બોરીવલી, કાંદિવલી અને મલાડમાં પ્રમાણમાં શાંતિ, લોકોએ દોટ ન મૂકી

02 February, 2021 08:42 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

બોરીવલી, કાંદિવલી અને મલાડમાં પ્રમાણમાં શાંતિ, લોકોએ દોટ ન મૂકી

ફાઈલ તસવીર

રાજ્ય સરકારે સાવચેતીનાં પગલાં લઈને લોકલમાં ભીડ ન થાય એ માટે સામાન્ય જનતાને પહેલી ટ્રેનથી સવારના ૭ વાગ્યા સુધી, બપોરના ૧૨થી સાંજના ૪ વાગ્યા સુધી અને રાતના ૯ વાગ્યા પછી પ્રવાસ કરવાની છૂટ આપી છે. જોકે પહેલા દિવસે વેસ્ટર્ન રેલવેનાં ગુજરાતી પરાં બોરીવલી, કાંદિવલી અને મલાડના સ્ટેશન પર એટલી ભીડ નહોતી. એટલું જ નહીં, સવારના સમયે પણ ખાસ કંઈ ફરક નહોતો જણાયો અને સામાન્ય જનતાએ ટ્રેન પકડવા દોટ નહોતી મૂકી.

ગઈ કાલે સવારે ૯થી ૧૧ વાગ્યા દરમ્યાન ‘મિડ-ડે’ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે મુંબઈગરા ધસારાના સમયે ટ્રેન પકડવા માટે ગરદી કરે છે કે નહીં. એમાં બોરીવલી, કાંદિવલી અને મલાડમાં પ્રમાણમાં ઘણી શાંતિ હતી. કોઈ ભીડ નહોતી અને ટ્રેન પકડવાની કોઈ ઉતાવળ પણ નહોતી. હા, ટિકિટ-વિન્ડો પર કેટલાક સામાન્ય લોકો એ સમયમાં પણ પ્રવાસ કરવા માગતા હતા અને ટિકિટ આપવા માટે દબાણ કરતા હતા. ત્યારે બુકિંગ-ક્લાર્કે તેમને સમજાવવું પડતું કે બપોરે ૧૨ વાગ્યા પછી જ તેમને પ્રવાસ કરવા મળશે. એ વખતે થોડી સમજાવટથી તો ક્યારેક પોલીસ દ્વારા મધ્યસ્થી કરીને લોકોને સમજાવવા પડ્યા હતા. જોકે એવા પ્રવાસીઓની સંખ્યા બહુ ઓછી હતી.બોરીવલી સ્ટેશને ટિકિટચેકર કે. ડી. શુક્લાએ કહ્યું હતું કે ‘સવારના સાત વાગ્યા પહેલાં ભીડ થશે એવો અંદાજ હતો, પણ એવું નથી થયું. બહુ ઓછા લોકો એ સમયે નીકળ્યા હતા. કોઈ આઇ-કાર્ડ વગર પ્રવાસ કરતું હોય, ટિકિટ વગર પ્રવાસ કરતું હોય કે પાસ ખલાસ થઈ ગયો હતો તો તેમને ફાઇન કરીએ જ છીએ. જોકે આ સમયમાં ટિકિટ ઇશ્યુ થતી ન હોવાથી સામાન્ય જનતા ટિકિટ વગર પ્રવાસ કરતી હોવાના બહુ કેસ નથી બન્યા. જોકે એમની સંખ્યા બહુ જ નગણ્ય છે.’

જોકે આજે પહેલા દિવસે સ્ટેશન પર જીઆરપી (ગવર્નમેન્ટ રેલવે પોલીસ) અને આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ની સંખ્યા વધારે હોવાનું દેખાઈ આવતું હતું.

પૅસેન્જરો અને બુકિંગ-ક્લર્ક વચ્ચે મચમચ

કાંદિવલી-ઈસ્ટ તરફના બ્રિજ પર આવેલી ટિકિટ-વિન્ડો પર ગઈ કાલે લાઇન હતી. જોકે ત્યાં પણ થોડા-થોડા સમયે પૅસેન્જરો અને બુકિંગ-ક્લર્ક વચ્ચે મચમચ થતી હતી અને પોલીસે પૅસેન્જરોને સમજાવવા પડતા હતા. વ્હીલર સ્ટોલના એક કર્મચારી પ્રકાશ રાહટેએ કહ્યું હતું કે ‘સવારે છ વાગ્યાથી સ્ટૉલ ખોલ્યો છે, પણ પબ્લિક બહુ જ ઓછી છે. ઘરાકી ખાસ નથી. સાત વાગ્યા પહેલાં પણ નહોતી અને એ પછી પણ નથી.’

મલાડમાં બે નંબરના પ્લૅટફૉર્મ પરના સ્ટૉલના આશિષ સોંધિયાએ કહ્યું હતું કે ‘હું ફક્ત નાઇટમાં રાતના ૯ વાગ્યાથી સવારના ૧૦ વાગ્યા સુધી હોઉં છું. જોકે પહેલાં જેવો ધંધો નથી. માંડ ૫૦૦થી ૬૦૦ રૂપિયાનો ધંધો થયો છે.’

mumbai mumbai news mumbai local train malad kandivli borivali