અજિત પવાર મહત્વની મીટિંગમાં ગેરહાજર રહેતાં એનસીપીના નેતાઓની હાલત બગડી

11 October, 2012 06:05 AM IST  | 

અજિત પવાર મહત્વની મીટિંગમાં ગેરહાજર રહેતાં એનસીપીના નેતાઓની હાલત બગડી



રવિકિરણ દેશમુખ

મુંબઈ, તા. ૧૧

એનસીપીની હાલત હાલ અત્યંત કફોડી છે. એક તરફ કૉન્ગ્રેસ સાથે મડાગાંઠ યથાવત્ છે તો બીજી તરફ આંતરિક સમસ્યાએ ઘેરો ઘાલ્યો છે. ગઈ કાલે વડોદરામાં યોજાયેલા પક્ષના રાષ્ટ્રીય સંમેલનમાં અજિત પવારની ગેરહાજરીને કારણે એ વાત વધુ સ્પષ્ટ થઈ હતી. ગેરહાજરી માટે ભલે માંદગીનું કારણ આગળ ધરવામાં આવ્યું હોય, પરંતુ ગયા મહિને સિંચાઈકૌભાંડને કારણે રાજીનામું આપનારા અજિત પવારની ગેરહાજરીથી ઘણા કાર્યકરો નારાજ થયા હતા. બારામતીના આ વિધાનસભ્યને વડોદરા લાવવા માટે એક સ્પેશ્યલ ચાર્ટર્ડ પ્લેન પણ તૈયાર રાખવામાં આવ્યું હતું.

એનસીપી નેતાઓના જણાવ્યા પ્રમાણે નૅશનલ એક્ઝિક્યુટિવ મીટમાં તેમના કાકા શરદ પવારની વરણી ફરી એક વાર પક્ષના અધ્યક્ષ તરીકે થવાની હતી ત્યારે તેમની હાજરી અત્યંત આવશ્યક હતી. સમગ્ર ઘટનાક્રમને જોઈને કૉન્ગ્રેસે ભારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું તેમ જ કયા કારણથી કાકા-ભત્રીજામાં મતભેદ ઊભા થયા હશે એનાં કારણોની ચર્ચા શરૂ કરી છે.

વડોદરામાં અજિત પવારની ગેરહાજરી વિશે મિડિયાના લોકો સાથે વાતચીત કરતાં શરદ પવારના ખાસ તેમ જ હેવી ઇન્ડસ્ટ્રી ખાતાના યુનિયન મિનિસ્ટર પ્રફુલ પટેલે અજિત પવારની ગેરહાજરી માટે માંદગીનું કારણ આપ્યું હતું. જોકે પક્ષ પ્રત્યે અજિત પવારના અણગમાની ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું. એનસીપીના મિનિસ્ટરોને વિવિધ કૌભાંડોમાં ફસાવવામાં આવતા હોવા છતાં પક્ષ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના મુદ્દે અજિત પવાર ભારે નારાજ છે. આ તમામ પાછળ કૉન્ગ્રેસ અને એમાં પણ ખાસ કરીને મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ જવાબદાર છે એમ એનસીપીના નેતાઓને લાગી રહ્યું છે.

હવે જોવાનું એ રહે છે કે નાંદેડમાં સ્થાનિક સુધરાઈના ચૂંટણીપ્રચારમાં અજિત પવાર ભાગ લે છે કે નહીં, કારણ કે અહીં એનસીપીએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવાણના નેતૃત્વમાં લડી રહેલી કૉન્ગ્રેસને મોટો પડકાર આપ્યો છે. કૉન્ગ્રેસ માટે પડકારરૂપ સાબિત થવા એનસીપી દ્વારા આયોજિત બે રૅલીમાં હાજરી આપવાની પણ અજિત પવાર ખાતરી આપી છે.

એનસીપીની હાલત કફોડી

સિંચાઈકૌભાંડમાં અજિત પવાર તથા તેમના વિશ્વાસુ સાથી વૉટર રિસોર્સિસ મિનિસ્ટર સુનીલ તટકરેને સંડોવવામાં આવતાં એનસીપીની હાલત ભારે કફોડી થઈ છે, જ્યારે મહારાષ્ટ્ર સદનના નિર્માણના કૌભાંડમાં જાહેર બાંધકામ ખાતાના મિનિસ્ટર છગન ભુજબળનું નામ ઊછળ્યું છે. આ ઉપરાંત છગન ભુજબળ તથા સુનીલ તટકરેના પરિવારના સભ્યો દ્વારા સ્થાપવામાં આવેલી વિવિધ કંપનીઓનાં નામ પણ વિવિધ કૌભાંડોમાં બહાર આવ્યાં છે. કૅબિનેટ છોડવાના અજિત પવારે લીધેલા નિર્ણય છતાં મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણને ઊથલાવી સરકારને અસ્થિર બનાવવાના મામલે એનસીપીના સિનિયર નેતાઓએ કોઈ ઉત્સાહ દર્શાવ્યો નહોતો.