લોકલ ટેનમાં સ્ટ્રેચર હવે કાઢી શકાય એવી સીટના રૂપમાં

14 October, 2014 03:21 AM IST  | 

લોકલ ટેનમાં સ્ટ્રેચર હવે કાઢી શકાય એવી સીટના રૂપમાં





રેલવેની પ્રૉપર્ટી ચોરી જનારા લોકો રેલવેની ભલમનસાઈનો ગેરફાયદો લઈ રહ્યા હોવાનું સેન્ટ્રલ રેલવેને લાગી રહ્યું છે, કેમ કે કેટલીક લોકલ ટ્રેનોમાં પ્રાયોગિક ધોરણે રાખવામાં આવેલાં સ્ટ્રેચર્સ ચોરાઈ જતાં અધિકારીઓએ હવે ઇમર્જન્સીમાં સ્ટ્રેચર તરીકે ઉપયોગમાં લઈ શકાય એવી ડિટૅચેબલ સીટો મૂકવાનો આઇડિયા વિચારવો પડ્યો છે.

મુંબઈમાં રોજેરોજ થતા ટ્રેન-ઍક્સિડન્ટ્સમાં ઈજાગ્રસ્ત લોકોને હૉસ્પિટલ સુધી લઈ જવા સ્ટ્રેચરની સુવિધા ન હોવાની ફરિયાદો કેટલાંય વર્ષોથી થઈ રહી છે. ઍક્સિડન્ટની જાણ થયા બાદ પોર્ટરો સ્ટ્રેચર સાથે ઘટનાસ્થળે પહોંચે એમાં ઈજાગ્રસ્તોના જીવન-મરણ માટે નિર્ણાયક ગોલ્ડન અવરનો મિનિમમ અડધો કલાક વેડફાતો હોવાની પ્રવાસીઓની ફરિયાદો થઈ રહી છે. ક્યારેક સ્ટેશને સ્ટ્રેચર જ ન હોય તો ઈજાગ્રસ્તને લોકોની મદદથી ટ્રૅક પરથી ઊંચકીને સ્ટેશન કે ઍમ્બ્યુલન્સ સુધી પોર્ટરો પહોંચાડે છે.

આવા પ્રૉબ્લેમ્સનો હલ કાઢીને સેન્ટ્રલ રેલવેએ પાઇલટ પ્રોજેક્ટ તરીકે એની સાત ટ્રેનોમાં પહેલા અને છેલ્લા ડબામાં એક-એક એમ ફોલ્ડ થઈ શકે એવાં ૧૪ સ્ટ્રેચર મુકાવ્યાં હતાં. જોકે ગણતરીના દિવસોમાં જ રેલવેનાં આવાં ૧૧ સ્ટ્રેચર ચોરાઈ જતાં આખા પ્રોજેક્ટ પર જ જોખમ ઊભું થયું હતું.

જોકે સેન્ટ્રલ રેલવેએ નવો આઇડિયા વિચારીને હવે ચાર ટ્રેનોમાં મળીને આઠ ડિટૅચેબલ સીટો મૂકવાનું નક્કી કર્યું છે અને આવી પહેલી સીટ શુક્રવારે ઇન્સ્ટૉલ કરવામાં આવી હતી. આ સીટો પણ ટ્રેનના પહેલા અને છેલ્લા કોચમાં મુકાશે. આ ડિટૅચેબલ સીટ સવા ફૂટ પહોળી અને સવાછ ફૂટ લાંબી છે અને જરૂર પડ્યે સ્ટ્રેચર તરીકે એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એની સૂચનાઓ આ સીટો પર ચીટકાવી છે.

આ સીટો વિશે સેન્ટ્રલ રેલવેના મુંબઈના ડિવિઝનલ મૅનેજર મુકેશ નિગમે કહ્યું હતું કે ‘ઇમર્જન્સીમાં પૅસેન્જરો જ આ સીટોને એની જગ્યાએથી આસાનીથી હટાવી શકે છે. સ્ટ્રેચરની જેમ જ કવ્ર્ડ સપાટી ધરાવતી આ સીટોની બન્ને કિનારીઓ પણ વળેલી છે અને એમાં સ્ટીલ બાર્સ પણ મૂકેલા છે તેથી એ બહાર કાઢીને લોકો ઈજાગ્રસ્ત વ્યક્તિને સીટ પર સૂવડાવીને સરળતાથી ઊંચકી શકે છે.’

રેલવેએ સ્ટ્રેચરમાં ફેરવી શકાય એવી એક સીટ ૮૦૦૦ રૂપિયામાં ખરીદી છે. રેલવેના અધિકારીઓને આશા છે કે આ સીટોની ચોરી નહીં થાય, કેમ કે ફોલ્ડ થઈ શકે એવા સ્ટ્રેચરની જેમ આ સીટને એક વ્યક્તિ એની જગ્યાએથી બહાર નહીં લઈ જઈ શકે. ફોલ્ડેબલ સ્ટ્રેચર રેલવેએ ૧૭૦૦ રૂપિયાનું એક પ્રમાણે ખરીદ્યું હતું.