કૅબિનેટમાં અજિત પવારનું કમબૅક : આજે શપથવિધિ

07 December, 2012 06:35 AM IST  | 

કૅબિનેટમાં અજિત પવારનું કમબૅક : આજે શપથવિધિ



બે મહિના અને દસ દિવસ રાજ્યના સક્રિય રાજકારણમાંથી દૂર રહેનાર એનસીપીના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારને ફરી આજે રાજ્યના પ્રધાનમંડળમાં સમાવવામાં આવશે. આજે સવારે ૧૦ વાગ્યે તેમની શપથવિધિ કરવામાં આવશે એમ રાજ્ય સરકારના એક અધિકારીએ કહ્યું હતું. એવી પણ ધારણા છે કે તેમની શપથવિધિની સાથે-સાથે રાજ્યના પ્રધાનમંડળમાં જે ખાલી જગ્યાઓ પડી છે એમાં પણ નિયુક્તિઓ કરવામાં આવશે.

સિંચાઈ ડિપાર્ટમેન્ટમાં કૌભાંડો થયાં હોવાના આક્ષેપોને કારણે અજિત પવારે ૨૫ સપ્ટેમ્બરે રાજીનામું આપી દીધું હતું, જેને કારણે રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. તેમણે તેમની પ્રતિમા ખરડાય નહીં એ માટે સિંચાઈ ડિપાર્ટમેન્ટનો શ્વેતપત્ર જલ્ાદી રજૂ કરવામાં આવે એવી માગણી કરી હતી. હવે અન્યો જ્યારે આ બાબતે તેમની ટીકા કરી રહ્યા છે ત્યારે તેમને અવગણીને પણ આજે તેઓ રાજ્યના પ્રધાનમંડળમાં ફરી જોડાશે.

 હવે રાજ્ય સરકારે સિંચાઈ ડિપાર્ટમેન્ટનો શ્વેતપત્ર જાહેર કરી દીધો છે ત્યારે અજિત પવાર ફરીથી પ્રધાનમંડળમાં જોડાઈ રહ્યા છે.

એનસીપી = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી