16 June, 2025 11:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનાના સ્મગલિંગ
ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર સોનાના સ્મગલિંગના રૅકેટમાં સંડોવાયેલા ઍર ઇન્ડિયાના ક્રૂ-મેમ્બર સહિત કુલ બે જણની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ૧.૪૧ કરોડ રૂપિયાનું દાણચોરીનું સોનું જપ્ત કર્યું છે.
DRIને પાકી માહિતી મળી હતી કે ઍરપોર્ટ પર યુનાઇટેડ સ્ટેટ્સ (US)થી દાણચોરીનું સોનું આવે છે અને એમાં ઍરપોર્ટનો જ કોઈ સ્ટાફ સંકળાયેલો છે. એથી DRIએ વૉચ રાખી હતી. શુક્રવારે તેમણે ન્યુ યૉર્કથી આવેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI-116 પર નજર રાખી હતી.
એ પછી ક્રૂ-મેમ્બરોની તલાશી લેતાં તેમની પાસેથી કશું મળી નહોતું આવ્યું. એે પછી તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને આખરે સોનાની દાણચોરીમાં સંડોવાયેલા ક્રૂ-મેમ્બર ગિરીશ પિંપળેએ કહ્યું હતું કે તેણે દાણચોરીના સોનાનું પૅકેટ લગેજ એરિયામાં છુપાવ્યું છે. તેણે ડક્ટ ટેપમાં USના સોનાનાં બિસ્કિટ વીંટાળી એક પાઉચમાં મૂકી એ પાઉચ લગેજ એરિયામાં સંતાડ્યું હતું. એ પાઉચ આખરે શોધી કાઢવામાં આવ્યું હતું. એમાં ૧.૪૧ કરોડની કિંમતના ૧૩૭૩ ગ્રામ સોનાનાં બિસ્કિટ મળી આવ્યાં હતાં. ઍર ઇન્ડિયાના ક્રૂ-મેમ્બરે તેણે દાણચોરી કરી હોવાનું કબૂલ્યું હતું એટલું જ નહીં, આ પહેલાં પણ આ રીતે સોનાની દાણચોરી કરી હોવાનું DRIના ઑફિસરોને જણાવ્યું હતું અને કહ્યું હતું કે તે આ સોનાની દાણચોરીનું કામ રાકેશ રાઠોડના કહેવાથી કરતો હતો. એથી રાકેશ રાઠોડની પણ ધરપકડ કરાઈ હતી.
પ્રત્યેક કિલોએ બે લાખ રૂપિયા
તપાસમાં જણાઈ આવ્યું હતું કે રાકેશ રાઠોડ દર એક કિલો સોનાની દાણચોરી માટે ગિરીશ પિંપળેને બે લાખ રૂપિયા આપતો હતો. તે દાણચોરીના પૈસાની લેતી-દેતી માટે હવાલાથી પૈસા ટ્રાન્સફર કરાવતો હતો. તેણે થોડા સમય પહેલાં જ USમાંથી દાણચોરીનું સોનું મેળવવા ૧,૫૦,૦૦૦ US ડૉલરનું પેમેન્ટ કર્યું હતું અને પિંપળે પાસેથી બે વખત દાણચોરીનું સોનું મેળવ્યું હતું. રાકેશ રાઠોડ ૨૦૨૨માં પણ સોનાની દાણચોરીના કેસમાં પકડાયો હતો. હવે તેની સામે વધુ ઝીણવટથી તપાસ કરવામાં આવશે એમ DRIએ જણાવ્યું હતું.