જે. ડે મર્ડરકેસ : અમદાવાદમાં પત્રકારો અને બે પોલીસ-કર્મચારીઓની પૂછપરછ

09 December, 2011 08:35 AM IST  | 

જે. ડે મર્ડરકેસ : અમદાવાદમાં પત્રકારો અને બે પોલીસ-કર્મચારીઓની પૂછપરછ



જે. ડે મર્ડરકેસમાં પકડાયેલી પત્રકાર જિજ્ઞા વોરાના કૉલ-રેકોર્ડ્સની તપાસ દરમ્યાન તે અમદાવાદમાં બે પોલીસ-કર્મચારીઓ અને કેટલાક પત્રકારો સાથે સતત સંપર્કમાં હોવાનું જણાઈ આવ્યું હોવાથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરો અમદાવાદ ગયા હતા અને છેલ્લા ૩-૪ દિવસથી પૂછપરછ કરી રહ્યા હતા. પહેલાં મુંબઈમાં કાર્યરત હતો અને હાલમાં જ અમદાવાદ સ્થાયી થયેલા એક પત્રકારનો નંબર જિજ્ઞાના મોબાઇલ-રેકૉર્ડમાં મળી આવ્યો હતો તેની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જે. ડેની હત્યા ૧૧ જૂને પવઈમાં માફિયા ડૉન છોટા રાજન ગૅન્ગના શૂટરોએ ગોળી મારીને કરી હતી. આ કેસમાં ૧૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં જિજ્ઞા વોરાનો પણ સમાવેશ છે. જિજ્ઞા વોરા પર આરોપ છે કે તેણે જે. ડેના ઘરનું ઍડ્રેસ, ઑફિસ-ઍડ્રેસ, બાઇકના નંબર જેવી દરેક માહિતી છોટા રાજનને પહોંચાડી હતી.