"સેક્સ બદલ મહિલાઓને સજાની વાત તો કોઈ પાગલ વ્યક્તિ જ કરી શકે"

14 April, 2014 03:04 AM IST  | 

"સેક્સ બદલ મહિલાઓને સજાની વાત તો કોઈ પાગલ વ્યક્તિ જ કરી શકે"





મહિલાઓ અને રેપ જેવા મુદ્દે વિવાદાસ્પદ બયાન આપનારા સમાજવાદી પાર્ટીના મુંબઈના નેતા અબુ આઝમીએ ગઈ કાલે આ વિશે કહ્યું હતું કે આવું તો કોઈ પાગલ માણસ જ બોલી શકે. પાર્ટી તરફથી એક સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે પાર્ટીના સિનિયર નેતા અબુ આઝમીના બયાન સાથે મીડિયા તરફથી કોઈ ચેડાં નહોતાં કરવામાં આવ્યાં, પરંતુ એને ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. અબુ આઝમીએ એવો દાવો પણ કર્યો હતો કે આ વિવાદને કારણે લોકસભાની ચૂંટણી લડી રહેલા તેમના પુત્ર ફરહાનને કોઈ અસર નહીં થાય.

જોકે અબુ આઝમી સાથે જોડાયેલા આ વિવાદનો અંત તો નથી જ આવ્યો. ગઈ કાલે તેમણે કહ્યું હતું કે પ્રી-મૅરિટલ સેક્સ વિશે કોઈ ડાહ્યો માણસ આવું વિધાન કેમ કરી શકે? અગાઉ અબુ આઝમીએ આપેલા ચોંકાવનારા વિવાદાસ્પદ બયાનમાં કહ્યું હતું કે ‘મૅરેજ પહેલાં કે પછી સેક્સનો કોઈ સવાલ જ નથી, ખરેખર તો એ જોવું જોઈએ કે આવા કેસમાં બન્નેની સંમતિ હતી કે નહીં? જો કોઈ મહિલા પોતાના પતિ સિવાય અન્ય કોઈ વ્યક્તિ સાથે આવા સંબંધ ધરાવતી હોય તો ઇસ્લામમાં તો આવી મહિલાને પણ સજા થાય છે.’

આનાથીયે આગળ વધીને સમાજવાદી પાર્ટીના આ નેતાએ કહ્યું હતું કે ‘રેપના નવા કાયદાનો દુરુપયોગ કરીને આવી રિલેશનશિપમાં પોતે અકળામણ અનુભવે એટલે મહિલા પુરુષને ફસાવી શકે છે અને આખરે પુરુષ પર મોટી મુસીબત ત્રાટકી શકે છે.’

ગઈ કાલે પત્રકાર-પરિષદમાં અબુ આઝમીએ કહ્યું હતું કે ‘સેક્સ માટે મહિલાને સજા કરવા સંબંધી કમેન્ટ હું ન કરી શકું. આવું સ્ટેટમેન્ટ તો કોઈ પાગલ માણસ જ કરી શકે અને આવી વ્યક્તિને તો જેલમાં જ મોકલી આપવી જોઈએ.’