મુંબઈના ડૉક્ટરોનો આક્રોશ, સેવાનું સન્માન તો થવું જ જોઈએ

08 October, 2020 10:02 AM IST  |  Mumbai | Rohit Parikh

મુંબઈના ડૉક્ટરોનો આક્રોશ, સેવાનું સન્માન તો થવું જ જોઈએ

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વૉરિયર્સ સરકારી અને પ્રાઇવૅટ ડૉકટરોને કોરોના કવચને અંતર્ગત પ૦ લાખ રૂપિયાનો મરણોત્તર વીમો આપવાની યોજના જાહેરાત કરવામાં આવી છે. જોકે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ યોજનાનો લાભ કોરોના વૉરિયર્સ પ્રાઇવૅટ ડૉકટરોના પરિવારોને આપવામાં આવતો નથી. આથી કોરોના વૉરિયર્સ પ્રાઇવૅટ ડૉકટરોના પરિવારોમાં નારાજગી પ્રવર્તી રહી છે. જાણીએ શું કહેવું છે કેટલાક અગ્રણી ડૉક્ટરોનું.

પેશન્ટને ચેક કરવા એ હાઈ-રિસ્ક
હું છેલ્લાં ૧૭ વર્ષથી ડૉક્ટર તરીકે સેવા આપી રહ્યો છું. કોવિડકાળમાં પણ આ સેવા ચાલુ રાખી હતી. અમારે અમારા પેશન્ટ્સને ખૂબ નજીકથી ચેક કરવાના હોય છે. કોવિડના બધા નિયમોનું પાલન કર્યા છતાં અમારા માટે પેશન્ટ્સને નજીકથી ચેક કરવા એ હાઈ-રિસ્ક હોય છે. અમને પણ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલા કોવિડ-કવચ અંતર્ગત ૫૦ લાખ રૂપિયાના મરણોત્તર વીમાનો લાભ મળવો જોઈએ.
ડૉ. મનીષ મીરાણી, ઑપ્થૅલ્મૉલૉજિસ્ટ, થાણે

માનવતાનું વિભાજન ન થઈ શકે
દરેક ડૉક્ટર પેશન્ટ્સને માનવતાના ધોરણે સેવા આપતા હોય છે. માનવતાનું વિભાજન ન થઈ શકે. ડૉક્ટર એટલે ડૉક્ટર. કોરોનાના અત્યારના વિકરાળ સમયમાં દરેક ડૉક્ટરોએ કોવિડ હોય કે અન્ય પેશન્ટ તેમને સેવા આપી જ છે. આ ડૉક્ટરોને પણ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલી કોવિડ-કવચ યોજનાનો લાભ મળવો જ જોઈએ. એમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ ન હોવા જોઈએ.
- ડૉ. વસંત મજેઠિયા, જનરલ ફિઝિશ્યન, મુલુંડ

બધા ડૉક્ટરો એક જ ત્રાજવે તોળાવા જોઈએ
મારી ૩૬ વર્ષની પ્રૅક્ટિસમાં મેં સેવાને પ્રાધાન્ય આપ્યું છે. અત્યારના કોવિડના કપરા સમયમાં પણ મારા પેશન્ટ્સને સેવા આપવાની ચાલુ રાખી છે. જે સેવાકાર્ય સરકારી ડૉક્ટરો સરકારી હૉસ્પિટલમાં કરી રહ્યા છે એ જ સેવાકાર્ય અમે પ્રાઇવેટ ડૉક્ટરો અમારા ક્લિનિકમાં કરી રહ્યા છીએ. સરકારના આદેશને અમે પૂરેપૂરું માન આપ્યું છે. આવા સંજોગોમાં અમે અમારા અનેક ડૉક્ટરો-ભાઈઓને કોવિડની સેવા આપતાં ગુમાવ્યા છે. તો હજારો ડૉક્ટરો કોવિડના સંક્રમણથી બચીને ફરીથી તેમની ફરજ પર હાજર થઈ ગયા છે. મહારાષ્ટ્ર સરકારે બધા જ ડૉક્ટરોને એક જ ત્રાજવે તોળવા જોઈએ. સૌને એકસરખા લાભ આપવા જોઈએ.
- ડૉ. દીપક ઠક્કર, ફૅમિલી ફિઝિશ્યન, મુલુંડ-મુમ્બ્રા

સરકારી લાભ મ‍ળવો જ જોઈએ
કોવિડકાળમાં મારું ક્લિનિક એક પણ દિવસ બંધ રહ્યું નથી. હું અને મારી વાઇફ બન્ને પીપીઈ કિટ પહેરીને પણ અમારા કોવિડ સહિતના બધા જ પેશન્ટ્સને સેવા આપી રહ્યા છીએ. મારી ૩૬ વર્ષની પ્રૅક્ટિસમાં માનવતાના કાર્યમાં પીછેહઠ કરી નથી. મારી જેમ બધા જ પ્રાઇવેટ પ્રૅક્ટિશનરોએ પેન્ડેમિક સમયમાં પબ્લિકને સેવા આપી છે. અનેક ડૉક્ટરોએ તો સેવા આપતાં-આપતાં કોવિડના સંક્રમણમાં આવીને કે અન્ય કોઈ રીતે તેમના જીવ પણ ગુમાવ્યા છે. સરકારે આ બધા જ ડૉક્ટરોને સરકારી લાભ આપવા જોઈએ. કેન્દ્ર સરકારના કોવિડ-કવચનો લાભ સરકારી ડૉક્ટરોની સાથે જે ડૉક્ટરોએ પ્રાઇવેટ ક્લિનિકમાં કે હૉસ્પિટલોમાં તેમની સેવા આપી છે તેમને પણ આ લાભ આપવો જોઈએ. એ સરકારનું માનવતા-કાર્ય છે.
- ડૉ. હરિશ્ચંદ્ર પંચાલ, જનરલ ફિઝિશ્યન, વિક્રોલી-ઈસ્ટ

કોવિડમાં એકેય દિવસ બંધ નથી રહ્યું ક્લિનિક
ત્રીસ વર્ષથી રમાબાઈ કૉલોની જેવા સ્લમ વિસ્તારમાં સેવા આપી રહ્યો છું. કોવિડમાં એક પણ દિવસ મારું ક્લિનિક બંધ રાખ્યું નથી. કોવિડના પેશન્ટ્સ માટેના સ્પેશ્યલ ક્લિનિકમાં સેવા આપતાં-આપતાં કોવિડ પેશન્ટ બનીને ૧૧ દિવસ હૉસ્પિટલમાં રહી આવ્યો છું. ત્યાર પછી પણ તરત જ સેવાનાં કાર્યો, મેડિકલ કૅમ્પ જેમાં કોવિડની ટેસ્ટ કરીએ છીએ એ બધાં જ કાર્યો શરૂ કરી દીધાં છે. મારી સાથે ડૉક્ટરોની મોટી ટીમ છે. આ બધા ડૉક્ટરોની સેવા મહત્ત્વની છે. તેમણે સરકારી ધોરણે આપી કે પ્રાઇવેટલી આપી, પણ કોવિડના સમયમાં સેવા તો આપી જ છે. આ ડૉક્ટરોના પરિવારોને સરકારનો આરોગ્ય વિભાગ કોવિડ-કવચનો લાભ આપવાનો ઇનકાર કેમ કરી શકે?
- ડૉ. વિપુલ જોશી, પ્રેસિડન્ટ, ઘાટકોપર મેડિકલ અસોસિએશન

એવરી વન શુડ ગેટ ધિસ પ્રિવિલેજ
નવ વર્ષથી પ્રૅક્ટિસ કરી રહી છું એમાં પહેલી વાર આટલો બધો કપરો કાળ જોયો. જેમાં બધા જ ડૉક્ટરો અને નૉન-મેડિકલ સ્ટાફ તેમના પરિવારોને ભૂલીને કોવિડના પેશન્ટની સેવા કરી રહ્યા છે. હું ડે-વનથી આ સેવામાં છું અને ચૂનાભઠ્ઠી અને ટિળકનગરની બે પ્રાઇવેટ હૉસ્પિટલોમાં સેવા આપું છું. બન્ને કોવિડ સેન્ટર છે. મારી સામે અનેક ડૉક્ટરોના જીવ ગયા છે ત્યારે આ ડૉક્ટરોના પરિવારોને સરકાર સન્માનિત ન કરે એ પીડાદાયક છે. એવરી વન શુડ ગેટ ધિસ પ્રિવિલેજ.
- ડૉ. ઉર્વી મહેશ્વરી, સોમૈયા હૉસ્પિટલ (કોવિડ સેન્ટર), ચૂનાભઠ્ઠી

સેવાનો માપદંડ સમાન જ છે
કોવિડની મહામારીમાં મારી જેમ હજારો ડૉક્ટરો સંક્રમણમાં આવી ગયા છે. એમાંથી અમુકનાં તો કોવિડના પેશન્ટને સેવા આપતાં મૃત્યુ પણ થયાં છે. ડૉક્ટર ડૉક્ટર હોય છે એમાં સરકારી અને પ્રાઇવેટ એમ જુદા ન પાડી શકાય. બધાને સરકારે એકસરખી રીતે સન્માનિત કરવા જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા વૉરિયર્સ ડૉક્ટરો માટે જાહેર કરવામાં આવેલું કોવિડ-કવચ એક સરકાર દ્વારા કરવામાં આવેલા સન્માન સમાન છે. ડૉક્ટરોએ પ્રાઇવેટ ક્લિનિકમાં કે પ્રાઇવેટ હૉસ્પિટલોમાં સેવા આપી હોય બધાની સેવાનો માપદંડ એકસરખો જ છે.
- ડૉ. વાડીલાલ શાહ, જનરલ ફિઝિશ્યન, ગોરેગામ

mumbai mumbai news coronavirus covid19