અજિત પવારને વડા પ્રધાનના કાર્યક્રમમાં બોલવા ન દેવાયા એ મહારાષ્ટ્રનું અપમાન : સુપ્રિયા સુળે

15 June, 2022 08:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એનસીપીનાં નેતા સુપ્રિયા સુળેએ મંગળવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને પુણે નજીક દેહુમાં યોજાયેલા મંદિરના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં વક્તવ્ય આપવાની પરવાનગી અપાઈ નહોતી.

અજીત પવાર

મુંબઈ (પી.ટી.આઇ.) : એનસીપીનાં નેતા સુપ્રિયા સુળેએ મંગળવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને પુણે નજીક દેહુમાં યોજાયેલા મંદિરના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં વક્તવ્ય આપવાની પરવાનગી અપાઈ નહોતી. આ ઘટનાને તેમણે રાજ્યના અપમાન સમાન ગણાવી હતી.
વડા પ્રધાને સંત તુકારામ મહારાજ મંદિર ખાતે શિલા મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમમાં વડા પ્રધાને વક્તવ્ય આપ્યું એની બરાબર પહેલાં રાજ્યના વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે સંબોધન કર્યું હતું.
અમરાવતીમાં પત્રકારો સાથે વાત કરતાં લોકસભાનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેએ જણાવ્યું હતું કે એનસીપીના સિનિયર નેતા અજિત પવારે પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ (પીએમઓ)ને તેમને કાર્યક્રમમાં વક્તવ્ય આપવા દેવાની વિનંતી કરી હતી.
અજિત પવારે પુણે જિલ્લાના ગાર્ડિયન પ્રધાન તથા નાયબ મુખ્ય પ્રધાન તરીકે લોહેગાંવ ઍરપોર્ટ પર વડા પ્રધાનનું અભિવાદન કર્યું હતું.
સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે ‘દાદા (અજિત પવાર)ની ઑફિસે વિનંતી કરી હતી કે તેઓ પુણેના ગાર્ડિયન પ્રધાન હોવાથી તેમને બોલવા દેવામાં આવે, પણ પીએમઓએ દાદાને વક્તવ્ય આપવાની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો હતો. આ મહારાષ્ટ્રનું અપમાન છે. જો આપણા નાયબ મુખ્ય પ્રધાન સ્ટેજ પર હોય તો તેમને બોલવાનો અધિકાર છે.’

mumbai news supriya sule ajit pawar