બીજેપીએ ફરી એક વાર મુંબઈની કમાન સોંપી આશિષ શેલારને

13 August, 2022 11:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૭માં તેમની અધ્યક્ષતામાં પાર્ટી ૩૧ બેઠક પરથી ૮૪ સુધી પહોંચી શકી હતી. હવે ૨૫ વર્ષથી સુધરાઈ પર રાજ કરી રહેલી શિવસેનાને ‘તડીપાર’ કરવાની છે મહlત્ત્વાકાંક્ષા

ફાઇલ તસવીર

બીજેપીની કાર્યકારિણીએ ગઈ કાલે મુંબઈના વિધાનસભ્ય આશિષ શેલારની બીજેપીના મુંબઈ અધ્યક્ષપદે નિયુક્તિ કરી હતી. મુંબઈની કમાન હાથમાં આવતાંવેંત જ આશિષ શેલારે ગઈ કાલે શિવસેના પર પ્રહાર કર્યો હતા. તેમણે કહ્યું હતું કે ‘પચીસ વર્ષમાં શિવસેનાએ કૉન્ટ્રૅક્ટરોને પોષવાનું જ કામ કર્યું છે. આગામી ચૂંટણીમાં મુંબઈમાંથી શિવસેનાને તડીપાર કરીશું અને મુંબઈ બીએમસીમાં સત્તા મેળવ્યા બાદ મુંબઈગરાઓના સપનામાં જે શહેર છે એવું શહેર અમે સત્તામાં આવ્યા બાદ બનાવીશું.’

બીજી વખત મુંબઈ બીજેપીના અધ્યક્ષપદે નિયુક્ત થયા બાદ ગઈ કાલે આશિષ શેલારે પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે આ સમયે કહ્યું હતું કે ‘આ વખતે શિવસેનાની સત્તા મુંબઈમાંથી જાય અને બીજેપી અહીં સત્તા મેળવે એ માટે અમે પ્રયાસ કરીશું. શિવસેનાએ પચીસ વર્ષમાં એવાં કામ કર્યાં છે જેમાં મોટા પાયે ગોટાળા કરવામાં આવ્યા છે. શિવસેના આ ગોટાળાથી પોતાને અલગ ન કરી શકે. કોસ્ટલ રોડનું નબળું કામ હોય કે મેટ્રો ત્રણને રોકવા માટેનો અહંકાર વગેરે તેમણે જે મુંબઈગરાઓના માથે માર્યો છે એ લોકો ભૂલી નહીં શકે.’

મુંબઈ બીજેપીના અધ્યક્ષે વધુમાં કહ્યું હતું કે ‘મુંબઈગરાઓના મનમાં છેલ્લાં પચીસ વર્ષથી મુંબઈ શહેર માટે જે કલ્પના છે એને બીજેપી મુંબઈ બીએમસીમાં સત્તામાં આવ્યા બાદ સાકાર કરશે. અમને આ કામ કરવા માટે મુંબઈગરાઓના આશીર્વાદ જરૂર મળશે અને શિવસેનાને મુંબઈમાંથી આ વખતે તડીપાર કરશે એવો વિશ્વાસ છે.’

ઉલ્લેખનીય છે કે આશિષ શેલારને બીએમસીની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ તેમને મુંબઈ બીજેપીના અધ્યક્ષપદે નિયુક્ત કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. ૨૦૧૭ની બીએમસીની ચૂંટણીની જવાબદારી પણ આશિષ શેલારને સોંપવામાં આવી હતી. એ સમયે તેમણે અગાઉની ૩૧ બેઠક સામે ૮૪ બેઠક મેળવીને મોટી સફળતા મેળવી હતી.

ગઈ કાલે મુંબઈ અધ્યક્ષની સાથે બીજેપીએ નવા મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષની પણ જાહેરાત કરી હતી. ચંદ્રકાંત બાવનકુળેને આ જવાબદારી સોંપવામાં આવી છે.

શિંદે જૂથ દાદરમાં બીજું સેનાભવન બનાવશે

લોકોની સમસ્યાઓને વાચા આપવા માટે એકનાથ શિંદે જૂથ દાદરમાં બીજું સેનાભવન બનાવશે અને અહીં ખુદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે બેસીને જનતાની વાત સાંભળશે એવું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં, શહેરના દરેક પ્રભાગમાં શિવસેનાની શાખાની જેમ ઑફિસ ખોલવામાં આવશે. આગામી ૧૫ દિવસમાં આ નવી ઑફિસનું ઉદ્ઘાટન કરવામાં આવે એવી શક્યતા છે. ઉદ્ધવ ઠાકરેને ટક્કર આપવા માટે એકનાથ શિંદે મુંબઈમાં સક્રિય થઈ રહ્યા હોવાનું આ ઑફિસ શરૂ કરવાના નિર્ણય પરથી જણાઈ આવે છે.

આરે કારશેડમાં હવે એક પણ વૃક્ષ કાપવામાં નહીં આવે : ફડણવીસ

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ‘કાંજુરમાર્ગની જગ્યા એક ડેપો માટે પહેલેથી જ માગવામાં આવી છે. જોકે અત્યારે મામલો કોર્ટમાં છે. મેટ્રો-૩ કારશેડ માટે આરેની જમીન અને મેટ્રો-૬ માટે કાંજુરમાર્ગની જમીન ફાળવવામાં આવી છે. મેટ્રો-૩ માટે કાંજુરમાર્ગની જમીન ઉપયોગી ન હોવાનો અહેવાલ કમિટીએ પણ સોંપ્યો હતો. આમ છતાં ઉદ્ધવ ઠારેએ માત્ર અહંકારને લીધે આરેમાં કામ રોકાવી દીધું હતું અને કાંજુરમાર્ગની જમીનની માગણી કરી છે. આરેમાં મેટ્રો-૩ કારશેડ માટે હવે એક પણ વૃક્ષ કાપવાની જરૂર નથી અને કાપવામાં પણ નહીં આવે. કારશેડનું કામ ૨૯ ટકા અને આખી યોજનાનું કામ ૮૫ ટકા પૂરું થઈ ગયું છે. આવતા વર્ષે પહેલા તબક્કાની આ લાઇન શરૂ પણ થઈ જશે.’

બીએમસી ચૂંટણી સંબંધે ઉદ્ધવ ઠાકરેનું મંથન

મુંબઈ બીએમસીની ચૂંટણી સંબંધે ગઈ કાલે શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સેનાભવનમાં મુંબઈના શિવસેનાના તાજેતરમાં પૂરી થયેલી ટર્મના નગરસેવકોની બેઠક બોલાવી હતી. બીએમસીમાં શિવસેનાની પચીસ વર્ષથી સત્તા છે, પણ આ વખતે શિવસેનામાં બળવો થવાથી મુશ્કેલી થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ ઠાકરેએ નગરસેવકોને બોલાવીને તેમને કોઈ પણ લાલચમાં ન આવવાની સલાહ આપી હતી. વિધાનસભ્યો અને સંસદસભ્યો બાદ હવે એકનાથ શિંદેની નજર મુંબઈના શિવસેનાના નગરસેવકો પર છે એને ધ્યાનમાં રાખીને જ ઉદ્ધવ ઠાકરેએ આ સંવાદ બેઠક બોલાવી હોવાનું જાણવા મળ્યું હતું.

 

mumbai mumbai news ashish shelar bharatiya janata party