કલ્યાણના યુવકે 55 હત્યા કર્યા બાદ ISISએ પૈસા ન આપતાં સ્વદેશ પાછો ફર્યો

29 November, 2014 05:14 AM IST  | 

કલ્યાણના યુવકે 55 હત્યા કર્યા બાદ ISISએ પૈસા ન આપતાં સ્વદેશ પાછો ફર્યો


મુંબઈ નજીકના થાણેના ચાર યુવકો ૨૩ મેએ ઇરાક જવા નીકળ્યા બાદ ગાયબ થઈ ગયા હતા અને સિરિયામાં મિડલ ઈસ્ટના ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સિરિયા (ISIS) નામના ખતરનાક આતંકવાદી સંગઠનમાં જોડાઈ ગયા હોવાની ચર્ચા ચાલી હતી. જોકે આ ચારમાંથી સિરિયામાં બૉમ્બબ્લાસ્ટમાં માર્યો ગયો હોવાનું મનાતું હતું તે ૨૩ વર્ષનો માજિદ આરીબ ગઈ કાલે મુંબઈ પાછો ફર્યો હતો. અને ઍરર્પોટ પરથી ધરપકડ બાદ સિક્યૉરિટી એજન્સીઓ તેની પૂછપરછ માટે તેને મુંબઈથી તુરંત જ ઉઠાવીને અજ્ઞાત સ્થળે લઈ ગઈ હતી. ઉચ્ચસ્તરીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ યુવકે સિરિયામાં ટેરરિસ્ટ ગ્રુપ તરફથી ૫૫ માણસોની હત્યા કરી હતી અને તેને આ કામના પૈસા ન ચૂકવાતા તે સ્વદેશ પરત આવ્યો હતો. હવે આજે તેને નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની સ્પેશ્યલ ર્કોટમાં હાજર કરવામાં આવશે.  થાણે અને મુંબઈમાં આ સમગ્ર પ્રકરણની તપાસ ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS) કરી રહી છે. ગઈ કાલે સાંજે પાંચેક વાગ્યે આરીબ મુંબઈ ઍરર્પોટ પર ઊતર્યો કે તરત જ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તેને તાબામાં લઈને પૂછપરછ શરૂ કરી હતી.



મે મહિનામાં ભારતથી ઇરાક એક યાત્રાળુ સંઘ સાથે પહોંચેલા કલ્યાણના ચાર યુવકો માજિદ આરીબ, શાહીન ટંકી, ફહાદ શેખ અને અમન ટંડેલ ગાયબ થઈ ગયા હતા અને તેઓ સિરિયામાં ISIS સાથે જોડાઈ ગયાની બાતમીથી ખળભળાટ મચ્યો હતો. ૨૬ ઑગસ્ટે શાહીન ટંકીએ કલ્યાણમાં આરિફના ઘરે ફોન કરીને આરીબ બૉમ્બબ્લાસ્ટમાં માર્યો ગયો હોવાના ખબર આપતાં ATSએ આ પ્રકરણમાં ઊંડી તપાસ શરૂ કરીને આ યુવકોને વિદેશ મોકલવાની વ્યવસ્થા કરનારા કેટલાક લોકોની ધરપકડ પણ કરી હતી.


એક પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે આરીબ પાછો ફર્યા બાદ NIAએ તેને તાબામાં લઈને આકરી પૂછપરછ શરૂ કરી છે. આરીબના પરિવારના મિત્ર ઇફ્તિખાર ખાને કહ્યું હતું કે આરીબના પપ્પા એજાઝને શનિવારે સવારે સિક્યૉરિટી એજન્સીઓએ કૉલ કરીને આરિફ મુંબઈમાં હોવાના સમાચાર આપ્યા હતા.  અગાઉ આરીબના પરિવારની પૂછપરછ કરી ચૂકેલી ATS પણ આ ગંભીર પ્રકરણની તપાસમાં ફ્ત્ખ્ના સંપર્કમાં હોવાનું સૂત્રોએ કહ્યું હતું. એક સિનિયર પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે તુર્કિશ ઍરલાઇનના વિમાનમાં તે મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરર્પોટ પર ઊતર્યો કે તરત જ NIAએ તેને પકડી લીધો હતો.


આરીબની નજીકનાં વતુર્ળોની હિલચાલ પર નજર રાખીને ચોક્કસ બાતમીના આધારે આરિફ પકડાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ‘તે વિમાનમાંથી ઊતરીને અરાઇવલ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં આવ્યા બાદ અધિકારીઓએ તેના પેપરો તપાસતાં તેની પાસે પાસર્પોટ પણ નહોતો. તેની પાસે માત્ર ઇમર્જન્સી અરાઇવલ સર્ટિફિકેટ મળ્યું હતું.’ખરેખર તો આ પહેલાં ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)એ તુર્કી ઍરર્પોટ પર જ આરિફને પકડ્યો હતો અને શુક્રવારે તેને મુંબઈ પહોંચાડાયો હોવાનું અધિકારીઓએ કહ્યું હતું, કેમ કે તે આવવાની બાતમી હોવાથી જ ATS અને NIAની ટીમો ઍરર્પોટ પર હાજર હતી. તેને તરત જ પકડીને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. ઍરર્પોટના એક અધિકારીએ કહ્યું હતું કે ‘આરિફના ફ્રેન્ડ્સ અને ફૅમિલી મેમ્બર્સ તે ગાયબ હતો ત્યારથી જ ઍરર્પોટ પર નજર રાખતા હતા. ખરેખર તો આરીબ શંકાસ્પદ આરોપી છે છતાં તેની પૂરતી પૂછપરછ થશે. જો તે નિર્દોષ જણાશે તો તેને છોડી દેવામાં આવશે.’


એક પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘હાલમાં આરીબની પૂછપરછ NIAની ટીમ કરી રહી છે. અત્યાર સુધીમાં તેણે આતંકવાદી સંગઠન સાથે તેનું નામ જોડવા સંબંધી જે વિવાદો ચાલે છે એ વિશે નાખુશી વ્યક્ત કરી છે. જોકે તપાસ એજન્સીઓ તેની પાસેથી બાકીના ગાયબ થયેલા ત્રણ યુવકો વિશે માહિતી કઢાવવા તત્પર છે.’  IBના એક સિનિયર ઑફિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આરીબે સિરિયામાં ISISમાં જોડાયા બાદ ૫૫ વ્યક્તિની હત્યા કરી હોવાની પાકી બાતમી છે અને આતંકવાદી સંગઠને તેને પૈસા ન ચૂકવતા તે ભારત પાછો આવી ગયો છે.