કસબનો પ્રવાસ : પાકિસ્તાનના મુરીદકેથી મુંબઈ સુધી

30 August, 2012 05:36 AM IST  | 

કસબનો પ્રવાસ : પાકિસ્તાનના મુરીદકેથી મુંબઈ સુધી

તેના પરિવારમાં માતા નૂર-એ-ઇલાહી, પિતા મોહમ્મદ કસબ, મોટો ભાઈ અફઝલ, નાનો ભાઈ મુનીર અને બહેન સુરૈયાનો સમાવેશ હતો. વર્ષ ૨૦૦૦માં તેણે મજૂરી કરવાનું શરૂ કર્યું અને ૨૦૦૭માં તે રાવલપિંડી ગયો. ત્યાં તેણે જમાત-ઉદ-દાવા નામના સંગઠનના નેતાઓનાં ભાષણો સાંભળીને કાશ્મીર માટે આપણે પણ લડવું જોઈએ એવી મનમાં ગાંઠ વાળી. મિત્ર મુઝફ્ફર લાલની સાથે તે લશ્કર-એ-તય્યબાના કાર્યાલય પર પહોંચી ગયો. એક મૌલવીએ તેને મુરીદકે મોકલી દીધો. ત્યાં તેને આતંકવાદની ટ્રેઇનિંગ આપવાની શરૂઆત થઈ અને મુંબઈમાં હુમલા માટે તેની પસંદગી કરવામાં આવી.

 

કસબ અને તેના નવ સાથીદારો ૨૦૦૮ની ૨૩ નવેમ્બરે કરાચીના જકાઉથી બપોરે લશ્કર-એ-તય્યબાના જહાજ અલ-હુસેનીમાં બેસી મુંબઈ તરફ રવાના થયા. ગુજરાત પાસે માછીમારી કરતી એમવી કુબેર નામની બોટ પર કબજો મેળવીને એના ખલાસીઓને ઠાર મારીને તેઓ મુંબઈ સુધી આવ્યા અને પછી રબરની નાની બોટમાં બેસીને છેક સાઉથ મુંબઈમાં કફ પરેડના દરિયાકિનારે ૨૬ નવેમ્બરે રાત્રે સાડાઆઠ વાગ્યે પહોંચ્યા. બે જણની એક એવી પાંચ ટીમમાં તેઓ વહેંચાઈ ગયા અને કસબ તથા તેનો સાથી ઇસ્માઇલ ખાન છત્રપતિ શિવાજી ટર્મિનસ ભણી નીકળ્યાં.

આ એક યુનિક કેસ હતો : રાકેશ મારિયા

મહારાષ્ટ્રના ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ (એટીએસ)ના ચીફ રાકેશ મારિયાએ કહ્યું હતું કે આ એક યુનિક કેસ હતો, જેમાં કુલ ૬૫૭ સાક્ષીઓની જુબાની નોંધવામાં આવી હતી. સમગ્ર વિશ્વની તપાસસંસ્થાઓ એમાં જોડાઈ હતી. આનું કાવતરું વિદેશની ધરતી પર ઘડાયું હતું. આતંકવાદીઓ વિવિધ શસ્ત્રોથી સુસજ્જ હતા. હજી પણ કેટલાક આરોપીઓની શોધખોળ ચાલુ છે, જૈ પૈકી મોટા ભાગના પાકિસ્તાનમાં છે. તેમણે આ કાર્ય માટે મુંબઈપોલીસ, ફૉરેન્સિક ડિપાર્ટમેન્ટ તથા સરકારી વકીલ ઉજ્જવલ નિકમનો પણ આભાર માન્યો હતો.