અજિત પવારે છેલ્લા વર્કિંગ ડેએ ૩૦ ફાઇલ ક્લિયર કરી

29 January, 2026 11:10 AM IST  |  Mumbai | Eeshanpriya MS

મંગળવારે મંત્રાલયમાં તેઓ ૭ કલાક રહ્યા એમાં અનેક મીટિંગો કરી જેમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથેની બેઠકનો પણ સમાવેશ હતો : આશ્રમ શાળાના શિક્ષકોની ૬ મહિનાથી બાકી નીકળતી ૩૫૦ કરોડ રૂપિયાની સૅલેરીની ફાઇલ મંજૂર કરી

ગઈ કાલે મંત્રાલયમાં છઠ્ઠે માળે અજિત પવારની ઑફિસ નિર્જન હતી (તસવીર : ઈશાનપ્રિયા એમએસ)

અજિત પવારનો મંગળવારનો છેલ્લો દિવસ મંત્રાલયમાં રેગ્યલુર કામથી ભરેલો રહ્યો હતો. મંત્રાલયમાં તેઓ ૭ કલાક રહ્યા હતા અને એક પછી એક મીટિંગો કરી હતી. એમાં પોલીસની બાબતોનો રિવ્યુ, સ્ટેટ રેવન્યુનો રિવ્યુ, કૅબિનેટની બેઠક અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથેની બેઠકનો સમાવેશ થતો હતો.

મંત્રાલયની તેમની ઑફિસના સિનિયર અધિકારીના જણાવ્યા અનુસાર નિયમિતતા અને સમયના પાબંદ અજિત પવાર મંગળવારે સવારે ૮.૧૦ વાગ્યે મંત્રાલયમાં તેમની ડેપ્યુટી ચીફ મિનિસ્ટરની ઑફિસમાં આવી ગયા હતા. સવારના નવથી ૯.૩૦ વાગ્યા સુધી તેમણે પોલીસની બાબતો માટેની મીટિંગ કરી હતી. સાડાનવથી ૧૧ વાગ્યા દરમ્યાન તેમણે આ મહિનામાં આખા રાજ્યમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટને કેટલી આવક થઈ એની માહિતી લેવા મીટિંગ કરી હતી. આમ આખો દિવસ તેમનો રેગ્યુલર મીટિંગ્સ અને ફાઇલ ક્લિયર કરવામાં ગયો હતો. મંગળવારે ૩૦ જેટલી ફાઇલ તેમણે ક્લિયર કરી હતી.

અજિત પવારની ઑફિસના એક અધિકારીએ કહ્યું હતું કે છેલ્લા ૬ મહિનાથી આશ્રમ સ્કૂલના ટીચર્સની બાકી નીકળતી સૅલેરીની ૩૫૦ કરોડ રૂપિયાની ફાઇલ તેમણે વિગતો ચકાસીને ક્લિયર કરી હતી.

જોકે હંમેશાં લોકો, અધિકારીઓ અને ઑફિસરોથી ધમધમતો રહેતો હતો એ મંત્રાલયના છઠ્ઠા માળે આવેલી અજિત પવારની ઑફિસનો પરિસર બુધવારે ભેંકાર લાગી રહ્યો હતો. અજિત પવારના અકાળ નિધનના સમાચાર મળતાં જ મોટા ભાગના ઑફિસરો બારામતી જવા નીકળી ગયા હતા. જે થોડાઘણા કર્મચારીઓ ઑફિસમાં હતા તેઓ પણ એક રૂમમાં ટીવી સામે શોકમગ્ન બેસીને આખી ઘટના અને શું બન્યું એની વિગતો ન્યુઝ-ચૅનલ પર જોઈ રહ્યા હતા.

ajit pawar plane crash baramati celebrity death mantralaya nationalist congress party maharashtra maharashtra news mumbai mumbai news