ઍર ઇન્ડિયાના રેઢિયાળ તંત્રથી દોઢસો પ્રવાસીઓ રાતભર ને સવાર સુધી રઝળ્યા

09 November, 2014 06:02 AM IST  | 

ઍર ઇન્ડિયાના રેઢિયાળ તંત્રથી દોઢસો પ્રવાસીઓ રાતભર ને સવાર સુધી રઝળ્યા




શુક્રવારની રાતથી લઈ શનિવારની સવાર સુધી દોઢસો પ્રવાસીઓ મુંબઈ ઍરર્પોટ પર ઍર ઇન્ડિયાના રેઢિયાળ તંત્રની હાલાકીનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. શુક્રવાર મધરાત બાદ દોઢ વાગ્યાની અમેરિકા જવા માટેની ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર થવા પ્રવાસીઓ ગુરુવારે રાત્રે દસ વાગ્યાથી જ ચેકઇન માટે ઍરર્પોટ પર આવવા લાગ્યા હતા અને સિક્યૉરિટી, ઇમિગ્રેશન જેવા ચેકિંગ બાદ રાતે સાડાબારે પ્રવાસીઓ ગેટ સુધી પહોંચ્યા હતા. અમેરિકાના નેવાર્ક સુધી જવાની આ ફ્લાઇટ હતી.

લીલાવતી હૉસ્પિટલના કન્સલ્ટન્ટ નેફ્રોલૉજિસ્ટ ડૉ. અરુણ શાહ પણ આ ફ્લાઇટના એક પ્રવાસી હતા. બારેક કલાકની હાલાકી વિશે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાત તેમ જ આંધ્ર પ્રદેશ સહિત દેશના ખૂણે-ખૂણેથી આ વિમાનમાં પ્રવાસ કરનારા આબાલવૃદ્ધ મળી લગભગ દોઢસો પ્રવાસીઓ એક વાગ્યે પ્લેનમાં બેસી ગયા હતા અને દોઢ વાગ્યે પ્લેનના દરવાજા બંધ થવાની સૂચના પણ અપાઈ હતી. જોકે અચાનક દસ મિનિટ પછી સૂચના કાને અથડાઈ હતી કે માઇનર ટેક્નિકલ ખામીના કારણે પ્લેન થોડું મોડું ઉડાણ ભરશે. ત્યાર બાદ એકાદ કલાક સુધી કોઈ જ સૂચના આપવામાં આવી નહોતી. દોઢેક કલાક બાદ ફરીથી અનાઉન્સમેન્ટ થઈ હતી કે ટેક્નિકલ ખામીના કારણે કદાચ બીજા વિમાનની વ્યવસ્થા કરાશે માટે તૈયાર રહેજો. ત્યાર બાદ બે કલાક સુધી ક્રૂ-મેમ્બર્સે કોઈ જ સૂચના આપી નહોતી.’

કુલ ચારેક કલાક વિમાનમાં અધ્ધર જીવે બેસી રહ્યા બાદ શનિવારે પરોઢિયે સાડા પાંચ વાગ્યે કોઈ પણ કારણ આપ્યા વગર જ તમામ પ્રવાસીઓને હૅન્ડ-બૅગેજ સાથે વિમાનમાંથી ઊતરી જવાનું કહેવાયું હતું. આ સમયે વિમાનના દરવાજા સહિત ક્યાંય ક્રૂ-મેમ્બર્સ હતા જ નહીં. ક્રૂ-મેમ્બર્સ અને ઍર-હૉસ્ટેસ જહાજમાંથી ઉંદરની જેમ ક્યાંક સરકી ગયા હતા એવો આક્ષેપ ડૉ. અરુણ શાહે કર્યો  હતો.’

સિકયૉરિટીના માણસો પણ ઉદ્ધતાઈપૂર્વક વર્તતા હતા એવું જણાવતાં ડૉ. અરુણે કહ્યું હતું કે ‘આટલું ઓછું હોય એમ સવારે સાડાપાંચથી આઠ વાગ્યા સુધી ઇમિગ્રેશન એરિયામાં પણ ઍર ઇન્ડિયાનો કોઈ જ સ્ટાફ હાજર નહોતો અને પ્રવાસીઓમાં ઉકળાટ અને ગુસ્સો વધતો જતો હતો. દરમ્યાન ત્યાં હાજર સિક્યૉરિટી સહિતના ઍરર્પોટના સ્ટાફે પણ પ્રવાસીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. આખરે સવારે આઠ વાગ્યે ઍર ઇન્ડિયાએ જાહેર કર્યું હતું કે પૂઅર પૅસેન્જર લોડ (અપૂરતા પ્રવાસીઓ)ના કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે અને તમામ પ્રવાસીઓને નવ નવેમ્બરની આ ફ્લાઇટના બોર્ડિંગ પાસ આપવામાં આવ્યા હતા.’

શનિવાર મધરાત પછીની દોઢ વાગ્યાની ફ્લાઇટમાં અમેરિકા જવા માટે ગઈ કાલે સાંજે ઘરેથી નીકળતી વખતે ડૉ. અરુણ શાહે ‘મિડ-ડે’ને ફોન પર જણાવ્યું હતું કે ‘અમે તો રાત્રે સમયસર ઍરર્પોટ પર પહોંચી જઈશું, પરંતુ અમારી ફ્લાઇટનું સ્ટેટસ શું છે એની હજી સુધી કોઈ સૂચના આપવાની તસ્દી ઍર ઇન્ડિયાએ લીધી નથી. નૅશનલ ઍરલાઇનના આવા રેઢિયાળ તંત્રથી મારા સહિતના તમામ પ્રવાસીઓની લાગણી ઘવાઈ છે. એની ભરપાઈ કોણ કરશે?’