલા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસબે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી છે. આ મામલે સરકાર વોટ-બૅન્કની રાજનીતિ કરશે કે પછી પ્રાથમિકતાના ધોરણે આ મામલાને અગ્રતાક્રમ આપશે એ બીજેપી જાણવા માગે છે. બીજેપીના પ્રવક્તા રવિશંકર પ્રસાદે આક્ષેપ કરતાં કહ્યું હતું કે સરકાર અફઝલ ગુરુની માફક જ કસબને ફાંસી ચડાવવામાં વિલંબ કરશે.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી