મુંબઈ-અમદાવાદ વચ્ચે એસી ડબલ ડેકર : બુધવારે ઉદ્ઘાટન, પણ શુક્રવારથી નિયમિત સર્વિસ

16 September, 2012 06:58 AM IST  | 

મુંબઈ-અમદાવાદ વચ્ચે એસી ડબલ ડેકર : બુધવારે ઉદ્ઘાટન, પણ શુક્રવારથી નિયમિત સર્વિસ



મુંબઈ અને અમદાવાદ વચ્ચે એસી ડબલ ડેકર ટ્રેનસર્વિસ હવે શુક્રવારથી નિયમિત શરૂ થવાની છે, પણ એનું ઉદ્ઘાટન ગણેશચતુર્થીના દિવસે થશે. બુધવારે સાંજે ચાર વાગ્યે રેલવે ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન ભરતસિંહ સોલંકી અમદાવાદમાં આ ટ્રેનને લીલી ઝંડી બતાવીને એને વિદાય આપશે. આ ટ્રેન રાત્રે ૧૧ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ આવી પહોંચશે.

આ ટ્રેન શરૂ થતાં સવારે અમદાવાદથી મુંબઈ આવનારા લોકોને ઘણી રાહત થશે, કારણ કે અમદાવાદથી મુંબઈ આવવા માટે આ એસી ડબલ ડેકર સાથે કર્ણાવતી એક્સપ્રેસ અને ગુજરાત એક્સપ્રેસ એમ ત્રણ ટ્રેન ઉપલબ્ધ થશે. રાત્રે જો કોઈ ટ્રેનમાં રિઝર્વેશન નહીં મળે તો પણ હવે આ ટ્રેનમાં સીટ મળી જવાની આશા રહેશે.

આ ટ્રેન અમદાવાદથી સવારે છ વાગ્યે ઊપડીને બપોરે ૧.૦૫ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ આવશે અને બપોરે ૨.૨૦ વાગ્યે મુંબઈથી ઊપડીને રાત્રે સાડાનવ વાગ્યે અમદાવાદ પહોંચશે. બન્ને દિશામાં આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા અને આણંદ ઊભી રહેશે.

આ ટ્રેનમાં શરૂમાં નવ કોચ ઉપલબ્ધ થશે, જેમાં સાત કોચ ડબલ ડેકર હશે. એક ડબલ ડેકર કોચમાં ૧૨૮ પૅસેન્જર બેસી શકશે. એમાં મનોરંજન માટે એલસીડી સ્ક્રીન ઉપલબ્ધ થશે જેમાં જાહેરાતો પણ દર્શાવવામાં આવશે. આ ટ્રેન ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતી હોવાથી એમાં આ બન્ને રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતસમા કાર્યક્રમો પણ દર્શાવવામાં આવશે. દરેક કોચમાં એક મિની પૅન્ટ્રી કાર રહેશે અને ફ્રિજ સાથે માઇક્રોવેવ અવન પણ મૂકવામાં આવશે. રેલવેના અધિકારીઓ ટ્રેનમાં સર્વ કરવામાં આવનારા સ્નૅક્સ વિશે એકાદ દિવસમાં અંતિમ નિર્ણય લેશે. પૅસેન્જરોની સલામતી માટે પણ આ ટ્રેનમાં ઘણી વ્યવસ્થા કરવામાં આવી છે. ઑટોમૅટિક દરવાજા ઉપરાંત ફાયર-એક્સ્ટિંગ્વિશર દરેક દરવાજા પાસે મૂકવામાં આવ્યાં છે અને એમાં ઇમર્જન્સીમાં બહાર નીકળવા આઠ દરવાજા છે.

મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચેનું ભાડું આશરે ૪૭૧ રૂપિયા રહેશે. આ ઉપરાંત મુંબઈ-સુરત માટે ૩૧૮, મુંબઈ-ભરૂચ માટે ૩૬૧ અને મુંબઈ-વડોદરા માટે ૪૧૬ રૂપિયા ચૂકવવા પડશે.

આ ટ્રેન શરૂ થતાં અમદાવાદ અને મુંબઈ વચ્ચેના ૪૯૩ કિલોમીટરના અંતરને ઝડપથી કાપનારી ત્રણ ફાસ્ટ ટ્રેનોમાં એનો સમાવેશ થશે. શતાબ્દી એક્સપ્રેસ આ અંતર ૬ કલાક ૪૫ મિનિટમાં પાર કરે છે અને કર્ણાવતી એક્સપ્રેસ આ માટે ૭ કલાક ૪૫ મિનિટ લે છે. એસી ડબલ ડેકર આ અંતર માટે આશરે ૭ કલાક લેશે.

એસી = ઍર-કન્ડિશન્ડ, એલસીડી = લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે