પોલીસકર્મીઓ પરના હુમલાઓને સરકાર સાંખી નહીં લે : અજિત પવાર

27 March, 2020 11:13 AM IST  |  Mumbai | Agencies

પોલીસકર્મીઓ પરના હુમલાઓને સરકાર સાંખી નહીં લે : અજિત પવાર

અજિત પવાર

કોરોના વાઇરસના પ્રસારને રોકવા દિવસ-રાત કામ કરી રહેલા પોલીસ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ પરના હુમલાને સાંખી નહીં લેવાય એમ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે જણાવ્યું હતું. આવા હુમલો કરનારા દોષિતો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ અને શહેરના નાગરિકોએ સ્વશિસ્ત અને આત્મસંયમનું પાલન કરવું જોઈએ. અમેરિકામાં લૉકડાઉન લાગુ કરવા માટે લશ્કરની મદદ લેવી પડી એ ટાંકતાં તેમણે કહ્યું હતું કે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે ભારતમાં આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય. ૨૧ દિવસના લૉકડાઉનની જાહેરાત છતાં દૂધ, શાકભાજી, ફળો, દવાઓ, અનાજ અને રાંધણગૅસ જેવી આવશ્યક સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. જોકે બજારમાં એકઠી થતી ભીડ ચિંતાનો વિષય છે. બારામતી અને વાઈ શહેરની જેમ સ્થાનિક નાગરિક સંસ્થાઓએ લોકોને તેમના ઘરના દરવાજે જીવનાવશ્યક ચીજો મળી રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. એનજીઓએ વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ, ગરીબો તેમ જ ઘરવિહોણા લોકોને સહાય કરવી જોઈએ.

દૂધના વાહનમાં પ્રવાસ કરતા લોકો, પોલીસકર્મીઓને અડફેટમાં લેતાં વાહનો અને સફાઈ કર્મચારીઓ પર હુમલો કરનારા લોકો કોરોના વાઇરસ સામેની લડાઈમાં અડચણરૂપ છે એમ જણાવતાં અજિત પવારે વધુમાં ઉમેર્યું હતું કે લોકોએ પરિસ્થિતિની ગંભીરતાને સમજવી જોઈએ અને પોલીસ-કર્મચારીઓની સહાય કરવી જોઈએ. જનતા દ્વારા ચૂંટાઈ આવેલા પ્રતિનિધિઓ અને પત્રકારોએ ઑનલાઇન સંપર્ક કરી સુરક્ષિત રહેવું જોઈએ.

mumbai mumbai news ajit pawar coronavirus mumbai police