23 February, 2026 01:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસની ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું ૨૮મી જાન્યુઆરીના રોજ બારામતીમાં થયેલ પ્લૅન-ક્રેશની દુર્ઘટના (Ajit Pawar Plane Crash)માં મોત થયું હતું. આ મામલે હવે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે સીબીઆઇની તપાસ માટે ભલામણ કરી છે.
તમને જણાવી દઈએ કે ગઇકાલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક પ્રેસકોન્ફરન્સને સંબોધતી વખતે જણાવ્યું હતું કે મહાયુતિ સરકાર અજિત પવારના પ્લૅન-ક્રેશમાં થયેલ મોતના તમામ પાસાંઓ જાણીને શંકાઓને દૂર કરવા માંગે છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એમ પણ જણાવ્યું હતું કે, "મને ભાજપના સહયોગીમાં રહેલ પક્ષ એનસીપી તરફથી પત્ર મળ્યો છે જેમાં વિમાન દુર્ઘટના (Ajit Pawar Plane Crash)ની સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે અને મેં ગૃહમંત્રી અમિત શાહ સાથે આ મુદ્દે વાત પણ કરી લીધી છે. ડીજીસીએ (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) અને રાજ્યની સીઆઇડી ટીમ દ્વારા તપાસની સાથે સીબીઆઈ તપાસ માટે પણ વિનંતી કરવામાં આવી છે."
તમને જણાવી દઈએ કે અજિત પવારનું ચાર્ટર્ડ પ્લૅન ૨૮મી જાન્યુઆરીએ બરામતીમાં લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં અજીત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. એનસીપી (એસપી)ના નેતા રોહિત પવારે અકસ્માતના સંજોગો અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને આ સમગ્ર પ્લૅન-ક્રેશની દુર્ઘટના કોઈ ષડયંત્ર જ હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. રોહિત પવારે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખ્યો હતો અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જણાવ્યું હતું કે જ્યાં સુધી આ સમગ્ર મામલા (Ajit Pawar Plane Crash)ની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એવિએશન મિનિસ્ટર કે. રામમોહન નાયડુને પદ પરથી હટાવવામાં આવે.
દરમિયાન, દેવેન્દ્ર ફડ઼ણવીસે જણાવ્યું હતું કેર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન સંબંધિત વીએસઆર કંપનીનું ઓડિટ કરી રહ્યું છે અને તમામ લોગબૂકની તપાસ કરવામાં આવી રહી છે. ઇન્વેસ્ટિગેશન-રિપોર્ટની રાહ જોવા અને કોઈ પણ પ્રકારની અફવાઓ ન ફેલાવવા વિનંતી છે. રાજ્ય સરકાર આ મામલે તપાસ જારી જ રાખશે. તમામ રાજકીય નેતાઓની સુરક્ષા માટે તપાસ મહત્વપૂર્ણ છે.
પત્રકાર પરિષદમાં હાજર નાયબ મુખ્યમંત્રીઓ સુનેત્રા પવાર અને એકનાથ શિંદેએ કહ્યું કે સીબીઆઈ તપાસ માટે વિનંતી કરવામાં આવી છે અને નિષ્પક્ષ અને વ્યાપક તપાસ (Ajit Pawar Plane Crash)ની ખાતરી આપી છે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, " અમે તપાસ બાબતે નિયમિત ફોલો-અપ પણ કરીશું. મને લાગે છે કે ડીજીસીએ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાસે છુપાવવા માટે કંઈ નથી. ફડ઼ણવીસે એમ પણ કહ્યું કે તેઓ પોતે ઘણી વખત વીએસઆર વિમાનમાં મુસાફરી કરી ચૂક્યા છે.