રાઉતના વિધાન સામે થાણેમાં વિરોધનો ભડકો

28 June, 2022 01:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૪૦ વિધાનસભ્યો જીવતા નહીં પણ તેમના મૃતદેહો જ મુંબઈ આવશેના...

સંજય રાઉતનું પૂતળું બાળી રહેલા શિવસૈનિકો

શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે રવિવારે કરેલા આસામથી ૪૦ મૃતદેહ જ મુંબઈ આવશે એવા વિવાદાસ્પદ નિવેદનને પગલે ગઈ કાલે થાણે સહિત મહારાષ્ટ્રમાં અનેક સ્થળોએ એકનાથ શિંદેના સમર્થકોએ જોરદાર વિરોધ-પ્રદર્શન કરીને તેમનાં પૂતળાં બાળ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. દરમ્યાન, ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં આ જૂથની અરજીની સુનાવણી હાથ ધરાવાની હોવાથી મોટી સંખ્યામાં લોકો એકનાથ શિંદેના ઘરની આસપાસ એકત્રિત થયા હતા. ચારેક વાગ્યે સુપ્રીમ કોર્ટે રાહત આપી હોવાના સમાચાર મળ્યા બાદ આ સમર્થકોએ ફટાકડા ફોડીને એની ઉજવણી કરી હોવાનું જાણવા મળ્યું હતું.

સંજય રાઉતે રવિવારે બળવો કરનારા એકનાથ શિંદે સહિતના ૪૦ વિધાનસભ્યો જીવતા નહીં પણ તેમના મૃતદેહો જ મુંબઈ આવશે એવું અત્યંત વાંધાજનક નિવેદન આપ્યું હતું. તેમના આવા નિવેદનથી એકનાથ શિંદેના સમર્થકોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે. ગઈ કાલે તેઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઊતર્યા હતા અને સંજય રાઉત સામે સૂત્રોચ્ચાર કરીને તેમના પૂતળાનું દહન કર્યું હતું. મોટી સંખ્યામાં લોકો અચાનક રસ્તામાં આવી જતાં પોલીસે તેમને નિયંત્રિત કરવા માટે ખૂબ મહેનત કરવી પડી હતી. આ સમયે એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેએ લોકોને શાંત રહેવાનું કહ્યું હતું. 

mumbai mumbai news maharashtra sanjay raut