ન્યુ યર સેલિબ્રેશન ઇફેક્ટ : મુંબઈથી લંડન ૪૬ હજાર, મુંબઈથી ગોવા ૭૦ હજાર

23 December, 2011 03:56 AM IST  | 

ન્યુ યર સેલિબ્રેશન ઇફેક્ટ : મુંબઈથી લંડન ૪૬ હજાર, મુંબઈથી ગોવા ૭૦ હજાર

 

 

બિપિનકુમાર સિંહ

મુંબઈ, તા. ૨૩
આ ભાવ ટ્રાવેલ બુકિંગ વેબસાઇટ મેકમાયટ્રિપ પર ઍર ઇન્ડિયાનો છે. ૨૮ ડિસેમ્બર તથા ૧ જાન્યુઆરીના રોજ મુંબઈ-ગોવા રિટર્ન ટિકિટનો દર ૬૯,૧૯૨ રૂપિયા હતો. ઍર ઇન્ડિયાના આ જ સેક્ટરમાં અન્ય ડઝનેક ફ્લાઇટની ટિકિટનો ભાવ પણ ૫૦,૦૦૦થી ૬૮,૦૦૦ રૂપિયા હતો. આની સરખામણીમાં વિદેશની વિમાનયાત્રાની ટિકિટના ભાવો ઘણા જ ઓછા હતા. મુંબઈ-બૅન્ગકૉકની એ જ દિવસની ટિકિટના ભાવો ૩૪,૭૫૬ રૂપિયા, મુંબઈ-લંડનના ૪૫,૮૭૦ રૂપિયા, મુંબઈ-દુબઈના ૩૭,૫૬૨ રૂપિયા તથા મુંબઈ-ક્વાલા લમ્પુરના ૪૯,૯૪૧ રૂપિયા હતા.

જોકે બીજી ઍરલાઇન્સ પણ ટિકિટ વધારવાની રેસમાં ઍર ઇન્ડિયા કરતાં બહુ પાછળ નહોતી. આ વિશે ઍર-ઇન્ડિયાના કમર્શિયલ ડિપાર્ટમેન્ટના સિનિયર અધિકારીઓએ કહ્યું હતું કે આટલા ઊંચા દરની ટિકિટ હશે એ વાત તેઓ માનવા તૈયાર નથી. આનો જવાબ તો વેબસાઇટના સંચાલકો જ સારી રીતે આપી શકે એમ છે. આ વિશે યુનિયન સિવિલ એવિયેશન સેક્રેટરી નસીમ ઝૈદીએ કહ્યું હતું કે ટિકિટના ભાવના ઉતાર-ચડાવ વિશે ઍર-ઇન્ડિયાના ચીફ મૅનેજિંગ ડિરેક્ટર સાથે વાત કરે. જોકે તેમનો સંપર્ક નહોતો થઈ શક્યો.

મેકમાયટ્રિપના સીઓઓ (ચીફ ઑપરેટિંગ ઑફિસર) કેયૂર જોશીએ કહ્યું હતું કે માર્કેટમાં ડિમાન્ડ વધી જતાં ડાયનેમિક ઍર-ફેરને કારણે આમ થયું હોવાનું માનવામાં આવે છે. જે લોકોએ પોતાની ટિકિટ અગાઉથી બુક કરાવી હશે તેમને ફાયદો છે, પરંતુ છેલ્લી ઘડીએ યોજના બનાવનારાઓ માટે ટિકિટના દરમાં થયેલો વધારો ચિંતાજનક છે.