અજિત પવાર અને આદિત્ય ઠાકરેએ આપ્યો દેવેન્દ્ર ફડણવીસને જોરદાર ઝટકો

14 January, 2022 08:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ બૅન્કનું અધ્યક્ષપદ આંચકીને ભૂતપૂર્વ સીએમના અત્યંત વિશ્વાસુ પ્રવીણ દરેકર અને પ્રસાદ લાડને જબરદસ્ત રાજકીય પછડાટ આપી

દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈઃ મુંબઈ બૅન્કના અધ્યક્ષપદની ચૂંટણીમાં બીજેપીના પ્રસાદ લાડને હરાવી એનસીપીના ઉમેદવાર સિદ્ધાર્થ કાંબળેને જિતાડનાર શિવસેના અને એનસીપીએ રાજકીય અખાડામાં બીજેપીને જોરદાર ઝટકો આપ્યો છે એટલું જ નહીં, આમ કરી તેમણે પ્રવીણ દરેકરનો મુંબઈ બૅન્ક પર જે કન્ટ્રોલ હતો એના પર પણ તરાપ મારી છે. આદિત્ય ઠાકરેએ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાથે મળીને આ ચૂંટણીમાં જાતે રસ લઈ બીજેપીને પછડાટ આપી હતી. એનસીપીના સિદ્ધાર્થ કાંબળેને ૧૧ મત મળ્યા હતા, જ્યારે પ્રસાદ લાડને ૯ મત મળ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસના એકદમ વિશ્વાસુ પ્રવીણ દરેકર અને પ્રસાદ લાડ માટે આ પ્રતિષ્ઠાની લડાઈ હતી, પણ એમાં અધ્યક્ષપદ જતું રહેતાં બીજેપીને મોટો ફટકો પડ્યો છે. એવું કહેવાય છે કે પ્રવીણ દરેકરને પહેલેથી જ અંદાજ આવી ગયો હતો કે શિવસેના-રાષ્ટ્રવાદીના ૧૧ મતની સામે તેમની પાસે ૯ મત જ હોવાથી અધ્યક્ષપદે ચૂંટાવું શક્ય નથી અને એટલે જ તેમણે પોતાની જગ્યાએ પ્રસાદ લાડને ઊભા કર્યા હતા.
મુંબઈ બૅન્કના અધ્યક્ષની ચૂંટણી પહેલાં આદિત્ય ઠાકરેએ અને અજિત પવારે  શિવસેના અને એનસીપીના સંચાલકોની એક બેઠક બોલાવી હતી. એ બેઠકમાં પ્રવીણ દરેકર અને બીજેપીનું વર્ચસ્વ તોડી પાડવાની રણનીતિ ઘડાઈ હતી અને એના આધારે જ એનસીપીના સિદ્ધાર્થ કાંબળેની જીત નિશ્ચિત થઈ હતી. જોકે એક વર્ષ પછી અધ્યક્ષપદ શિવસેનાને સોંપવામાં આવશે. 
બીજી બાજુ ઉપાધ્યક્ષના બન્ને ઉમેદવારો શિવસેનાના અભિષેક ઘોસાળકર અને બીજેપીના વિઠ્ઠલ ભોસલેને સરખા મત મળ્યા હતા. એ પછી ચિઠ્ઠી નાખવામાં આવી હતી અને એમાં વિઠ્ઠલ ભોસેલનું નામ નીકળ્યું હતું. ઉપાધ્યક્ષની ચૂંટણીમાં શિવસેના-રાષ્ટ્રવાદીનો એક મત ફૂટ્યો હતો.
પ્રવીણ દરેકરે આ વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘બીજેપી પાસે ૧૦ મત હતા, પણ વિષ્ણુ ગમરે ફૂટી ગયા અને એથી મહા વિકાસ અઘાડીને ૧૧ મત મળ્યા હતા. આ ચૂંટણી જીતવા રાજ્ય સરકારે દબાણ કર્યું હતું. મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને જાતે દબાણ કર્યું હતું, સત્તાનો દુરુપયોગ કરી મહા વિકાસ આઘાડીએ આ ચૂંટણી જીતી છે.’ 

mumbai mumbai news