થોડા હૈ, થોડે કી ઝરૂરત હૈ

23 January, 2023 07:10 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો અને પવનની દિશા બદલાઈ હોવાથી હવાની ગુણવત્તામાં સુધારો થયો છે

થોડા હૈ, થોડે કી ઝરૂરત હૈ

છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો અને પવનની દિશા બદલાઈ હોવાથી હવાની ગુણવત્તામાં સુધારો થયો છે, પણ એક્સપર્ટ્‍સનું કહેવું છે કે જો મુંબઈને દિલ્હી ન બનાવવું હોય તો વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગની સાથે નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલી રહેલું કન્સ્ટ્રક્શન અટકાવવું જોઈએ અને ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટનો યોગ્ય નિકાલ થવો જોઈએ

મુંબઈ : મુંબઈમાં શુક્રવારે હવાની ગુણવત્તા જે બહુ જ ખરાબ હતી એમાં શનિ–રવિમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. એક્સપર્ટ્સના કહેવા અનુસાર હાલ વધતા જતા ટેમ્પરેચરને લીધે અને પવનોની દિશા બદલાઈ હોવાથી આ સુધારો જોવા મળ્યો છે જે ટેમ્પરરી કહી શકાય, પણ જો મુંબઈગરાએ ખરેખર સ્વચ્છ હવા જોઈતી હોય તો એ માટે કેટલાંક પગલાં લેવાં પડે એમ છે અને શરૂઆત તો પોતાનાથી જ કરવી પડશે.

શુક્રવારે મુંબઈનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) ૩૦૩ (અતિ પ્રદૂષિત) હતો એમાં શનિવારે ઘટાડો નોંધાયો હતો અને એ ૨૪૦ હોવા છતાં પ્રદૂષિતની કૅટેગરીમાં આવે છે, જ્યારે રવિવારે નોંધાયેલો એક્યુઆઇ ૧૫૪ પુઅર કૅટેગરીમાં આવે છે. આ સુધારો નોંધાયો એ સારી જ વાત છે. જોકે જાણકારોના મતે ‘મુંબઈગરાઓએ પોતાના માટે તો ખરું જ અને આવનારી પેઢી માટે પણ મુંબઈ રહેવા જેવું રાખવું હોય તો હવા ઓછી પ્રદૂષિત થાય એ માટે પોતે જ પહેલ કરવી પડશે. અફકોર્સ, બીએમસી કે પ્રશાસન એ માટે પ્રયાસ કરે જ છે, પણ લોકોએ પોતે એ માટે આગળ આવવું પડશે અને પોતાનો અપ્રોચ અને ઍટિટ્યુડ બદલવો પડશે તથા સંયુક્ત પ્રયાસ કરવા પડશે જેથી ધીમે-ધીમે પણ સુધારો અવશ્ય થશે અને એનો ફાયદો બધાને થશે.’

મુંબઈની હવા શા કારણે વધુ પ્રદૂષિત થાય છે અને એ પ્રદૂષણ ઓછું કરવા શું કરી શકાય એ જણાવતાં સરકારી યંત્રણાઓ સાથે મળીને કામ કરતા એનજીઓ વાતાવરણના ફાઉન્ડર ભગવાન કેસભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં હવાનું પ્રદૂષણ થવા પાછળનાં જે બે-ત્રણ મુખ્ય પરિબળો છે એમાં પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ, કન્સ્ટ્રક્શન ઍક્ટિવિટી અને ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન મુખ્ય છે. હાલ રોડ પર જે ટ્રાફિક છે એને કારણે બહુ જ પ્રદૂષણ થાય છે. એથી જો વધુ ને વધુ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તો ઘણો ફાયદો થઈ શકે. હવે તો મેટ્રો પણ ચાલુ થઈ છે એટલે ટ્રેન, બસ કે મેટ્રોનો વધુમાં વધુ ઉપયોગ કરાય તો રોડ પર એટલાં પ્રાઇવેટ વાહનો ઓછાં આવે અને પ્રદૂષણ ઘટે. બીજું, હવે લોકો ચાલવાનું ઓછું કરી રહ્યા છે. જો નાકા પર પણ જવું હોય તો તરત જ સ્કૂટી કાઢે છે. એના કરતાં ચાલતા જાય. એકાદ–બે કિલોમીટર સહેલાઈથી ચાલતા જઈ શકાય છે અને એ માટે વાહન કાઢવાની કે રિક્ષાની જરૂર નથી હોતી. વળી સાઇક્લિંગ પણ એક સારો ઑપ્શન છે. બીજુ, મુંબઈમાં રીડેવલપમેન્ટ અને અન્ય બાંધકામોને કારણે વાતાવરણમાં બહુ જ ધૂળ પ્રસરે છે. અફકોર્સ, એના પર કન્ટ્રોલ રાખવા સરકારી નિયમો છે જ. જેમ કે કન્સ્ટ્ર્ક્શન-સાઇટ પર ધૂળ વધારે ન ઊડે એ માટે ત્યાં જ પગલાં લેવાનાં હોય છે. જોકે એ નિયમોનું પાલન થાય જ છે એવું નથી. એટલે સરકારે એ પૉલિસીઓ અને નિયમો યોગ્ય રીતે પળાય એ માટે ધ્યાન આપવું રહ્યું અને યંત્રણા વધુ સ્ટ્રિક્ટ કરવી રહી. ત્રીજું, ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટ છે એનો પણ ઍટ સોર્સ જ નિકાલ કરાય એ જોવાની જવાબદારી તેમની છે, પણ ઇન્ડસ્ટ્રિયલિસ્ટો દ્વારા થોડોઘણો પ્રૉફિટ જતો કરીને પણ એ માટે ખર્ચ કરાય એ જરૂરી છે. વેપારીઓ કે સામાન્ય મુંબઈગરાએ પણ પોતાનો અભિગમ આ બાબતે થોડો બદલવો પડશે અને પોતાના તરફથી જે થઈ શકે એની શરૂઆત કરવી પડશે. જો બધા જ આ રીતે થોડી-થોડી હેલ્પ કરશે તો અફકોર્સ થોડી વાર લાગશે, પણ મુંબઈ સ્વચ્છ થશે અને રહેશે એમાં કોઈ શક નથી.’

303
શુક્રવારે મુંબઈનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) આટલો (અતિ પ્રદૂષિત) હતો એમાં શનિવારે ઘટાડો નોંધાયો હતો અને એ ૨૪૦ હોવા છતાં પ્રદૂષિતની કૅટેગરીમાં આવે છે

mumbai mumbai news air pollution