સાળી સાથેના ઝઘડામાં માસાએ ભાણીની હત્યા કરી નાખી

04 July, 2015 04:35 AM IST  | 

સાળી સાથેના ઝઘડામાં માસાએ ભાણીની હત્યા કરી નાખી



રેસ્ટ ઇન પીસ : ગઈ કાલે ફ્રાન્શેલા વાઝની ક્લાસમેટ્સે સ્કૂલમાં ક્લાસના ર્બોડ પર તેમની દોસ્તને શ્રદ્ધાંજલિ આપી હતી અને આરોપી ક્લૅરેન્સ (ઇન્સેટ).


સાગર રાજપૂત

ઐરોલીની આઠ વર્ષની બાળકી ફ્રાન્શેલા વાઝનો મૃતદેહ ભાઈંદરના જંગલમાંથી મળી આવ્યા પછી નવી મુંબઈ પોલીસે અપહરણ અને હત્યાના ગુનાસર તેના માસા ક્લૅરેન્સ ફ્રાન્સેકાની ધરપકડ કરી છે. બાળકીની મમ્મી પ્રત્યેના રોષની લાગણીને કારણે તેને દુ:ખી કરવાના ઇરાદાથી ક્લૅરેન્સે અપહરણ બાદ બાળકીનું ગળું દાબીને તેની હત્યાનું કૃત્ય આચર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. ક્લૅરેન્સને ગઈ કાલે ર્કોટમાં રજૂ કરવામાં આવતાં મૅજિસ્ટ્રેટે તેને પોલીસ-કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.

નવી મુંબઈ પોલીસે ક્લૅરેન્સને શંકા પરથી પોલીસ-સ્ટેશનમાં બોલાવ્યો હતો અને પૂછપરછ દરમ્યાન ક્લૅરેન્સે ગુનો કબૂલ કર્યો હતો. ત્યાર પછી તેણે જ્યાં બાળકી ફ્રાન્શેલાનો મૃતદેહ ફેંક્યો હતો એ ઘોડબંદર રોડ પરના સ્થળે તે પોલીસને લઈ ગયો હતો. બાળકીની ઓળખ છતી ન થાય એ માટે તેણે ફ્રાન્શેલાનાં કપડાં ઉતારીને ઝાડીમાં નાખી દીધાં હતાં.

ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ શહાજી ઉમપે આ કેસ વિશે જણાવ્યું હતું કે ‘સોમવારે ક્લૅરેન્સ બાળકીના ઘર પાસે જઈને ફ્રાન્શેલા સ્કૂલથી પાછી આવે એની રાહ જોતો ઊભો રહ્યો હતો. ફ્રાન્શેલા સ્કૂલથી આવી એટલે તેને મમ્મી શેલી મીરા રોડના ઘરે હોવાનું કહીને પોતાની સાથે લઈ ગયો હતો. આરોપીને ખબર હતી કે શેલી બીમાર હોવાથી ફ્રાન્શેલા સ્કૂલમાંથી છૂટે ત્યારે તેને લેવા માટે બહાર નીકળતી નહોતી. એ સ્થિતિનો લાભ ઉઠાવતાં તે બાળકીને લઈ જવામાં સફળ થયો હતો. ક્લૅરેન્સ સોમવારે સાંજે ૬.૦૩ વાગ્યે ફ્રાન્શેલાને પિક-અપ કરીને કારમાં લઈ ગયો હતો. તે બાળકીને લઈ ગયો હોવાનું ઐરોલી ટોલનાકાના સાંજે ૬.૧૩ વાગ્યાના ઘ્ઘ્વ્સ્ ફુટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે.’

આરોપી ક્લૅરેન્સે કબૂલાતમાં જણાવ્યું હતું કે બાળકીને પિક-અપ કર્યા બાદ તરત તે ઘોડબંદર રોડ પર લઈ ગયો હતો અને એકાંતના સ્થળે તેનું ગળું દાબીને હત્યા કરી હતી. બાળકીને મારી નાખ્યા બાદ ક્લૅરેન્સ તેની પત્ની અને ત્રણ બાળકોને લઈને શેલીને સાંત્વન આપવા માટે તેના ઘરે પણ ગયો હતો.

ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ શહાજીએ આ કેસ વિશે વધુમાં જણાવ્યું હતું કે ‘આરોપી તેની બૅગ ઘટનાસ્થળે ભૂલી ગયો હોવાથી તેના ફ્રેન્ડ નાવેદ સાથે ત્યાં પહોંચ્યો હતો. એથી તે તેના મીરા રોડના ઘરે સોમવારે રાતે અગિયાર વાગ્યે પહોંચ્યો હતો. ઘરે પહોંચ્યા બાદ તે તેના પરિવાર સાથે ફ્રાન્શેલાના ઘરે ગયો હતો.

શહાજી ઉમપે હત્યાના કારણ વિશે જણાવ્યું હતું કે ‘ત્રણ મહિના પહેલાં ક્લૅરેન્સ અને ફ્રાન્શેલાની ફૅમિલી એક સામાજિક કાર્યક્રમમાં મળી ત્યારે બન્ને ફૅમિલી ઝઘડી હતી. એ ઝઘડા દરમ્યાન ફ્રાન્શેલાની મમ્મી શેલીએ ક્લૅરેન્સને દરિયામાં ડૂબીને મરી જવા કહ્યું હતું. એ વખતથી ક્લૅરેન્સે શેલીને પાઠ ભણાવવાનો નિર્ધાર કર્યો હતો. એથી તે ત્રણ મહિનાથી ફ્રાન્શેલાને ખતમ કરવાની તક શોધતો હતો.