સાત મહિના બાદ લોકલમાં પ્રવાસની મંજૂરીથી મહિલાઓ ખુશખુશાલ

17 October, 2020 03:47 PM IST  |  Mumbai | Rohit Parikh

સાત મહિના બાદ લોકલમાં પ્રવાસની મંજૂરીથી મહિલાઓ ખુશખુશાલ

સાત મહિના બાદ લોકલમાં પ્રવાસની મંજૂરીથી મહિલાઓ ખુશખુશાલ

રાજ્ય સરકારે નવરાિત્રની આગલી સંધ્યાએ મુંબઈની મહિલાઓને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની ગિફ્ટ આપી હતી. સાત મહિનાથી લોકલ ટ્રેનો બંધ હોવાથી મુંબઈની કામકાજ પર જતી લાખો મહિલાઓએ આ જાહેરાતથી રાહતનો દમ લીધો છે. સવારે ૧૧થી ૩ અને રાત્રે ૭ વાગ્યા પછી લોકલ ટ્રેનમાં ક્યુઆર કોડ વિના પ્રવાસની મંજૂરી અપાઈ છે. જો કે કેટલીક મહિલાઓએ સમયના આ નિયંત્રણ સામે નારાજગી વ્યક્ત કરી છે. સરકારના આ નિર્ણય બાબતે મુંબઈગરાઓ શું કહે છે? જાણીએ...

ડૉ. કુમાર દોશી, સોમૈયા હૉસ્પિટલ કોવિડ સેન્ટર
- ચૂનાભઠ્ઠી
મહારાષ્ટ્ર સરકારે લોકલ ટ્રેનોમાં મહિલાઓને મુસાફરી કરવાની આજથી પરવાનગી આપીને અત્યારની ઇકૉનૉમીને રન કરવા માટે કદાચ આ નિર્ણય લીધો છે. સરકારે તેમના પરિપત્રમાં ‘કેમ ફક્ત મહિલાઓ જ’ એ બાબતની કોઈ સ્પષ્ટતા કરી નથી. એમાં કોઈ શંકા નથી કે મહિલાઓ કોવિડથી ઓછી સંક્રમિત થઈ છે. પુરુષો ૫૫ ટકા છે તો મહિલાઓ ૪૫ ટકા જ છે. સરકાર મહિલાઓને પરવાનગી આપીને એક ટ્રાયલ લઈ રહી હોય એવું દેખાય છે. આમાં કોઈ વૈજ્ઞાનિક કારણ દેખાતું નથી, પણ સરકાર મહિલાઓને ટ્રેનોમાં મુસાફરીની પરવાનગી આપીને જોવા ઇચ્છે છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં રહે છે કે નહીં. જેથી પછી પુરુષોને મુસાફરી કરવાની પરવાનગી આપી શકાય એવું અત્યારે દેખાઈ રહ્યું છે.

વિભૂતિ ઝાંઝરકિયા, મીરા રોડ
ટૅલન્ટ સ્કાઉટ ઇન લિમિટેડ કંપની - બાંદરા
સૌથી પહેલાં તો ફક્ત મહિલાઓ માટે જ કેમ એ બહુ મોટો સવાલ છે. અમારા પરિવારના પુરુષો ઘરમાં બેસીને કામ કરે છે. અમારે માટે ટ્રેનો શરૂ થવાથી અમે જે અત્યારે વર્ક ફ્રૉમ હોમ કરીએ છીએ, એને બદલે કદાચ અમારી ઑફિસમાંથી અમને બોલાવવામાં આવે તો અમે ટ્રેનની ગિરદીમાં સંક્રમણમાં આવીને અસુરક્ષિત બની શકીએ છીએ. અત્યારે ટ્રેનો બહુ ઓછી દોડી રહી છે. રેલવે પ્રશાસન ક્યારથી કેટલી ટ્રેનો વધારશે એની કોઈને જ ખબર નથી. તદુપરાંત ડિઝૅસ્ટર મૅનેજમેન્ટે જે મુસાફરીના સમયનું સૂચન કર્યું છે એ અમારા ઑફિસના સમય સાથે મૅચ થતું નથી. સવારે ૧૧ વાગે એટલે બહુ મોડો સમય છે. એ જ રીતે સાંજે ૭ વાગ્યા પછી એ પણ બહુ મોડો સમય છે. મારી ઑફિસના સમય સાથે એ મૅચ થતો નથી. ટ્રેનોના સમયની સાથે ઑફિસનો સમય બદલાશે એવું અત્યારથી ધાર્યું ઊતરે નહીં. સરકારનો નિર્ણય સારો છે, પણ હજી મનને જચતું નથી.

જાગૃતિ વિકમશી, ઉલ્હાસનગર
નોકરી અકાઉન્ટન્ટ, બિલ્ડર - ઘાટકોપર
અનલૉક થતાં મારી ઑફિસ શરૂ થઈ ગઈ. એમાં પણ મુખ્યત્વે અત્યારે રિટર્ન ભરવાનો સમય છે એટલે જવું જરૂરી પણ છે. ટ્રેનોમાં અમને મુસાફરી કરવાની પરવાનગી ન હોવાથી હું ઉલ્હાસનગરથી કોઈની કારમાં લિફ્ટ લઈને કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં હેરાન થઈને ઘાટકોપર પહોંચું છે. ઘરે સિનિયર સિટિઝન હોવાથી આ સમય ખૂબ કપરો છે. મહારાષ્ટ્ર સરકારે લોકલ ટ્રેનોમાં મહિલાઓને આજથી મુસાફરી કરવાની છૂટ આપી એ સાંભળીને ખૂબ આનંદ થયો, પણ આ આનંદ સરકારનો મુસાફરી કરવાનો સમય સાંભળ્યા પછી ક્ષણભંગુર બની ગયો. સવારે જવાનો કે સાંજે આવવાનો એક પણ સમય મારા માટે ફાયદાકારક નથી. એમાં પણ ઑલરેડી રેલવે પ્રશાસન ટ્રેનો ઓછી દોડાવે છે એવા સમયે ઉલ્હાસનગરથી ઘાટકોપર પહોંચવું એટલે જીવનું જોખમ લેવા બરોબર છે. સામાન્ય દિવસોમાં પણ અમારે અંબરનાથ રિટર્ન થઈને આવવું પડે છે ત્યારે અત્યારે ઓછી ટ્રેનો હોવાથી શું હાલત ટ્રેનમાં હશે એ વિચાર જ ડરાવી મૂકે છે. કોવિડના કપરા કાળમાં ગિરદીમાં મુસાફરી કરવી એ અત્યંત જોખમી લાગે છે. ઘરના વડીલોની જવાબદારી છે અને ક્યાંક સંક્રમણમાં આવીને કોવિડનો ભોગ બની જઈએ તો જીવનભર પસ્તાવાનો વારો આવે. સારા સમાચાર હોવા છતાં સંતોષજનક સમાચાર લાગતા નથી.

ભાવિકા રાણપરા, અંધેરી
નોકરી ‍: લોઅર પરેલ
મહારાષ્ટ્ર સરકારનો મહિલાઓને લોકલ ટ્રેનોમાં પ્રવાસની પરવાનગી આપવાનો નિર્ણય આવકારદાયક છે. એમાં પણ મા દુર્ગાપૂજાના પ્રથમ દિવસે એટલે તો એનો ખૂબ આનંદ છે. અત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટ અતિશય ભીડવાળાં હોય છે. રિક્ષામાં સાઉથ મુંબઈ જવું શક્ય નથી. મધ્યમ વર્ગની જૉબ કરતી મહિલાઓને ઓલા/ઉબેર ટૅક્સીઓ પોસાય એમ નથી. બધી જ મહિલાઓ પાસે રેલવેની સીઝન ટિકિટ હોય જ છે એટલે તેઓને લૉકડાઉન પછી બહુ મોટી આર્થિક રાહત મળશે. જોકે આની સામે જે અત્યારે મહિલાઓ માટે ટ્રેનોનો સમય જાહેર કર્યો છે એ ઑફિસના સમય સાથે મૅચ થતો નથી.

ધારિણી કોઠારી ફડકે, વિક્રોલી (ઈસ્ટ)
નોકરી : ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કંપની - બાંદરા
મારે દરરોજ બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સ અને ઑપેરા હાઉસ જૉબ પર જવાનું હોય છે. અત્યારે તો ૯૦ ટકાથી વધુ મહિલાઓ વર્ક ફ્રૉમ હોમ કરી રહી છે છતાં મહારાષ્ટ્ર સરકારે મા દુર્ગાની પૂજાના પ્રથમ દિવસે જ મહિલાઓને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની પરવાનગી આપીને એક રીતે મહિલાઓની પૂજા કરી છે, મહિલાઓને સન્માન આપ્યું છે. જોકે અત્યારની પરિસ્થિતિ જોઈએ તો સેન્ટ્રલ રેલવેમાં ટ્રેનો ૧૦થી ૧૨ મિનિટના સમયાંતરે દોડી રહી છે. મારી ઑફિસ સવારે ૧૦થી ૬ વાગ્યા સુધી હોય છે. મારી કંપની કાલે મને ઑફિસમાં બોલાવે તો મારા માટે ૧૧ વાગ્યા પછી ટ્રેનો દોડે એનો કોઈ મતલબ નથી. પહેલાં તો રેલવે પ્રશાસને ટ્રેનો વધારવી જોઈએ. ડિઝૅસ્ટર મૅનેજમેન્ટે પણ આ સૂચન કર્યું જ છે. નહીંતર કોવિડના સમયમાં ટ્રેનોમાં ગિરદી થતાં કોવિડનો ફેલાવો સંભવિત બની જશે.

રિયા દોશી, કાંજુર માર્ગ
નોકરી : વાશી
અત્યારના સમયમાં ઇકૉનૉમી એકદમ અટકી ગઈ છે. વિમેન્સ ઘરમાં બેસીને કામ કરે છે, પણ ઇકૉનૉમી રન કરવા તેને મુસાફરી કરવી અતિ જરૂરી છે. કાંજુર માર્ગથી વાશી જવા માટે ઇમર્જન્સી પાસ વગર પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પરવાનગી નથી. આવા સમયે સરકારનો આ નિર્ણય વધાવવાને લાયક છે. લોકલ ટ્રેનો મુંબઈનું હાર્દ છે. એને માટે એક સુરક્ષિત અને સુવિધાજનક ટ્રાન્સપોર્ટ એટલે લોકલ ટ્રેન. સરકારે આજથી મહિલાઓને મુસાફરી કરવાની છૂટ આપીને બહુ જ આવકારદાયક નિર્ણય લીધો છે. અત્યારના જે સમય જાહેર કર્યો છે એમાં જો સરકાર પરિવર્તન કરશે તો વિમેન્સ માટે ઉત્તમ ગણાશે.

mumbai mumbai news mumbai local train