ઍરપોર્ટ સુધી મેટ્રોના રૂટને પહેલાં ખુલ્લો મૂકી દેવાશે?

12 October, 2012 07:28 AM IST  | 

ઍરપોર્ટ સુધી મેટ્રોના રૂટને પહેલાં ખુલ્લો મૂકી દેવાશે?



મુંબઈ મેટ્રોનો પહેલો રૂટ વર્સોવાથી અંધેરી રેલવેસ્ટેશન લઈને ઘાટકોપર સુધીનો છે, પરંતુ ઘણા વિલંબમાં પડી ચૂકેલા આ પ્રોજેક્ટને ઝડપથી શરૂ કરાવવા માટે ઘાટકોપર સુધીના પૂરા રૂટને બદલે વર્સોવાથી સહાર ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ સુધીનો જ રૂટ ૨૦૧૩ના મધ્ય સુધીમાં શરૂ કરી શકાય તો એટલો પટ્ટો એક વખત ચાલુ કરી દેવાની વિચારણા એમએમઆરડીએ કરી રહી છે. નિર્માણને લગતાં કેટલાંક અવરોધને લીધે મેટ્રોને તબક્કાવાર શરૂ કરવાનું એમએમઆરડીએ વિચારી રહી છે. એમએમઆરડીએના કમિશનર રાહુલ અસ્થાનાએ જણાવ્યું હતું કે ‘અસલ્ફા સ્ટેશન નજીક નિર્માણ કરવાના મામલે કેટલાક વાંધાઓ છે. પરિણામે કદાચ એવું બને કે અમે મેટ્રો લાઇનને તબક્કાવાર શરૂ કરીએ. ૨૦૧૩ની મધ્ય સુધીમાં વર્સોવા તથા ઍરપોર્ટ રોડ વચ્ચેની લાઇન શરૂ થાય એવો પ્રયાસ અમે કરી રહ્યા છીએ.’

એમએમઆરડીએની નજીકની વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘સુભાષનગર સ્ટેશનનું કામકાજ ઘોંચમાં પડ્યું છે, કારણ કે હજી તો થાંભલાઓ પણ ભા નથી થયા. એની નજીકમાં આવેલા મહેશ્વર મંદિરને કારણે વિલંબ થઈ રહ્યો છે.’

૧૧.૦૭ કિલોમીટર લાંબા મેટ્રો કૉરિડોરની ઘણી ડેડલાઇન એમએમઆરડીએ તથા મુંબઈ મેટ્રો વન પ્રાઇવેટ લિમિટેડ (એમએમઓપીએલ) અગાઉ આપી ચૂકી છે. અંધેરીના રેલવે-ટ્રૅક નજીક આવેલા એક ધાર્મિક સ્થળને હટાવવાના મુદ્દાને એમએમઆરડીએ દ્વારા સફળતાપૂર્વક હલ કરવામાં આવ્યો હતો. અત્યારે દાદાભાઈ નવરોજી નગર ડેપોનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ડેડલાઇન પહેલાં કામ થાય એ માટે એ ઘણું જ અગત્યનું છે.

એમએમઆરડીએ = મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી.

- રણજિત જાધવ