મુંબઈના નોએડા જેવા ટ્‍વિન ટાવર્સ પર ક્યારે કાર્યવાહી થશે?

30 August, 2022 09:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજેપીના નેતા કિરીટ સોમૈયાએ મહાનગરમાં અનેક ગેરકાયદે ઇમારતો પર પગલાં લેવા માટે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો

બીજેપીના નેતા કિરીટ સોમૈયા

નોએડાના ટ્વિન ટાવરને તૂટતો આખા દેશે જોયો, પરંતુ મુંબઈમાં આવા અનેક ગેરકાયદે ટ્‍વિન ટાવર્સ છે એના પર કાર્યવાહી ક્યારે થશે? બીજેપીના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને સવાલ કર્યો છે. આ સિવાય તેમણે મુંબઈના બિલ્ડરો અને બીએમસીના ભ્રષ્ટ અધિકારીઓનું ઑડિટ કરવાની માગણી પણ કરી હતી.

કિરીટ સોમૈયાએ ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મુંબઈમાં ઓસી ન મેળવાઈ હોય એવા સેંકડો ટાવર્સ છે. આવાં બાંધકામમાં હજારોની સંખ્યામાં મધ્યમ વર્ગના લોકો પાંચથી દસ વર્ષથી રહે છે. બિલ્ડરોએ મંજૂરી વિના અનેક ઇમારતોમાં વધારાના ફ્લોરનું બાંધકામ કર્યું છે. એક દાયકામાં ૨૫,૦૦૦ જેટલા લોકો ઓસી ન મળી હોય એવા ફ્લૅટમાં રહેતા હોવાથી ચિંતામાં છે. લોકોની ચિંતા માટે બિલ્ડરો અને બીએમસીના ભ્રષ્ટ અધિકારીઓ જવાબદાર છે એટલે તેમનું ઑડિટ થવું જોઈએ. આ સંબંધે મેં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યા છે.’

એકનાથ શિંદે જૂથમાં સામેલ થયેલા ઓવળા-માજીવાડા વિસ્તારના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે વિહંગ ગ્રુપ દ્વારા કેટલાંક ગેરકાયદે બાંધકામ કર્યાં હોવાનો આરોપ છે એ વિશે શું કહો છો? પત્રકારે પૂછેલા આ સવાલના જવાબમાં કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે ‘મારે કોઈ એક બિલ્ડરનું નામ નથી લેવું, પણ હા, ૨૦૧૦માં તેમના પ્રોજેક્ટમાં રહેવા ગયેલા લોકોને ૨૦૨૨ સુધી ઓસી નહોતું મળ્યું. મેં આ મુદ્દો ઉઠાવ્યો ત્યાર બાદ મહા વિકાસ આઘાડી સરકાર દ્વારા વિહંગ ગ્રુપને દંડ કરવામાં આવ્યો હતો. આથી વિહંગ ગાર્ડનના રહેવાસીઓને ઓસી મળી ગયું છે. દુકાનો અને ફ્લૅટ ખરીદનારા મધ્યમ વર્ગના લોકોને સંરક્ષણ મળવું જોઈએ. કેટલાક બિલ્ડરો અને ફ્લૅટધારકોને જ માફી આપવામાં આવે છે એ નીતિ બરાબર નથી. કિશોરી પેડણેકરે બેનામી દુકાનોનો તાબો લીધો હોવાના મામલામાં હું ફરી એસઆરએ ઑથોરિટી પાસે જઈને કાર્યવાહીની માગણી કરવાનો છું. તેમણે વરલીમાં ૬ દુકાનો ગેરકાયદે પચાવી પાડી હોવાની માહિતી મારી પાસે છે.’

સોમૈયાએ બિલ્ડરો અને તેમને મદદ કરનારા બીએમસીના ભ્રષ્ટ અધિકારીઓનું ઑડિટ કરવાની માગણી તો કરી છે, પણ તેમની આ માગણી સરકાર કેટલી ગંભીરતાથી લેશે એ જોવાનું રહ્યું. 

અનિલ પરબનો ટ્‍વિન રિસૉર્ટ ધરાશાયી થશે

દાપોલીમાં શિવસેનાના વિધાનસભ્ય અનિલ પરબે નિયમોનો ભંગ કરીને આલીશાન સાંઈ નામનો રિસૉર્ટ બનાવ્યો છે. કિરીટ સોમૈયાએ એને તોડી પાડવાની માગણી કરી છે. ગઈ કાલે રત્નાગિરિના કલેક્ટરે આ સંબંધે બેઠક બોલાવી હતી, જેમાં ટ્વિન રિસૉર્ટને તોડી પાડવા માટેનું પ્લાનિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. 

mumbai mumbai news kirit somaiya